રાગ દિપચંદિ હોરિ મહિના
બીછુરે ઘનશ્યામ સુંદર, ઢાળ.
કેમ વિતશે વિસમ દનરે, મનમોહન વિન્યા. ટેક.
જેઠ માસમાં ચાલ્યા જીવન, કેમ કરી ધરૂં ધીરજય મન,
જાતી વેળા કઇ ન ગયા કાંઇ, મનની વાત રહી મનમાંઇ,
માઇ લાયે લાગી, કેમ વિતશે વિસમ દનરે. ૧
અષાઢ માસે આવીયો ઘન, દમકે દામની જામની દન,
તેહ સમે મુને સાંભળ્યો શામ, નિરખી પુરતાં હૈયાની હામ,
હામ હવે ભાંગી કે.ર
શ્રાવણ માસમાં નિરમળ નિર, નાતા નાથ જઇ જમુના તિર,
જળ ઉછાળતા સખાને સાથ, સંભારે હૈયું રહે કેમ હાથ,
હાથથી એ હાર્યા કેમ.૩
ભાદરવે નવાં નિપજયાં અન્ન, જાતા રીયા જમનારા જીવન,
હેતે કરી હરિ જમતા થાળ, દેતા પ્રસાદી દાસને દયાળ,
દયાળે દુઃખ ડાર્યા કેમ. ૪
આસુ માસે આવ્યો દિવાળી દન, દિપમાળા દેખી દાઝીયું મન,
કેને જમાડું કરૂં અન્નકોટ, એહ વાતની આવી ગઇ ખોટ,
ખોટ મોટી ખાધી કેમ. પ
કારતક માસે પ્રબોધનિ જાણ્ય, ઉછવ ઉપર્ય કરતા જે તાણ્ય,
નાથ મુખ જોઇ લેતા જે સુખ, એહ વાતનું થઇ ગયું દુઃખ,
દુઃખે રહ્યા દાઝી. કે. ૬
માગસર માસે માહા દુઃખ માંઇ, મેલી ગયા અમને તમે આંઇ,
તમે પધાર્યા તમારે ધામ, માન્યખો મારો કરીને હરામ,
હરામ આ જીયા. કે. ૭
પોષ માસમાં પ્રેમે કરી નાથ, સુંદર શાક સુધારતા હાથ,
જમી આપે જમાડતા જન, વણ સંભારે સાંભરે એ મન,
મન નાણી દયા. કે. ૮
માહા માસમાં વસંતને દન, સુંદર વસંતી પેરીને વસન,
ભરી ગુલાલની ફેકતાં ફાંટ, સર્વે સખા રંગવાને માટ,
માટ કોણ ભરસે. કેમ. ૯
ફાગણ માસે સખાને સંગ, રમતા બેઉ કઢાવીને રંગ,
ભરી પિચકારી છાંટતા મુખ, એહ સંભારતાં ઉપન્યું દુઃખ,
દુઃખ કોણ હરશે. કેમ. ૧૦
ચૈત્ર માસે રામનૌમિને દન, દેશો દેશમાંથી આવશે જન,
લાવશે પૂજા સાજ બહુ પેર્ય, કેને પૂજીને વળશે ઘેર,
ઘર ઝેર થીયું. કે. ૧૧
વૈશાખ માસે વિપતના દન, કેમ કરી કરશું ઓલંઘન,
નિષ્કુળાનંદ શોકને સાયેર, નાખી ગયા છો દયા નહિ મેર,
મેરય વિન્યા હૈયું. કે. ૧ર