અબળા ઘોળે ઘોળાઇરે એ ઢાળ.
ત્યારે બોલી સખીની સાહેલી રે, મુખની મરજાદ પરિ મેલી રે,
મારે કેવું છે કાંય કેણ રે, બોલીશ વાંકા વસમાં વેણ રે. ૧
આ જો આશ્ચર્ય સરખી વાત રે, દિસે નાનડિયો ઘણી ઘાતરે,
એને જગમાં કોયે ન જાણે રે, એતો પોતે પોતાને વખાણે રે.ર
એતો આજ કાલનો નહિ કાળોરે, જાણું છું જાત્ય છે નંદલાલોરે,
શીખ્યો કામણ ટુમણ કાંઇ રે, મંત્ર મોરલીમાં નિત્ય ગાઇ રે. ૩
એ તો ફોગટ ફૂલ્યો ફરે રે, એ તો અબળા તણા મન હરે રે,
એ તો ધરનો છે ધુતારો રે, એને કોણ કહે છે સારો રે. ૪
સહુ કોય રયું છે સામું જોઇ રે, મુખ પર કહી નથી શકતું કોઇ રે,
કામણ મોરલીમાં કાંઇક કર્યું રે, તેણે અબળાનું મન હર્યું રે. પ
તેણે લાગો હરજીસું હેડો રે, વળી તેનો કાન ન મુકે કેડો રે,
ગોપી ભૂલી ઘરનાં કાજ રે, મેલી લોક કુટુંબની લાજ રે. ૬
આપ ઇછાએ હરિવર વરી રે, હવે બેઠી ઠેકાણે ઠરી રે,
એને મન માન્યો વર મળ્યો રે, હસે હેત તે પ્રીતે મળ્યો રે. ૭
એમાં અમારું શું ગયું રે, ભલે સુખ જો સખીને થયું રે,
એને અભાવ થયો છે અમારો રે, નિષ્કુળાનંદનો સ્વામી એને સારો રે,