કુંદનપુર વિવા રચ્યો એ ઢાળ.
એક સમે શ્રી હરિ સ્વામી, તેડાવિયા નિજ જન,
વચનામૃત વરસાદ કરવા, પોતે થયા પરસન. ૧
શ્રી હરિ કે સૌ સાંભળો, નરનારી સંત સમેત,
સર્વ સિદ્ધાંતનું સારછે, હૈયે ધરજો કરી હેત. ર
તને કરી મેં તપાસીયું, જો હોયે ઉપાધિ અનેક,
શ્રી બદ્રીપતિનાં બળ થકી, મારા અંતરમાં નહિ એક. ૩
અન્ય અંતર અવિલોકિયાં, મન બુદ્ધી ચિત અહંકાર,
પકડી જુજવું પુછતાં, એ ચોખાં દીઠાં ચાર. ૪
ગુનો ઘણો ગાફલાઇનો, અતિ જોયો અમે આજ,
તેનું કારણ હું આત્મા, કાંતો મને મળ્યા મહારાજ. પ
બળ લઇને એ બેઉનું, પોખે પાંચે ઇંદ્રિયે પંડ,
મુક્ત મટીને બધ બને, પછે ન રહે જ્ઞાન અખંડ. ૬
પાંચે ઇંદ્રિના, પ્રિછવિ, ભિન્ન ભિન્ન ભાંખું ભોગ,
જેણે કરી આ જીવને, થાયે જનમ મરણ રોગ. ૭
મારા જાણીને મુજને, હૈયે આવ્યું હેત અત્યંત,
નિષ્કુળાનંદ એમ હરિ કહે, સહુ સાંભળજો તમે સંત. ૮