મેં હું આદિ અનાદિ, આ તો સર્વે ઉપાધિ, ૧/૧


મેં હું આદિ અનાદિ, આ તો સર્વે ઉપાધિ;
	સદ્દ્ગુરુ મિલિયા અનાદિ, મીટ ગઈ સર્વે ઉપાધિ	...ટેક.
કહાં કાષ્ટ ને કહાં કુહાડા, કહાં હે ઘડનનહારા;
	જબતે મોયે સદ્દ્ગુરુ મિલિયા, મીટ ગયા સર્વે ચાળા	...મેં હું૦ ૧
કોણ કુળ ને કોણ કુટુંબી, કોણ માત ને તાત;
	કોણ ભાઈ ને કોણ ભગિની, બ્રહ્મ હમારી જાત	...મેં હું૦ ૨
નહિ રહ્યા મેં નહિ ગયા મેં, નહિ સુધર્યા નહિ બીગડા;
	હમે હમારા કુળ સંભાર્યા, મત કરના કોઉ ઝઘડા	...મેં હું૦ ૩
પાનીમેંસે પુરુષ બનાયા, મળમૂત્ર કી ક્યારી;
	મિલ્યા રામ ને સર્યાં કામ, અબ ન રહી કોઉસે યારી	...મેં હું૦ ૪
આગે તપસી તપસા કરતા, રહી ગઈ કિંચિત કામા;
	તે કારન આ નરતન ધરિયા, સો જાનત હે રામા	...મેં હું૦ ૫
જે કારન આ નરતન ધરિયા, વે સરિયાં હૈ કામ;
	નિષ્કુળાનંદ કહે પ્રગટ મિલે મોહે, ટળ્યાં નામ રુ ઠામ...મેં હું૦ ૬
 

મૂળ પદ

મેં હું આદિ અનાદિ, આ તો સર્વે ઉપાધિ,

મળતા રાગ

પરજ

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ઉત્પત્તિ

“લાલજી ! અહીથી અમારે કચ્છ તરફ જવું છે, પણ આગળ રણનો પ્રદેશ છે એટલે જો કોઈ તમારા જેવો ભોમિયો મળી જાય તો સુગમ પડે !” સં. ૧૮૬૦ ૧(ભક્ત ચિંતામણી – પ્ર.. ૫૫) ની વસંતપંચમીએ શ્રીજીમહારાજ શેખપાટ પધાર્યા હતા ત્યારે ત્યાં વસંતપંચમીનો ઉત્સવ ઉજવ્યા બાદ ત્યાના ભક્ત લાલજી સુતાર પાસે મહારાજે કચ્છ તરફ જવાની પોતાની ઈચ્છા દર્શાવતા કહ્યું. લાલજીને થયું: મહારાજને હમણાં ભોમિયાની જરૂર છે અને એ પણ મારા જેવા ભોમિયાની ૨ (લાલજી સુતારનું સાસરું કચ્છમાં હોવાથી તેઓ એ પંથકના સારા ભોમિયા હતા)! તો પછી એ કામ મારે જ શા માટે ન કરવું? એમણે તત્કાળ મહારાજને કહ્યું ; ‘ મહારાજ ! હું જ આપની સાથે આવીશ.’ મહારાજ લાલજીની સમયસૂચકતા જોઈ બહુ રાજી થયા. મહારાજની મરજી પણ લાલજીને જ સાથે લઈ જવાની હતી, પણ આ તો લાલજીની અનુવૃતી સાચવવાની સમજણની કસોટી કરવા જ મહારાજે આમ પૂછ્યું હતું. લાલજી સુતાર મુળ તો શ્રી રામાનંદ સ્વામીના શિષ્ય ! તેઓ નિયમાનુસાર સદ્‍ગુરુ રામાનંદ સ્વામીના દર્શન કરવા સં. ૧૮૫૭મા કચ્છમાં ગયા ત્યારે સ્વામીએ ટકોર કરતાં કહેલું: “લાલજી ! અમે તમને લોજમાં નવા બ્રહ્મચારી આવ્યા છે તેમના દર્શન કરીને અહીં‌ આવવાનું કહ્યું હતું ને ? અહીં‌ સીધા કેમ આવ્યા !” જવાબમાં લાલજીએ કહ્યું: સ્વામી ! આપ સ્વયં અહીં‌ વિરાજો છો ને લોજમાં નવા બ્રહ્મચારીના દર્શન કરવા જવાનું શું કારણ ? “ ત્યારે સ્વામી કહે: “ અરે ૧ એ બ્રહ્મચારી તો બહુ જ મોટા છે.” લાલજી ઉત્કંઠાપૂર્વક ગુરુને પૂછે છે: “સ્વામી ! એ વર્ણી કેવા મોટા છે? રઘુનાથદાસ જેવા ?” ત્યારે સ્વામી કહે : “ભગત ! રઘુનાથદાસ તો શું તેમની પાસે ! અરે , આ મુક્તાનંદ પણ શું અને અમે પોતે પણ એમની પાસે શી ગણતરીમાં ? એ બ્રહ્મચારી તો બહુ જ મોટા છે,”૧(સ.ગુ. નિર્ગુણાદાસજી સ્વામીને વાતો – (વાત -૯૫)) ગુરુના વચનનો મર્મ સમજાવતા લાલજી સુતાર ધીરે ધીરે શ્રીજીમહારાજનો મહિમા સંપૂર્ણપણે સમજી ચૂક્યા હતા. અને સમજે જ ને ? એ કાંઈ સામન્ય પુરૂષ થોડા હતા ? લાલજીના પિતા રામભાઈને એમના ગુરુ રામાનંદ સ્વામીએ એમની નીર્લેપ ભક્તિથી પ્રસન્ન થઈને આશિર્વાદ આપેલા કે ‘તમારે ત્યાં એક સમર્થ મુક્ત પુરૂષ અવતાર લેશે અને તે અનેક મહાન કાર્યો કરીને મહાકીર્તિ મેળવશે.’ ગુરુના શુભાશિષથી રામભાઈને ત્યાં એમના ધર્મપત્ની અમૃતબેનની કૂખે સં. ૧૮૨૨ના વસંતપંચમીનાં મંગલકારી દિવસે લાલજીનો જન્મ થયો હતો. રામભાઈ ગુર્જર સુતાર હતા. તેમનો મુળ વસવાટ તો સૌરાષ્ટ્રનાં હાલાર પ્રદેશમાં આવેલા લતીપુર ગામમાં હતો. પરંતુ એ ગામના લોકો રામાનંદ સ્વામીના દ્વેષી હોવાથી રામભાઈને વિના કારણ પજવતા, તેથી એમણે નજીકમાં આવેલા શેખપાટ નામના ગામમાં જઈને રહેવાનું રાખ્યું હતું.બાળપણથી જ લાલજીનું અંતર વિરાગમય ભાવોથી પ્લાવિત થયેલું હતું, છતાય માતાપિતાના અત્યાગ્રહને વશ થઇ એમણે કંકુબાઈ સાથે સંસાર માંડેલો. દાંપત્ય જીવનની ફલશ્રુતિરૂપે લાલજી ભક્તને માધવજી અને કાનજી નામે બે પુત્રો થયા. પોતાના પિતાની કોઢ૨ (કોઢ = સુતારની દુકાન) માં બેસી કુળ વ્યવસાય સુતારી કામ શીખ્યા હતા અને વાંસલા, વીંધણા લઈ ઘાટ ઘડી જાત જાતની કલાત્મક વસ્તુઓ બનાવતા. લાલજી પૈસેટકે સુખી હતા. ગામમાં ઘર, દશબાર ભેંસો, ગાડું , બળદ . ઘોડું વગેરે સંપત્તિ તો હતી જ પણ સાથે સાથે ગામમાં પાંચ જણ મળીને એમને પૂછે એવી પ્રતિષ્ઠા પણ વરેલી. સં. ૧૮૪૩મા લાલજીએ રામાનંદ સ્વામીને ગુરુ તરીકે સ્વીકારી તેમની પાસે વર્તમાન-દીક્ષા લીધી હતી. લાલજીએ એકવાર રામાનંદ સ્વામીને ચરણે પડી પ્રાર્થતા કહેલું: “સ્વામી ! મને હવે આ સંસારના બંધન કઠે છે, મારે તો ભગવાનની દીક્ષા લઈ આપની સેવામાં રહેવું છે.” રામાનંદ સ્વામીએ એ વખતે લાલજી સુતારને ધીરજ દેતા કહ્યું હતું: “લાલજી ! હજી સમય પાકયો નથી. હમણાં તો ઘેર જાઓ. વખત આવ્યે હું તમને તેડાવી લઈશ” આજે એ વખત આવી ગયો હતો, તેથી જ ગુરુ રામાનંદ સ્વામીના વચન સત્ય કરવા શ્રીજીમહારાજ સ્વયં શેખવાટ પધાર્યા હતા. મહારાજની ઈચ્છા લાલજીની છેલ્લી કસોટી કરી તેમને હવે પોતાના સંતમંડળમાં ભેળવવાની હતી. તેથી જ તેમણે લાલજીને કચ્છ જવામાં ભોમિયા તરીકે પોતાની સાથે લઈ લીધા. કચ્છનો માર્ગ વિકટ હતો. લાલજીએ આથી અગમચેતી વાપરી વાટમાં મહારાજને જમાડવા માટે ભાથું સાથે લઈ લીધું.એક ‘બતક’ માં પાણી પણ ભરી લીધું વિશેષ જરૂર પડે તો ખર્ચી માટે બાર કોરી*( એ વખતે ચાલતું કચ્છી ચલણ) પણ લીધી. લાલાજીમાં હજી પરિગ્રહની વૃતિ થોડે અંશે રહી હતી, એટલે જ સર્વાવતારી પ્રભુ પોતાની સાથે હોવા છતાં એમણે રૂપા‌ નાણું લીધું ને લૂંટારાનાં ત્રાસથી બચવા માટે એ પગરખામાં સંતાડ્યું. આ બધી તૈયારી કરી લાલજી સુતાર મહારાજ પાસે આવ્યા. તેમને આ સરંજામ સાથે જોઈ મહારાજે હસતાં હસતાં પૂછ્યું : “લાલજીભાઈ ! આ બધું શું છે?” લાલજીભાઈ ખુશ થતાં કહે: ‘ મહારાજ ! એ તો અન્નાપાણીની જોગવાઈ કરી છે. રણનો રસ્તો છે, વાટે જરૂર પડે તો ક્યાં શોધવા જવું ?” મહારાજ આ સાંભળી મર્મમાં મલકાયા‌. લાલજી ભગત ને મહારાજ શેખપાટથી નીકળ્યા અને ભિલા ગામે રાત રોકી બીજા દિવસે ત્યાંથી આગળ ચાલ્યા. વાટે ચાલતાં એક ભિક્ષુક મળ્યા, એણે અન્નની યાચના કરી. મહારાજ તો દરિયાવ દિલના હતા , વળી એમણે પરિગ્રહવૃતિ જરાય નહોતી ગમતી. લાલજી પાસે જે ભાતું હતું એ બધું એમણે પેલા ભૂખ્યાને અપાવી દીધું. આગળ ચાલતાં રસ્તે લૂંટારા મળ્યા. તેમણે મહારાજના કપડા તપાસ્યાં પણ કંઈ મળ્યું નહિ. લાલજી પાસેથી પણ કાંઈ ન મળ્યું. નિરાશ થઇ એ લોકો જતા હતા ત્યાં જ મહારાજે એમને રોક્યા ને કહ્યું: “ ભલા માણસો ! તમને લૂંટતાં જ ક્યાં આવડે છે ? ભગતના પગરખાં તો જુઓ. કંઇક મળી આવશે .” લૂંટારાઓએ લાલજીની બાર કોરીઓ જોડામાંથી કાઢી લીધી. મહારાજે તો એક કાંકરે બે પક્ષી માર્યા. લાલજીને આ રીતે અપરિગ્રહનો પાઠ પણ ભણાવી દીધો અને સાથે સાથે લાલજીને ભાથું અને નાણા વગરના કરી દઈને બીજા એક મહત્વના કાર્ય માટેને પૂર્વભૂમિકા પણ બાંધી દીધી. શ્રીહરિ અને લાલજી એ પ્રમાણે એ માર્ગે થોડા દિવસ ચાલ્યા અને ગામ પાળિયા પધાર્યા. ત્યાં વિશ્રામ કરી ત્યાંથી આગળ ચાલ્યા. રણનો રસ્તો હતો. સખત તાપ ને ધૂળની ડમરીઓ વચ્ચે રસ્તે ચાલતાં તેમને એક તરસ્યો માણસ મળ્યો . લાલજી પાસે પાણીની બતક જોઈ એને પાણી માંગ્યું . મહારાજે બતાક્માંથી બધું જ પાણી એને પીવડાવી બતક ખાલી કરી નાંખી. હવે લાલજી પાસે કાંઈ જ ન રહ્યું. ધોમ ધખતા તડકામાં આગળ ચાલતાં લાલજીને તરસે ગળું સુકાવા લાગ્યું. પાણી વિના તેમના પ્રાણ તરફડવા લાગ્યા. મહારાજે એક જગા બતાવી કહ્યું “ અહીં વીરડો ગાળો, પાણી નીકળશે.” લાલજી નિરાશ વદને કહે:” મહારાજ ! આ વાટે ફરતા આટલી ઉંમર કાઢી છે. અહી કોઈ ઠેકાણે મીઠું પાણી નીકળતું જ નથી. બધે ખારું પાણી જ નીકળે ચાખી જુઓ.” લાલજીએ થોડે ખાડો ખોદ્યો . ત્યાં તો મીઠા પાણીની સરવાણી ફૂટી. પાણી ગાળી બતાકમાં ભરી પ્રથમ મહારાજને પીવડાવી પછી લાલજીએ પીધું . રેતાળ પ્રદેશની ખારી જમીનમાંથી મીઠા જળની સરવાણી પ્રગટાવી શ્રીહરિએ લાલજીના અંતરમાં પ્રેમલક્ષણા ભક્તિના ભાવનો ઉદય કર્યો , વૈરાગ્યામૂરતી લાલજીના અંતરમાં પ્રેમભાવની ભીનાશ પ્રગટી. રણના રેતાળ પ્રદેશમાં બાવળીયાના કાંટાની શૂળો પવનના સુસવાટાથી આખે રસ્તે પડેલી હતી. રેતીમાં ઢંકાયેલી આ શૂળો અડવાણે પગે ચાલતા શ્રીજીમહારાજના પગમાં પેસી જતી. માર્ગમાં એક ઝાડ નીચે મહારાજ થોડો આરામ લેવા આડા પડ્યા . લાલજી મહારાજના પગમાંથી કાંટા કાઢતા હતા ત્યાં એમની નજર શ્રીજીના ચરણમાં અષ્ટકોણ, સ્વસ્તિક, ઉધર્વરેખા ઈત્યાદિ સામુદ્રિક શાસ્ત્રમાં વર્ણવેલા સોળ ચિહ્નો પર પડી. લાલજીના જ્ઞાનચક્ષુ ખૂલી ગયા. એમના અંતરમાં ખૂપેલા સંશયના કાંટા શ્રીજીએ કૃપા કરીને આજે કાઢી નાખી, એમણે નિ:સંશય કરી, પોતાનો સર્વોપરી સ્વરૂપ-નિશ્ચય દ્રઢ કરાવ્યો. એટલામાં મહારાજે એકાએક કહ્યું: “લાલજી ! આપણે હવે ચાલશું ? તરત જ લાલજી ભગત ઊઠ્યા. બંને ચાલવા લાગ્યા. એમ કરતા આધોઈ ગામ આવ્યા. મહારાજ ગામને પાદર ઝાડ નીચે બેસી ગયા. લાલજીને તેમણે કહ્યું : “લાલજી! અમને ભૂખ બહુ લાગી છે .” લાલજી કહે: “મહારાજ ! એટલા માટે તો મેં સાથે ભાતું લીધું હતું, એ તમે પેલા ભિક્ષુકને અપાવી દીધું. હવે હું તમને શું આપું ?” મહારાજ કહે : “તો આ ગામમાં જઈને ભિક્ષા માગી લાવો.“ સદાય મહારાજની અનુવૃત્તિમાં રહેનારા લાલજી સુતાર હવે મૂંઝાયા: ‘ ભિક્ષા માગું ? હું ? એ તો સાધુ – સંન્યાસીનું કામ , મેં ક્યાં ભેખ લીધો છે? એમાંય વળી આ તો સસરાનું ગામ, અટાણે કંકુ ને બે દિકરાય અહી છે. કોઈ મને ઓળખી જાય તો કેવું લાગે ?’ લાલજીને મૂઝવણમાં પડેલા જોઈ મહારાજે મૂખ આડો રૂમાલ દઈ હસતાં હસતાં પૂછ્યું: “શું વિચારો છો , ભગત ?” લાલજીએ મનનો ખચમાંટ પ્રગટ કર્યો; “મહારાજ ! આ આધોઈ તો મારા સસરાનું ગામ. કોઈ મને ઓળખી જાય તો ?” આ સાંભળી મહારાજ વળી હસ્યા. તેમણે કહ્યું: “ઓહો ....એમ વાત છે ! તો તો અમે તમને કોઈ ઓળખે નહિ એવા કરી દઈએ તો ?” લાલજી ભક્ત તો આ સાંભળી વિચારમાં પડી ગયા.એટલામાં મહારાજે ત્યાં જ લાલજીની મૂછ અને ચોટલી કાપી નંખાવી તેમને કૌપીન અને અલફી પહેરાવ્યા અને પછી તેમની સામે જોઈ મર્મમાં મલકીને બોલ્યા : “લાલજી મહારાજ ! અમારે વાસ્તે ભિક્ષા માગતા તમને કૂળની લાજ નડતી હતી ને ? લો આજે અમે તમને નિષ્કુળ કરી દીધા. તમે હવે લાલજી મટી ગયા ને ‘નિષ્કુળાનંદ’ થઇ ગયા. હવેથી તમારું કુળ અમે અને અમારા સંત હરિભક્તો જ છે ! હવે તમે સદાય અમારી સાથે અમારાં સંતમંડળ ભેળા જ રહેશો.” લાલજી સુતારમાંથી નિષ્કુળાનંદ બનેલા એ વિરાગી સંતે પછી મહારાજને સાષ્ટાંગ દંડવત્‍ પ્રણામ કર્યા અને પછી ગામમાં સાધુવેશે માધુકરી કરવા ઉપડ્યા . નિષ્કુળાનંદ બીજા ઘરોની જેમ સસરાને ઘરે પણ ભિક્ષા માગવા ગયા. ત્યાં જઈ મોટેથી ‘ નારાયણ હરે ! સચ્ચિદાનંદ પ્રભો !’ કહીને સ્વામી ઉભા રહ્યા ; ઘરમાંથી એમનાં સાસુ બહાર આવ્યા. એમણે સાધુવેશમાં પણ જમાઈને ઓળખી લીધા.એમના પેટમાં ફાળ પડી.ઘરમાં દોડતા જઈ એમણે દીકરીને કહ્યું: “કંકુ ! બેટા , જમાઈ તો વેરાગી થઈને આવ્યા છે. તું બહાર જા અને એમને મનાવીને અંદર લેતી આવ.” કંકુબા બે ય દીકરાઓને લઈને બહાર આવ્યા. પતિને સાધુના વેશમાં જોઈ એ રડી પડ્યા. રોતા રોતા કહે “આ શું સૂઝ્યું તમને ? કાઢી નાખો આ વેશ.” પરંતુ સ્વામી તો નીચી દ્રષ્ટિ કરી ઉભા જ રહ્યા. છતાં કંકુબા તો ત્યાં જ ઉભા રહ્યા ત્યારે સ્વામીએ પોતાને તળપદી ભાષામાં કહ્યું: “ ભેંશ હોય તે તેની પાડી કે પાડા સારું પારસો મૂકે, પણ આ તો પાડો છે. માટે હવે તારી બધી આશા ફોગટ છે. જો ભગવાનને રાજી કરવા હોય તો તેમના સારું કાંઈક ભિક્ષા આપો .” કંકુબા બધું સમજી ગયા. તેમણે તરત જ રસોડામાં જઈને બે ત્રણ ઊના રોટલા બનાવી અંદરથી ગોળ નાખી બહાર આવી સ્વામીની ઝોળીમાં નાંખ્યા ! સ્વામી ભિક્ષા લઈ મહારાજ પાસે આવ્યા અને બધી વાત કરી . તે સાંભળી મહારાજે તેમનો વાંસો થાબડી શાબાશી આપતા કહ્યું: “શાબાશ નિષ્કુળાનંદ શાબાશ ! આવું તો તમે જ કરી શકો. તમને યાદ છે, સ્વામી ! રામાનંદ સ્વામીએ તમને કહ્યું હતું કે સમય આવશે ત્યારે અમે તમને બોલાવી લઈશું. આજે એ સમય આવ્યો એટલે જ અમે તમને બોલાવી લીધા.” આ સાંભળી નિષ્કુળાનંદ સ્વામી શ્રીહરિને ચરણે નમી પડ્યા. થોડા સમય પછી તેમના પૂર્વાશ્રમના સાસુ- સસરા એમને સમજાવી સંસારમાં પાછા લઈ જવા આવ્યા. પણ સ્વામીને તો હવે સ્વપ્નમાં પણ સંસાર ગમતો નહોતો. એમણે સ્પષ્ટ સંભળાવી દીધું; ‘મેં હું આદિ અનાદિ , આ તો સર્વે ઉપાધિ’ આ સ્વામીની શીઘ્ર રચના હતી. પોતાનો મનોભાવ એમણે કાવ્ય દ્વારા વ્યક્ત કર્યો. સ્વામીની તીવ્ર વૈરાગ્ય જોઈ એમના સાસુ - સસરા નિરાશ થઇ પાછા વળી ગયા. નિષ્કુળાનંદ સ્વામીએ આ પ્રસંગે ‘ મેં હું આદિ અનાદિ ,’ અને ‘ મને સ્વપ્ને ન ગમે સંસાર ‘ એમ બે કાવ્યો રચીને સભામાં સંભળાવ્યા હતા. મહારાજ તેમનો વૈરાગ્ય જોઇને અતિ પ્રસન્ન થયા હતા. ઉત્પત્તિઃ- એક વખત શ્રીહરિ કચ્છ ભણી જતા શેખપાટ ગામે લાલજી સુથારના ઘરે પધાર્યા. ઝોલુ ન આવે ત્યાં સુધી અખંડ કથા-વાર્તા સાંભળવાની અને સંભળાવવાની દ્રઢ ટેકે ભક્ત લાલજી અને ભગવાન શ્રીહરિ જ્ઞાનયજ્ઞે બિરાજ્યા. એક દિવસ, બે દિવસ, પાંચ દિવસ એમ અઢાર દિવસ અખંડ કથા-વાર્તા ચાલી. અઢારમા દિવસે ભક્ત લાલજીને સહેજ ઝોલું આવ્યું, એટલે પ્રભુ ઊભા થઈ ગયા.’લાલજી ! આપણી શરત પૂરી થઈ. હવે અમારે કચ્છ જવું છે. તો તમારા જેવા કોઈ સારા ભોમિયાની જરૂર છે.’ શ્રીહરિએ કહ્યું, ‘પ્રભુ! હું જ સાથે આવું તો?’ લાલજી ભક્તે કહ્યું. ‘સારું તમે ચાલો. કરો તૈયારી’ એટલે ભક્ત લાલજીએ થોડું ઘણું ભાતું અને નગદીનાણું સાથે લીધું. ભક્ત અને ભગવાને ભૂજ ભણી પ્રયાણ કર્યું. રસ્તામાં ભગવાને ભક્તને નિર્વાસનિક કરી આધોઈ ગામ આવતાં સાધુ થવાની આજ્ઞા કરી. એટલે લાલજી ભક્તે સંસારનો મળવત્ ત્યાગ કરી ખુદ ભગવાનના હાથે જ પોતાના સસરાના ગામમાં (અધોઈમાં) સાધુ દીક્ષા ગ્રહણ કરી. શ્રીહરિએ કુળ તજી નિષ્કુળ થયેલા ભક્તનું નામાભિધાન કર્યું. ‘નિષ્કુળાનંદસ્વામી’ અને પછી તેમના સસરાનાં ઘરેથી ભિક્ષા માગી લાવવાનું કહ્યું. વિશેષમાં ત્યાં જ રહી યમદંડ ગ્રંથ રચવાની આજ્ઞા કરી અને આશીર્વાદ આપ્યા કે તમે લીટો કરશો તે અક્ષર થશે. તે જે બોલશો તે કવિતા થશે. એમ અભયવર આપી પ્રભુ પોતે ગઢપુર પધાર્યા. નિષ્કુળાનંદસ્વામીને કહ્યું કે, ‘તમે શેખપાટ જઈ માતુશ્રીને આશ્વાસન આપી ગઢપુર આવજો.’ આજ્ઞા થતા સ્વામી શેખપાટ પધાર્યા અને ચોરામાં ઉતારો કર્યો. ગામમાં વા વેગે વાત ચાલી કે, ‘લાલજી સુથાર બાવો થઈ ગયો, બાવો!’ માને ખબર પડી. મા, પત્ની, છોકરા, કુટુંબી-એ બધાં ચોરે દોડી ગયાં. વૃદ્ધ માતાને આવતાં જોઈ લાલજી નીચું જોઈ ગયા. અને વૃદ્ધ માતા ધીમે-ધીમે ચોરાનાં પગથિયાં ચડે છે. સાધુવેશે બેઠેલા લાલજી પાસે ઊભાં રહી માતા બોલ્યાં, ‘લાલજી! એ લાલજી!’ કંઈ જવાબ ન મળ્યો. ‘અરે બેટા! હું તને લેવા નથી આવી, પણ એકવાર સામું તો જો.’ સ્વામીએ પરાણે પરાણે ઊંચુ જોયું ને બોલ્યા- ‘મા ! ભગવાનની આજ્ઞા છે એટલે આવ્યો છું. હવે હંમેશને માટે એમની સેવામાં જોડાયો છું. તો આપ ધીરજ રાખજો.’ ‘તારી વાત સાચી છે. પણ બેટા તું વિચાર તો કર કે રામાનંદસ્વામી જેવા સમર્થ સંતને તેં સેવ્યા છે. સહજાનંદસ્વામી પણ તારા ઉપર રાજી છે. તું સંસારમાં રહે તોય ન રહ્યા જેવો છે. તો પછી તારે આ ભગવાં પહેરવાની શી જરૂર પડી ? વળી, તારા બાપ હયાત નથી. ઘર તારા ઉપર ચાલે છે. છોકરાં હજુ નાનાં છે. હું ઘરડી છું, તું એટલો તો વિચાર કર કે તું મારો એકનો એક આધાર ચાલ્યો જાય તો તારી ઘરડી માનું કોણ?’ ‘મા ! ભગવાનની ઈચ્છા એ મારું જીવન’ ‘શું ભગવાને તને ભગવાં પહેરવાનું કહ્યું હતુ?’ ‘અરે મા! એના હાથે જ આ ભગવી અલ્ફી પહેરી છે’ ‘પણ તને આ અસહાય તારી ઘરડી મા યાદ ન આવી? બેટા!’ સ્વામી જનેતાના લાગણીભીના શબ્દોનો શો જવાબ આપે? એ નીચુ જોઈ ગયા. સંતને એકાએક વિચાર આવ્યો કે અનંત જન્મ લીધા છે. અનંત માતાઓ કરી છે. તેનું સગપણ નથી રહ્યું તો આનું બંધન શા માટે? હું તો આત્મા છું, આદિ છુ, અનાદિ છુ, આ તો ખોટી ઉપાધિ છે. બસ આ જ વિચાર એના અંતરમાં ઘૂંટાયા અને જીભ ઉપર આવી મંડ્યા કીર્તન સ્વરૂપે સરકવા! સદ્ગુરુ નિષ્કુળાનંદસ્વામી સાધુ થયા પછી અને શ્રીહરિના આશીર્વાદ પામ્યા પછી સ્વામીની કલમે લખાયેલ આ પહેલું જ પદ છે.

વિવેચન

આસ્વાદ : સ્વામિનારાયણ સંપ્રદાયના અગ્રગણ્ય સંતકવિઓરૂપી સૂર્યમંડળમાં વૈરાગ્યમૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીનું સ્થાન શુક્રતારા જેવું અચળ , આગવું ને તેજસ્વી છે. એમના એક આત્મલક્ષી પદમાં પોતે કહ્યું છે એમ ‘ અન્ન , ધન. ધામ, ધરણી અને છોટા છોટા છોકરાંવાળા સંસારી દ્રષ્ટિએ સુખી એવા પૂર્વાશ્રમના એ લાલજી સુથારે, એને જુવાનીમાં જ ‘જ્ઞાનવૈરાગ્યે ગળે ઝાલ્યો ‘ હોઈ , શ્રી સહજાનંદ સ્વામીના શબ્દ માત્રે ભેખ લઈ નિષ્કુળાનંદ બનતાની સાથે એમના આદેશથી કલમ પકડી પૂરી પાકટ વયે દેહ છોડ્યો ત્યાં સુધીમાં ત્રણ હજર જેટલા પદો અને નાની-મોટી ચોવીસેક કૃતિઓની રચના કરી છે. સ્વમિનારાયણ સંપ્રદાયના કવિઓમાં નિષ્કુળાનંદ સ્વામી એમની જ્ઞાનવૈરાગ્યની કવિતાથી જાણીતા થયેલા છે. ત્યાગ નાં ટકે રે વૈરાગ્ય વિના ‘ એ તો એમનું ખૂબ જાણીતું બનેલું પદ છે. નિષ્કુળાનંદની આ પદરચનામાં ઊંડા આત્મજ્ઞાનની વાત સાથે કવિએ પોતાના વૈયક્તિક જીવનના ગહન રહસ્યને પણ માર્મિક શૈલીથી અભિવ્યક્ત કર્યું છે, કવિની સર્જક પ્રતિભાનો ચમકારો પણ આ રચનામાં વરતી શકાય છે. હું આદિ – અનાદિ છું. અને આ બધું મને જે વળગેલું છે, મારી સાથે સ્થૂળ રીતે જોડાયેલું છે એ સર્વે ઉપધિરૂપ છે ને એ ઉપાધિ અનાદિ સદ્‍ગુરુ સહજાનંદ પ્રભુના આગમનથી ટળી ગઈ છે. પદના ઉપાડમાં જ ઉપાધિનો સ્વીકાર, ઉપાધિની સ્થિતિ અને ઉપાધિમાંથી મુક્તિનો ઉપાય કવિ સૂચવી દે છે. પછી પ્રત્યેક અંતરામાં એ જ વાતને વિધવિધરૂપે કવિએ બહેલાવી છે. કુળ, કુટુંબી , માત , તાત, ભાઈ, ભગીની એ બધાં સબંધોની મર્યાદા કવિ ઓળંગી ગયા છે. ‘ બ્રહ્મા હમારી જાત’ એમ હવે તેમને સમજાઈ ગયું છે. તો શું આ જાણ થઇ અને સબંધોનાં બંધનથી મુક્ત થઇ ગયા એટલે સુધરી ગયા? કે બગડી ગયા ? શું થયું ? તો કવિ કહે છે: ‘ નહિ રહ્યા મેં નહિ ગયા મેં , નહિ સુધર્યા નહિ બીગડા , હંમે હમારા કુળ સંભાર્યા ....’ કોઈ સુધર્યા- બગડ્યાની ચિંતા કરશો નહિ, સંસારમાં રહ્યા-ગયાના ઝઘડામાં પડશો નહિ. અમે માત્ર અમારાં અસલ કુળને સંભાર્યું છે ને એને અનુસર્યા છીએ . હવે અમારે કોઈની સાથે કશી લેવા-દેવા નથી. અમારે તો ‘મિલ્યા શ્રીજી ને સર્યા કામ ‘, બસ. કવિ હવે પોતાના વૈયક્તિક જીવનના ગહન રહસ્યની ઘટસ્ફોટ કરતાં કહે છે: આગે તપસી તપસા કરતા રહી ગઈ કિંચિત્‌ કામા; તે કારણ આ નર-તન ધરિયા સો જાનત ઘનશ્યામાં.’ પ્રભુ બધું જાણે છે, આગળ પણ અમે ભક્તિમાર્ગે જ હતા. તપમાં જ હતા પણ કોઈ કિંચિત્‌ કામના રહી ગઈ હશે તે આ શરીર ધારવાનું આવ્યું ને જે કારણે આ શરીર ધાર્યું છે એ કામ – હેતુ પણ હવે રહ્યો નથી; કારણ કે અમને તો સાક્ષાત્‌ ભગવાન શ્રી સહજાનંદ સ્વામીનું દર્શન થયું છે. સાક્ષાત્‌ પ્રભુ પ્રગટ બ્રહ્મસ્વરૂપે મળ્યા છે. કવિ કહે છે , હવે હું તો સદંતર ઓગળી જ ગયો છું ને નામ-ઠામ ભાર પણ ટાળ્યો છે. અહીં‌ ‘ નામ ઠામ’ માં ‘નામ અરૂ ઠામ’નાં ‘અરૂ’ને બદલે ‘અ ‘ ને અધ્યાહાર રાખીને માત્ર ‘રૂ’ મૂકીને લય જાળવવાની સાથે એમનો ભાષા પરના પ્રભુત્વનો ખ્યાલ પણ આપણને મળે છે. પદ હિન્દી હોવા છતાં એમાં તળ ગુજરાતીપણું મ્હેંકે છે. સહજ રીતે અને મધુરતાથી ભર્યો ભર્યો આ દ્વિભાષિક વિનિયોગ વિષયને, કથ્યને વધુ જીવંત બનાવે છે. ભાવાર્થઃ- સ્વામી શેખપાટના ચોરામાં અકત્રિત થયેલા માતા આદિક સગાં સંબંધીઓ અને ગ્રામીણજનોને ઉદ્દેશી હાથ લાંબો કરી કહેવા લાગ્યા કે, “હું તો આદિ છું, અનાદિ છું, અને આત્માસ્વરૂપ છું, આ સગાં સંબંધીરૂપ સર્વે ઉપાધિ તો જનમ્યા પછી જ વળગી છે. સહજાનંદસ્વામીરૂપ સદ્ગુરુ મળ્યા પછી સાંસારિક સર્વે ઉપાધિ ટળી ગઈ છે. IIટેકII ક્યાં કાષ્ટ, ક્યાં કુહાડો અને ક્યાં આ ઘડનારો? જ્યારથી સદ્ગુરુ મળ્યા ત્યારથી જ એ સર્વે ફંદ ટળી ગયા. II૧II હે મા! આત્માને વળી કોણ કુળ, કોણ કુટુંબી, કોણ માત-તાત, કોણ ભાઈ-ભગિની ? આત્માને આ ઉપાધિ હોઈ શકે જ નહીં. બ્રહ્મ મારી જાત છે. આત્મા મારું નામ છે. અક્ષરધામ મારું ગામ છે. એટલે જ હું નથી રહ્યો, નથી ગયો, નથી સુધર્યો કે નથી બગડ્યો. મેં તો મારું આદિ કુળ, આદિ સ્વરૂપ અને આદિ સ્થાન આજે સંભાર્યું છે. માટે એમાં ઝઘડો કરશો નહીં. II૨ થી ૩II પાણીનાં બે બુંદમાંથી આ સર્વ સ્ત્રી પુરુષરૂપ સૃષ્ટિની ઉત્પતિ થઈ છે. એ તો એક મળ-મૂત્રની ક્યારી છે. મને તો સહજાનંદસ્વામી જેવા સર્વોપરી ભગવાન મળ્યા છે. એટલે મારા સર્વ કામ સરી ગયાં છે. હવે મને કોઈ પણ સગા-સંબંધી, કુળ-કુટુંબ, પુત્ર-કલત્ર અને વસ્તુ-પદાર્થની સાથે યારી કે પ્રીતિ રહી નથી. II૪II પાંચમી કડીમાં સ્વામી પોતાના આગલા જન્મની કહાની યાદ કરીને કહે છે કે, “મેં જ્યારે ભરતજીનો દેહ ધારણ કર્યો, ત્યારે વનમાં જઈને ખૂબ તપ કર્યુ, પરંતુ હરણબાળમાં સ્નેહભાવ પ્રગાઢ બનતા ફરી આ સુથારના પેટે જન્મ ધરવો પડ્યો. આ મારી વાત મારા ભગવાન સર્વ રીતે જાણે છે. એ પુરાની વાસના ટાળવા માટે જન્મ ધરેલા આ સર્વ જન્મોનું કામ સરી ગયું છે.” સ્વામી કહે છે કે, “પ્રગટ ભગવાન મળ્યા પછી મારું નામ, ઠામ, સર્વ ટળી ગયું છે. અર્થાત્ કુળ-કુટુંબ, ઘર-બારનો ત્યાગ કરી પૂર્ણ સ્વરૂપે સહજાનંદનો સાધુ બની ગયો છું. હે મા! હવે મારા જીવનની ઈતિશ્રી આમાં જ થવાની છે.” II૫ થી ૬II રહસ્યઃ- કવિએ પ્રસ્તુત પદમાં રાગ ખૂબ સરસ પસંદ કર્યો છે. પદનો ઢાળ ભજન શૈલીનો છે. તાલ કહરવા છે. શબ્દ માધુર્યમાં સ્વનિષ્ઠા અને સહજાનંદ મળ્યાનો આનંદ ઝીલાયો છે. એટલે જ સાંસારિક સુખની તુચ્છતા બતાવી છે. પદ સુગેય છે. પ્રાસાનુપ્રાસ પરમ છે. અને શબ્દો સમજવામાં સરળ છે. આદિ, અનાદિ, ઉપાધિ, વ્યાધિ જેવી ઉક્તિઓથી આત્મસ્વરૂપનું અને સંસારચક્રનું બયાન હૂબહુ રીત વર્તાય છે. આ સંત કવિની કલમે પહેલ-વહેલું જ લખાયેલું આ પદ છે. છતાં સૂર, શબ્દ અને ભાવનું મિશ્રણ અદ્ભુત દેખાય છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
પરંપરાગત (સ્વરકાર)
સંકીર્તન સરિતા- નિષ્કુળાનંદ સ્વામી
Studio
Audio
1
0