શામળીયા સનેહિ તારી પ્રીતડલી બંધાણી વાલા, ઢાળ.
ધન્ય ધન્ય આજ મારે, દિવસ દિવાળી બેની.
મંદિર પધારો મારે, વાલો વનમાળી. બે. ૧
નીર ઉને નવરાવી, પિતાંબર પેરાવ્યાં. બે.
ચંદન ચરચીને હાર, છોગાલાં ધરાવ્યાં.બે. ર
સિંહાસન સજ કરી, પિઉને પધરાવ્યા.બે.
ભોજન વિંજન ભલિ ભાતે, થાળ મેં ધરાવ્યા. બે. ૩
સેવૈયા મોતિયા લાડુ, તળેલ પણ તેવા. બે.
પેડા પતાસા ને પુરી, મન માન્યા મેવા.બે.૪
સૂતરફેણી સકરપારા, સેવને સુંવાળી.બે.
બ્રંજ ગળી મોળી પોળી, રોટલી રસાળી.બે. પ
ગેબર ગુંદર પાક, શિરો ને સાબુડી. બે.
દૈથરાં ને દુધપાક, મગદલ મરકી રૂડિ.બે. ૬
ગગન ગાંઠીયા ગળ્યા, તળ્યા મેં ટોપરાં.બે.
જલેબી લાપસી જાણો, હલવો ખાજાં ખરાં .બે.૭
માલપુડા મેસુબને, બરફી બહુ કીધી .બે.
ગળ્યા મોળા સાટા સારા, ધોઇ સાકર દીધી .બે.૮
તલસાંકળી સાકર ચણા, સુખડીની સીમા. બે.
બાજરાની પોળી બોળી, ઘણી ઝબોળી ઘીમાં.બે. ૯
ગાંઠિયા ને કળી કાજુ, ફાફડા ફૂલવડી.બે.
ભજીયાં બહુ ભાતે કર્યાં પુડલા પકોડી.બે. ૧૦
વડાં વડી ચણા બણ્યા, તીખા તમતમા.બે.
વિંજન બહુ વિઘ્યે કર્યાં, સમારીને સમા.બે. ૧૧
મેથી મૂળા વૈતાંક, ચણેચી ને ચોળા.બે.
સકરકંદ સુવા ભાજી, સુર્ણ શાકર કોળાં.બે. ૧ર
કડી વડી ભિંડાફળી, રાયતાં રુપાળાં.બે.
તાંદળિયો તુરિયાં તળાં, ટિડોળાં રસાળાં.બે. ૧૩
અળવી નઇ લુણી ચીલ, નવલ નિલોતરી.બે.
ભિંડી ડોડી ભાવે કરી, વઘારી મોઘરી. બે. ૧૪
કંકોડા કારેલાં કુબી, વાલોળ વઘારી.બે.
ઘિસોડાં ગલકાં ગ્વાર, ટાંકાની તરકારી.બે. ૧પ
પરવર પાપડી તળ્યાં, કાજુ મેં કોચલાં.બે.
ચીભડાં દુધીયાં દિસે, સાક સૌથી ભલાં.બે. ૧૬
ડોડા ને ચીચોડાં રુડાં, ઘીમાં વઘાર્યાં બે.
નવલ નિલવા લાવી, લવિંગે ધુંગાર્યા.બે. ૧૭
શાક પાક સારાં કર્યાં, ચતુરાયે ચાર.બે.
લેશ ચોશ ભક્ષ ભોજે, જમે જુગ આધાર.બે. ૧૮
કનક કટોરે લઇ, પાયાં જમતાં પાણી.બે.
સુંદર મુખ જોઇ મોઇ, મનડે લોભાણી.બે. ૧૯
રાયતી આથેલ કેરી, આદાને અદ્રક.બે.
કાચરી કટોરા કેરાં, વાંસને ખારેક.બે. ર૦
ગરમર લીંબું ને મરચાં, ચટણી આવી ચકે.બે.
આચાર અનેક પાપડ, તળ્યાં ભજ્યાં તકે.બે. ર૧
કેરી રસ કેળાં પાકાં, મુરબો મીઠો જમ્યા.બે.
મેવા મઇ માખણ મેં, આપ્યા મન ગમ્યાં.બે. રર
ચણ્યા ચોળા અડદ મગ, મેસુરની દાળ.બે.
ભાતને ખીચડી રૂડી, જમ્યા તે દયાળ.બે. ર૩
કુરને કરમલડો કાજુ, પુવા મેં પલળાવ્યા.બે.
કાંગનું કાંગવું કરી, જાદરિયાં જમાવ્યાં.બે. ર૪
કઢ્યાં દુધ ધોઇ ખાંડ, ખોબલે સું દીધી.બે.
દાસ જાણી દયા આણી, પ્રેમે કરી પીધી.બે. રપ
આચ મન દઇ આપી, લવિંગ સોપારી. બે.
એલા તજ કાથો ચુનો, પાનબીડી સારી.બે. ર૬
દાસને દયાળે થાળ, હેતે આપ્યો હાથે .બે.
જન બીજાં જમ્યાં કઇ, જમાડિયાં નાથે.બે. ર૭
કેસર ચંદન ચરચી, ચોખા ચોડ્યા ભાલ.બે.
ફૂલડાની માળા કંઠે, રોપી થઇ નીહાલ.બે. ર૮
અગ્નનિ આરતિ કરી, હરિ ચર્ણે લાગી.બે.
સેજડિયે પધારયા પછે, શામળીયો સુવાગી.બે. ર૯
માહા સુખ દીધું મને, ભાવે ભરી ભેટ્યા.બે.
તનડાના તાપ મારા, મળતામાં મેટ્યા.બે. ૩૦
સુંદર વસ્ત્ર પેરી લેરી, બેઠા તે બારણે.બે.
દિવાની દીપમાળા પુરી, કોડીલા કારણે.બે. ૩૧
વાલિ વાલિ કરે વાતું, બોલે હસિ હસિ.બે.
નિષ્કુળાનંદને ઉર, એવી છબી વસી.બે. ૩ર