સંતો સઉ એકઠા મળી, ચાલોને હળીમળી,
જુજવું શાને તાણો, હરિ તો એક જાણો.૧
મતતો મનના કીધા, કોને એમાં કોણ સીધા,
શાને ખુચી રહેવું, અન્યને નુન્ય કહેવું. ર
તરક શબ્દ શીખી, નાખે અન્યને ઉવેખી,
ભગતિનો ભાવ મુકી, બીજા શું બોલે બકી. ૩
હૈયેથી હેત ગયું, મતનું માન રયું,
જીત્યા હાર્યાની બુદ્ધિ, સમજણ દેહ શુદ્ધિ. ૪
હાણ્ય તો થાય છે મોટી, મુડીતો લીધી ખોટી,
જાવુંછે જમને હાથે, કોઇ નહિ આવે સાથે. પ
જનમ તો જાયે છે વયો, ચેતો ચેતો ચેતજો ભયો,
હેત વાત રાખીયે હૈયે, રહિયે નહિ કોયને કૈયે. ૬
હ્રદે વિચારી જોયે, જનમ શાને ખોયે,
નથી તે કોયેને કાજ, રાખવી આપણી લાજ. ૭
સંશેમાં શાને રહિયે, શોધીને સાર લહિયે,
નિષ્કુળાનંદની વાણી, સમજ્યા સરખી પ્રાણી. ૮