રે લગની તો તમ સાથે લાગી, તેણે બીજી સર્વે આશા ત્યાગી. રે. લગ.
રે ન ગમે ઘર સૂતર કરતાં, રે ફજેતી ભવફેરા ફરતાં,
વાલું વાલા તમને વરતાં. રે લગ. ૧
રે મન માન્યું તમ સાથે મારું, રે સંસાર સુખ લાગે ખારું,
તનમાં છે તાન હરિ તારું રે લ.ર
રે સગપણ સાચું તમ સાથે, જમવું તે હેતે તમ હાથે,
બીજાનું મેણું ભૂંડું માથે. રે લ. ૩
રે તમે છો સર્વે થકી સારા, રે મોહન મન માન્યા મારા,
નિષ્કુળાનંદ તણા પ્યારા. રે લ. ૪
પદ-૩-૧૧૭
રે મનડું તો તમ સાથે માન્યું, બલો પરુ બીજાનું બાનું રે.
રે તમ વિના બીજાને વરીએ, રે પ્રાક્રત ઘરે પાણી ભરીએ.
તેથી વિખ ખાઇને મરીએ.રે. ૧
રે પરસિયે પુરુષ કોયે પાપી, રે તન મન ધન તેને આપી,
તેથી મરીયે મસ્તક કાપી.રે.ર
રે આંટી તો પાડીછે એવી, રે અનેક તન સાટે તેવી,
તેની વાત કોયને શું કેવી. રે. ૩
રે સમઝીને કીધું છે કામ, રે તમવિના નથી બીજે ઠામ,
નિષ્કુળાનંદ તણા શામ, રેમન. ૪