વર લાડિલો આવ્યા તોરણે એ ઢાળ.
ધન્ય ધન્ય દિન રળિયામણો, ધન્ય અવસર આજરે,
લગન લાડિલી મોકલે, વેલા આવો મહારાજરે.૧
વાલાજી વિલમ ન કિજીયેરે, દિજે દરશન દાનરે,
ભુધર તમને ભેટતાં વળે અમારા વાનરે.ર
મનરે ઇછેછે મળવા, નયણા જોવાને નાથરે,
શ્રવણ ઇછે છે સુણવા, વાલા મુખની વાતરે.૩
સર્વે અંગે સ્વામી તમને, પરશી પાવન કરુંરે,
પીયુજી વેલેરા પધારજો, આવો અંક જ ભરુંરે. ૪
અવગુણ મારા અનેક છે, રખે તે સામું જોતાંરે,
અધમ ઓધારણ બિરૂદછે, રખે તે તમે ખોતારે.પ
બિરૂદ સામું જોઇ શામળા, કરજો અમારાં કાજરે,
શું કઇને સંભળાવીયે, સર્વે જાણો મહારાજરે. ૬
થોડે લખે ઘણું જાણજો, દયા કરજો દયાળુરે,
જેમ જાણો તેમ જાણજો, છૈયે તમારા પાળુરે.૭
છાંડતાં છેક છૂટો નહિ, તે કેમ છાંડો મારાજરે,
નિષ્કુળાનંદના નાથજી, બાંય ગ્રહ્યાની લાજરે. ૮