સંતોરે સાર સંભાળો, અંતરથી આપદા ટાળો,
વિગત્યે વિચારી જુવો, રોતા દેખી શાને રુવો. ૧
અસતની આંટી પડી, તેણે બુદ્ધિ ગઇ બગડી,
નાસતની ભકિત કરે, તેણે ભવ ફેરા ફરે.ર
જીનતો કહે છે જોઇ, આજ કેવળી ન હોઇ,
તુરક તાકી રીયા, અલા આવી કરશે નિયા. ૩
થીયા અડભંગ અતિત, દેખો છો દૈતની રીત,
ભણ્યા તો ભુલા ભમે, ચેત્યા નહિ આણે સમે. ૪
માળાયે મુળગા ભૂલ્યા, દિગંબર ડા'પણે ડુલ્યા,
બીજા સૌ જોયા ખોળી, સહુને હૈયે હોળી. પ
હરિ ન હોયે એક કે આજ, સરે નહિ કોયેનું કાજ,
બીજા કહે પ્રગટ થાશે, ત્યારે દુઃખ સહુનું જાશે. ૬
એમ સહુ સરખા મળી, કોયે નવ્ય શકયા કળી,
તેતો હરિ પ્રગટ્યા આજ, સારવા સંતના કાજ. ૭
માનો તો માની લેજો, પછે કોયે દોષ મ દેજો,
સ્વયં હરિ સહજાનંદ, નિશ્ચે કે એ નિષ્કુળાનંદ. ૮