લળી લાગું પાય, પ્રથમ પૂરણ બ્રહ્મને,
તે સદ્ગુરુ રૂપ સદાય, સંત થઇ સુખ આપીયું.૧
પ્રગટ્યા પૂરણ બ્રહ્મ, અધમ જનને ઓધારવા,
જેને નેતિ કહે નિગમ, તે વપુ ધરી વિચરે. ર
બ્રહ્મા ન જાણે ભાળ્ય, શિવ પણ શોધે ઘણું,
તે કૃપા કરી કૃપાળ, સદા રહેછે સંતમાં. ૩
જોગી સાધી જોગ, ભોગ તજે આ ભવનો,
તે વણ તજે વૈભોગ, સહેજે મળ્યા શામળો. ૪
કર્યો નહિ કલેશ, વળી દેહ પણ દમી નહી,
તે પ્રત્યે કર્યો પ્રવેશ, અધમ જાણીને અમને, પ
વૈકુંઠે નહિ વાસ, જોગી પણ જાણે નહિ,
તે હેતે હરિજન પાસ, સદા રહે છે શામળો. ૬
કમલા કરે વિચાર, ચરણ સારૂ ચિતમાં,
તે પાળ્યાં પુન્યને પાર, જે રાત દિવસ રીદિયે ધરે. ૭
ઇછે જેને ઇશ, વિરંચિ પણ વંછે ઘણું,
તે જનને સોંપે જગદીશ, ચરણ લઇને ચાંપવા. ૮
સંત ઇછે સદાય, પદના પરસને પામવા,
તે શિયે પુન્યે સેવાય, મળીછે મહારાજની. ૯
પ્રભુ પદ પરતાપ, કાલી મુકાણો કાળથી,
એ તો વાત અમાપ, મળ્યાં પદ મહારાજનાં. ૧૦
અહલ્યા તણો ઉધાર, પદની રજને પરસતાં,
તે દોવટ્ય દિસે દ્વાર, ભાગ્ય મોટાં એ ભુવનનાં. ૧૧
બ્રહ્મા ધરી ભાવ, જે કારણે ઝખ થયો,
તે સંત સહેજ સુભાવ, પ્રસાદી પામે પ્રભુ તણી. ૧ર
શિવે સાયો શ્રાપ, કણ પ્રસાદી કારણે,
તે અણ ઇછાયે આપ, દિયે પ્રસાદી દાસને. ૧૩
જે પ્રસાદી પસાયે, પતિત પામે પારને,
તે આપે અણ ઇચ્છાયે, નિત્ય ઉઠીને નાથજી. ૧૪
અહો આશ્ચર્જ વાત, પુન્ય નાવે પ્રમાણમાં,
તે હરિ જમાડે હાથ, પંગત્ય બેસાડી પ્રીતસું. ૧પ
જે મુખ જોવા મુનેશ, ચાયે સદાયે ચિતમાં,
તે હરિજન નિર્ખે હમેશ, એ વડાં ભાગ્યની વાતછે. ૧૬
જોગી ધરતાં ધ્યાન, જથારથ રૂપ જાણે નહિ,
તે મિટે મુરતિ માન, નિત્યે નિરખી નાથને. ૧૭
સદાયે હરિને સંગ, મન રેવા માગે ઘણું,
એવી વાતે ઉમંગ, અંતરમાં આવે અતિ. ૧૮
પ્રભુ સાથે પ્રીત, કરીતે કામ્યો ઘણું,
ચરણે ચોટાડયું ચિત, સમેટી આ સંસારથી. ૧૯
સાચો કર્યો સનેહ, તન મન સોંપી તેહને,
જગમાં જીત્યા જેહ, સાજી જેને શામશું. ર૦
લીધો મોટો લાભ, આવીને આ સંસારમાં,
નૈતો દુઃખનો ઉગત ડાભ, જો મલ્યા નહોત માવજી. ર૧
સર્વે સરીયાં કાજ, કોઇ એવો જોગ આવી ગયો,
તે રહી લાખેણી લાજ, ભુધરજીને ભેટતાં. રર
સરવે અંગે સુખ, મન માન્યું મળી ગયું,
તે દુર્ય પલાણા દુઃખ, આવતાં હરિને આસરે. ર૩
અહો અમારાં ભાગ્ય, મુલ વડે મેળે નહિ,
તે નથી કેવા લાવગ, મોહન મળતા મોટા થયા. ર૪
કિયાં અમે કંગાલ, કિયાં મોટયપ મહારાજની,
તે નાથ કર્યા નિહાલ, આવી મળ્યા અમને. રપ
વાલા વાલપની વાત, જીભાયે શું જણાવીયે,
જેમ તરછોડે નહિ તાત, પુત્ર કુપુત્રને પાળતાં. ર૬
જેમ ઉદર માંહિ અનેક, પુત્ર મારે પાટવું,
તોયે માત મનમાં એક, અવગુણ ન લાવે અરભનો, ર૭
તમે અમારા તાત, વળી જનુની પણ મેં જાણીયા,
તે ઘરના ઉપર ઘાત, ન કરો કેદિ નાથજી. ર૮
અમ તણુ અપરાધ, રખે માબાપ માનતા,
તે અમે બાલક અસાધ્ય, બે ખબર્ય બોલતા હસું. ર૯
ખુનિ ખોળે શિશ, માથુ આવી મેલતાં,
તે બોળા કરે બગશિશ, ગુના ગુનેગારના. ૩૦
અચલ જાણી આધાર, અમે આવ્ય આસરે,
તે નિરભે થયા નિરધાર, ચરણ તમારાં ચિતવતાં. ૩૧
ચરણે ચોટાડયું ચિત, બીજે મન બેસે નહિ,
તે પૂરણ બાંધી પ્રીત, આંટી વાળી અંતરે. ૩ર
પાતળિયા શું પ્રીત, તે કાચે મને કરીયે નહિ,
તેને ચરણે દેતાં ચિત, પાછા પગ ભરીયે નહિ. ૩૩
શામળીયાશું સનેહ, અડગ પણે આદરીયે,
તે દુઃખે દમાતા દેહ, અંતરે અકલાયે નહિ. ૩૪
જેમ ચકોર કેરૂ ચિત, તે ચંદ્રમાં શું ચોટીયું,
તે પરવસ કરતાં પ્રીત, અણ દિઠે અંગાર ગલ્યે. ૩પ
ચાતક ચિતે ચાયે, સદાય સ્વાતના નિરને,
તે પ્રિતે આવી પાય, જાવા ન દિયે જીવથી. ૩૬
નરમાદા જુગતિ જોયે, મોતી પ્રિતે મળ્યા રહે,
તે દિસતાં દિશે દોયે, પણ અનાદિના એ એક છે. ૩૭
મોર તણુ જે મન, તે મેઘ સાથે મળી રયું,
તે વિના તરસે તન, ઘન મળવા ઘાંઘો ઘણું. ૩૮
પંખી જોને પંડય, સનેહિ ઉપર સદકે કરે,
તે એવી પ્રીત અખંડ, રાખી જોયે રાજસું. ૩૯
નદીયે ચાલે નિર, જેમ સાગરમાં સદા મલે,
તે આપે ટળે પણ ન ટળે પ્રીત, એવો સરિતા તણો સ્વભાવ છે. ૪૦
મિન તણી જે મિરાથ્ય, જલ જેનું જીવનછે,
તે પ્રાણ પાણી સાથ, સુકે મુકે શરીરને. ૪૧
વારી તણો વિછોહ, જે જીવે જલના જીવડા,
તે ડેડક કાચબ દોયે, જે કાદવસું કિલા કરે. ૪ર
પ્રિત્યે કરી પ્રમાણ, જેના પ્રીતમ સાથે પ્રાણ છે,
તે એના અંગનાં એધાણ, વણ કયાં પણ વરતાય ખરા. ૪૩
વાલા તણે વિયોગ, દલડું પણ દાઝે ઘણું,
તે વિના રોગે રોગ, સુખ તો ન હોય શરીરમાં. ૪૪
ચિતવતાં ચંત્યા ચિત, વૃથા ગણી વિજોગની,
તે મન મારેલ મીત, પ્રીત કટારીં પ્રીતમે. ૪પ
સાલે ઘણુ શરીર, ભલકા ખટકે ભાવના,
તેણે નેણે આવે નિર, શામળીયાને સંભારતાં. ૪૬
ચંચલ થઇ ચકચુર, ઢળીને પડયાં ધરણીયે,
તે જીવ્ય તણું જરૂર, નથી ઓષધ નાથ વિના. ૪૭
અવલ મળે ઉસદાહ, મનનો માનેલ માહરે,
તેને સંભળાવો જઇ સાદ, વેલો આવે વાલમો. ૪૮
મારૂં તલફે તન, તેની વૈદ ન જાણે વેદના,
તેને દુઃખે વિતે જ દન, જો પિઉ મળે તો પિડા ટળે. ૪૯
જેને દિઠે જ દુઃખ, દરદ જાયે દલનું,
તે મુને દેખાડો મુખ, નિરખું મારા નાથને. પ૦
દીઠે મીઠા દલની, વળી ભોજન પણ ભાવે ઘણું,
તે જ્યારે જોઉં રે જીવન, ત્યારે મન ઠરે માહેરૂં. પ૧
સુતાં સાલે સુખ, નાવે નયણે નિદ્રા,
તે મોહન તારૂ મુખ. જોતા હરે જંજાલને, ..પર
કમલા નયનને કાજ, લાજ તજી દઇ લોકની,
તે મનના માનેલ મારાજ, ગુણીયલ તું ગમેલ ઘણું. પ૩
લોચન ચાય લાલ, કામણગારા કાનજી,
તે ભાળી તાહેરું ભાલ, અમો ગદગદ થઇયાં ગાતરે. પ૪
શોભા તાયલી શામ, સમોવડ નાવે સોધતાં,
તે વારૂ કોટીક કામ, વાલા ઉપર વારણે. પપ
છોગાંવાળા છેલ, સાંભળ મારી શામળા,
તે વાલમ ન કરીયે વેલ, આવો મળીયે એકાંતમાં. પ૬
પાતળિયા તારી પ્રીત, શાલે ઘણું શરીરમાં,
તે મોહન માયલા મિત, વાલમ તું વાલો ઘણું.પ૭
મોહન માયલી મિરાથ્ય, ધન પણ માયલું ધરણીધરા,
તે સગપણ તાયલું સાથ્ય, જોડી ત્રોડું જગતસું. પ૮
સદકે રયો સંસાર, વળી ઘર પણ ઘોળું પરૂં,
તે ભુધરવર ભરથાર, જનમો જનમ જાચશું. પ૯
હરજી તાહરૂ હેત, અખંડ રેજો અંતરે,
તે મોહન માયલા મિત, મન ઇચ્છે એ માગવા. ૬૦
જેના પરવશ પ્રાણ, પ્રિતે બંધાણા પરસું,
તેના અંગના એધાંણ, જોતાં આવે જણાઇ. ૬૧
સનેહે સુકે શરીર, પેલું વદન પેખીયે,
તેને નયણે ન સુકે નિર, મુકે નિસાસા મુખ. ૬ર
જેનો પીયુ પરદેશ, તે નારને નાવે નિંદરા,
તે અણમણતિ અઉનેસ, સદાયે રહે શોકમાં. ૬૩
વાલા તણો વિજોગ, ઝબકી જાગે જુવતી,
તે રુદિયે વ્યાપે રોગ, વળી વાધે વ્રેહનિ વેદના. ૬૪
જેના પ્રાણ પિયાને પાસ, તેને શ્રુણત શિયું શરીરમાં,
રહે સ્વાસનોજ વાસ, પણ માંસવડયે માચે નહિ.૬પ
મહાસુખ મળવા કાજ, ઇસકતાં ઇચ્છે ઘણું,
તે દલમાં દારૂણ દાઝ, એ દુઃખે દિશે દુબળો. ૬૬
જેનું દિધલ દુઃખ, તેનું ભાંગ્યું ભાંગશે,
તે જ્યારે જોશું જ મુખ, તારે સેજે સુખ ઉપજશે. ૬૭
કોયે પોચો પીયુને પાસ, લેવા ખબર લાલની,
તે અમે છૈયે ઉદાસ, નાવ્યો સંદેશો નાથનો. ૬૮
વાલા તમારી વાટ નિત્યે ઉડીને નિહાળીયે,
તે અણ દિઠે ઉચાટ, તે મટે નહિ મારા મન તણો. ૬૯
પીયુડો મારો પરદેશ, મેલી ગયો મુજને,
તે કોયે લાવો સારો સંદેશ, તો આપું હૈયાના હારને. ૭૦
ઉડે માયલાં અંગ, પાંખું કરીને પોચીયે,
તો રસિયા સાથે રંગ, વાલપનો વાધે ઘણો. ૭૧
વાલપ વાલા સાથ, બીજાશું બને નહિ,
તે હરિને સોપેલ હાથ, અવર લાગે અળખામણા. ૭ર
બતાવું હું વાટ, કોયે આવે આણે મારગે,
તે કેજે સાચું જ તાત, કોયે ભાળેલ ભીનેવાનસું. ૭૩
છે છેલું માયલો છેલ, વળી રસિયા માયલો રસિયો,
તે એવો આણે ગેલ, કોયે દીઠો અલબેલો આવતો. ૭૪
વાલમ તોયેલી વાટ, નિત્યે ઉઠીને નિહાળીયે,
તે સજન શિયા માટ, નાવેલ ઘર્યે નાથજી. ૭પ
સુંતા બેઠાં શામ, સાંભરે ઘણું શરીરમાં,
તે વાલમ વિના વિશ્રામ, મન ન પામે માહરૂં. ૭૬
નાથ વિજોગે નાર્ય, તે ઝુરીને ઝાંખી ઘણું,
તે આવો ઘેર આધાર, તો શિતલ થાયે શરીરમાં. ૭૭
જો નયણે દેખુ નાથ, તો લેખુ દાડો લાભનો,
તે મળી સલૂણા સાથ, તો મન ગમતું સુખ માણીયે. ૭૮
પીયુને પરસતાં પંડ, નવ્ય પાલવ નિલું ઘણું,
તે અંતરે રહે અખંડ, સુકતાં સમાગમનું. ૭૯
શામ તમારે સાથ, હું રૂડી દિશુ રમતાં,
તે હરજી આવે જો હાથ, તો ખાંતીલાને ખેલાવીયે. ૮૦
જોબન જોતાં જાય, માણા વિના માહરું,
તે કરીયે કોયે ઉપાય, રસિયા વિના રાતડી. ૮૧
દલમાં લાગેલ દાવ, ઉઠી અંગેઠી અંતરે,
તે નીર રૂપે જ નાવ, આવે બુઝાવે અગ્નિ. ૮ર
પળે પળે પલટે સોત, પલટે માયેજ પંડનું,
તે ઝાંખી થાતાં જોત, કાયા જાશે કારમી. ૮૩
કાયા કાચો કુંભ, વાર ન લાગે વણસતાં,
તે ખાતે કરીયે કુંભ, કોયે નાર્ય ભરે નિરને. ૮૪
પંડય પાણી પરપોટ, ટળી જાશે તે ઘડી,
તે સાને મોટ, ફરે ઉપાડી ફૂલમાં. ૮પ
જાવું પડસે જરૂર, ઉઠી અચાનક આંયથી,
તે આ તન આકાતુર, જાશે ઉડી જાણજો. ૮૬
કરી લેને કાજ, અવસર આવ્યો ઓળખી,
તે રાજી કરને રાજ, આવી પલને ઓળખી. ૮૭
દુર્લભ આવું દેહ, મોઘું ઘણું મનુષનું,
તે સાચો કરને સનેહ, પ્રભુ સાથે પ્રાણીયા. ૮૮
આયુષ ઓછી થાય, આવરદા જોને અંગની,
તે કાળે ધોળે કપાયે, દોરી તારા દેહની. ૮૯
ચોરાસી ખાણું ચાર, શોધી જોને શરીરને,
તે નથી બીજું નિરધાર, આ તન તોલે આવતું. ૯૦
દેવ લોકના દેવ, માગે માનવ દેહને,
તે અચલ આવો અવેવ, બીજે રખે બગાડતાં. ૯૧
આગે આરોગી અમૃત્ય, વળતાં ન ખાયે વિષને,
તે જેમાં ઘાલેલ ધ્રુત, તે પાતા ન કરીયે પેસાવનું. ૯ર
રુદે રાખી રાજ, સુતાં બેઠા સંભારીયે,
તે મનવા મુકી મહારાજ, અંતરે બીજું ન આણીયે. ૯૩
પૂરણ કરીયે પ્રીત, સ્વામી સહજાનંદશું,
તો થાયે જગતમાં જીત, વાજે આનંદ વધામણાં. ૯૪
સુખીયો સહુ સંસાર, જેને સાજી સહજાનંદશું,
તે બીજા વેછે બીગાર, કોયે લીયે ભરી કોથળા. ૯પ
જનમ મરણ જોયે, મટાડું ચાયે મનવા,
તો સુખના સિંધુ સોય, સ્વામી સહજાનંદ છે. ૯૬
(ગુઢા અર્થ) કશપ સુત સુત કાજ, સાગર સુતા પતિ સેવીયે,
તો ક્ષીતિ સુત હેત સમાજ, સુરા રસિ ગ્રહર સજીયે. ૯૭
સુરપતી સુત સનેહ, ઉગરિયે પુનો રાયજે,
તે સુર સુત તારે હેત, રાખ્ય રુદે પસુ પાલ પતિ. ૯૮
દૈત્ય સુતા પતિ નાર, દ્રગ હિન સુત સંતાપસું,
તેમ તું અરિ કરી વારે, પૂરે પર અમર અત્ય. ૯૯
સૈલ સુતા પતિ ધ્યાયે, ગાય સાવત્રી સુત સદા,
શ્રુકિત સુત રિપુ શ્યામ સરાય, ધાયે મન એવો ધણી. ૧૦૦
ઇંદ્ર વદન અનાથ, કરિ દિન વચન દિલમાં ધરે,
તે નિષ્કુળાનંદના નાથ, ધાયે ખગપતિ પરહરિ. ૧૦૧