લોક લાજ તજી, સુંદરવર સાથે મેં સગપણ કીધું,
મારૂં મન માન્યું, તન મન ધન મેં તેને લઇ દીધું,
છે મન માન્યાનું કામ સખી, કોયે સુખ માનો કે થાઓ દુઃખી,
મારી એને સંગાતે વાત લખી. લોક. ૧
જેને નહિ ગમે તે નિંદા કરશે, કંઇ દુર મતીયાં દાઝી મરશે,
તે તો નરક તણી ખાણું ભરશે. લોક. ર
જેનો સ્વાર્થ બગળતો હસે બેની, બળી જળી નિસરે બોલી તેની,
હવે લાજ નહિ રાખું હું કેની. લોક. ૩
જો દેહ સનેહીનું દલ રાખું, જાયે જીવીત વણસીને આખું,
પછે જનમ લેવા પડે લાખું. લોક. ૪
નથી ઘેલાં જે ઘેલાં સંગે મળીયે, હવે હરિ સંગે હળીયે ભળીયે,
શિદ વિશ્વ તણી વેકર્ય દળીયે. લોક. પ
સખી સગપણ તો હરિ સંગે ઘટે, કોયે મહા કલ્પાંતે નવ્ય મટે,
બીજી રીતે આવરદા અમથી વટે. લોક. ૬
સખી જે વર વરશે અવિનાશી, તેના સર્વે સંકટ જાશે નાશી,
જાશે જનમ મરણ તણી ફાંસી. લોક. ૭
સખી સગપણ કરીયું હરિ સાથે, ગ્રહી હેત કરી હરિયે હાથે,
કરી નિર્ભે નિષ્કુળાનંદને નાથે. લોક. ૮