રાગ ગરબી
રસિયા રસના હો રાજ,
રસિયા અષાઢે મેલીને ચાલ્યા અમને હો રાજ. ર
રસિયા ગીરધારી ઘટે નહિ તેવું તમને હો. રાજ. ર. ૧
રસિયા મેહુલા વરસે ને બોલે મોરલા હો રાજ. ર.
રસિયા બાપૈયો કરેછે બઉ બકોરલા હો રાજ. ર. ર
રસિયા શ્રાવણે સાલે છે ઘણુ સુખડું હો રાજ. ર.
રસિયા મનડું તલફે છે જોવા મુખડું હો રાજ. ર. ૩
રસિયા છળે શું છબીલા અમને છેતર્યા હો રાજ. ર.
રસિયા ભોજન ભુવન બેસી નવ્ય કર્યા હો રાજ. ર. ૪
રસિયા ભાદરવે ભાવસું માં લોભાયો હો રાજ. ર.
રસિયા શા સારૂં સનેડો તમે ટાળીયો હો રાજ. ર. પ
રસિયા એવડીશું ભાળી ભૂલ અમ તણી હો રાજ. ર.
રસિયા પાયોલીયાની પીડા તમે નવ ગણી હો રાજ. ર. ૬
રસિયા આંસુવે ભરાઇ આવે આંખડી હો રાજ. ર.
રસિયા તમ વિના રહિ અમે રાંકડી હો રાજ. ર. ૭
રસિયા કેનું મુખ જોઇ સુખ લીજીયે હો રાજ. ર.
રસિયા નયણાં સુફલ શું જોઇ કીજીયે હો રાજ. ર. ૮
રસિયા કારતકે કાલજ્ય મારૂં કળકળે હો રાજ. ર.
રસિયા મોહન જોવાને મન ટળવળે હો રાજ. ર. ૯
રસિયા વાટડી જોઉં છું વેલા વળજો હો રાજ. ર.
રસિયા પ્રીતડી કરી તો પ્રિતે પળજો હો રાજ. ર. ૧૦
રસિયા માગસરે મન મારૂં ચાયે છે હો રાજ. ર.
રસિયા મનોરથ મુખ જોવા થાય છે હો રાજ. ર. ૧૧
રસિયા અમને મેલીને અળગા કેમ ગયા હો રાજ. ર.
રસિયા કઠણ હૈયાના કો હરિ કેમ થયા હો રાજ. ર. ૧ર
રસિયા પોષ માસે પુરો પીયુ આસને હો રાજ. ર.
રસિયા દયા કરી દીયો દર્શન દાસને હો રાજ. ર. ૧૩
રસિયા અમ પર મેર્ય મોહન આણીયે હો રાજ. ર.
રસિયા અલબેલાને ઉપર્ય શું એવું તાણીયે હો રાજ. ર. ૧૪
રસિયા તમને મળીયે આવો માવજી હો રાજ. ર.
રસિયા ભૂધર ભેટીયે ભરી ભાવજી હો રાજ. ર. ૧પ
રસિયા તમ વિના અમે છો અણમણા હો રાજ. ર.
રસિયા તમારે સંગાત્યે જો શોભું ઘણાં હો રાજ. ર. ૧૬
રસિયા ફાગણે ફૂલશે તો મન માહેંરૂં હો રાજ. ર.
રસિયા જ્યારે જીવન જોશું મુખ તાહેરૂં હો રાજ. ર. ૧૭
રસિયા આવો રસબસ રમીયે રંગશું હો રાજ. ર.
રસિયા અમ ઘેર આવો ઉછરંગશું હો રાજ. ર. ૧૮
રસિયા ચૈતરે ચંત્યા જો ચિત થાય છે હો રાજ. ર.
રસિયા દિન જો ઉપર્યે દિન જાય છે હો રાજ. ર. ૧૯
રસિયા અમેં તો આવડું નવ્ય જાણીયું હો રાજ. ર.
રસિયા તમેં તો અમ શું ઘણું તાણીયું હો રાજ. ર. ર૦
રસિયા વૈશાકે વળજો વેલા વાલમા હો રાજ. ર.
રસિયા આજ કે આવજો વળી કાલ્યમાં હો રાજ. ર. ર૧
રસિયા વાલમ મ જોશો મારા વાંકને હો રાજ. ર.
રસિયા રોષ કરી રોળો રખે રાંકને હો રાજ. ર. રર
રસિયા જેઠે બેઠા આવી હરિ બારણે હો રાજ. ર.
રસિયા આરતિ ઉતારી જાવું વારણે હો રાજ. ર. ર૩
રસિયા મુખ જોઇ દુઃખ દલના ટળ્યા હો રાજ. ર.
રસિયા નિષ્કુળાનંદના સ્વામી ભલે મળ્યા હો રાજ. ર. ર૪