માયરે બેઠા છે દેવ મોરારરે, સુંદરીયે સજયો છે શણગારરે,
પેર્યા છે આનંદના અણવટરે, અજીત અડગને અમટરે.૧
ઝાંઝર પ્રેમનાં કાવેરે, ઉત્તરિ ઉર હરિ એક ભાવેરે,
માળા માદળીયા સાંકળી હારરે,
સમ દમ આદ્યે વિવેક વિચારરે.ર
પેર્યો છે અખંડ વરનો ચુડોરે, સુંદરી સુંદરવર પામી રૂડોરે,
નાકે તે પેર્યા નિરમલાં મોતીરે,
સજ થઇ પીયુને મળવા પનોતિરે. ૩
ચાંદલિયો અવિચલ વરનો ચોડયોરે,
સંશે તે સર્વે અવર બીજો ત્રોડયોરે,
મેલ્યો છે નિ:શંકનો શિર મોડરે, દેખી વાલો રાજી થયા રણછોડરે.૪
ઘાટડી વૈરાગ્યની ઘણી સારીરે, સખી એવે શણગારે શણગારીરે,
પધરાવ્યા પછે પીયુને પાસરે, ટાળી છે લોક લાજ તન ત્રાસરે. પ
બની છે સુંદર સરખી જોડી રે, બાંધી છે ગાંઠ ન છુટે છોડીરે,
વર કંઠે રોપી છે વરમાળ રે, પ્રભુ અમે દીન તમે પ્રતિપાળ રે. ૬
તન મન સોપ્યું છે હરિ તમને રે, તમ સંગે શોભા આવી છે અમને રે,
તારે હરિએ હેતે કરી સાયો હાથ રે, સખી તારે થઇ છે જો સનાથ રે.૭
નિ:શંક નિરભે થઇ સર્વે અંગે રે, સુંદર શામળિયા વર સંગે રે,
સુંદરી સર્વે અંગે સુખ પામી રે, મળીયા છે નિષ્કુળાનંદનો સ્વામી રે. ૮