મુને સ્વપને ન ગમે રે સંસાર, કોને કેમ કીજીયે ૧/૮

રાગ જંગલો

મુને સ્વપને ન ગમે રે સંસાર, કોને કેમ કીજીયે. ટેક.

વમન થયું મન ઉતર્યું, એવો જાણ્યોરે સંસાર,

કોને કેમ કીજીયે. કોને. ૧

સેજ પલંગને પોઢણા, કોઇ તલાંસે પાવ,

પતંગ પડયો તે ઉપરે, માથે જમકેરો દાવ. કો. ર

મૃગરાજના મુખમાં, જે કોય આવે જરુર,

ખાનપાનને વિસરે, મરવું દેખે હજૂર. કોને. ૩

સ્વારથે સઉ કોઇ મળી, વિધવિધ કરે વાત,

અંતરમાં કેમ ઉતરે, નજરે દીઠેલ ઘાત. કો. ૪

સમજી વિચારી જે કરો, તજો ખલકની આસ,

નિષ્કુળાનંદ નિશ્ચે કર્યું, સુખ તો સદ‌્ગુરુ પાસ. કો. પ

મૂળ પદ

મુને સ્‍વપને ન ગમે રે સંસાર, કોને કેમ કીજીયે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ઉત્પત્તિ

ઉત્પત્તિઃ- શેખપાટના ચોરામાં સાધુ થયેલા સદ્ગુરુ નિષ્કુળાનંદસ્વામી માતૃશ્રી અમ્રુતબાને સમજાવી રહ્યાં છે. મા દીકરાની મીઠી રકઝક ચાલે છે. સ્વામીએ લોક લાજ મૂકી પોતાનું આત્મસ્વરૂપ પ્રગટ કરવા માંડ્યું છે. આ તમાશો જોવા લગભગ પોણું ગામ ચોરે ભેગું થઈ ગયું. ગામધણી સોઢા બાપુને પણ ખબર પડી કે, આપણા ગામના કાષ્ટના કુશળ કારીગર લાલજી સુધાર સ્વામિનારાયણના બાવા બનીને આવ્યા છે, અને ચોરામાં બેઠા છે. એ જાણી ડેલીનો ડાયરો વિખરાયો. સૌ દરબારો ચોરે આવ્યા. સોઢા બાપુ જામ સાહેબના નજીકના સગા થતા હતા. તેથી એ પ્રદેશમાં તેની હાક વાગતી. બાપુને આવતા જોઈ સ્વામીને થયું કે, હવે થાય તે ખરું. જો બાપુનો મગજ બગડ્યો તો મુશ્કેલી પડશે. પણ ખેર, ધાર્યું ધણીનું થાય છે. સ્વામીએ તો શ્રીજીને સંભારી પોતાના આત્મજ્ઞાનની વાત ચાલુ રાખી. પરંતુ હવે માથી રહેવાયું નહીં. એ તો પોક મૂકી ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યાં. બેટા તારી વાત સાચી છે. હું પણ એમાં માનું છું, પણ ઘરે રહીને શું એ સમજણ નથી રાખી શકાતી? સંસારમાં રહીને પણ ભગવાન ભજી શકાય છે. જો એ વાત ખોટી હોય તો, પૂછી જો ગામના સારા-સારા ભાઈઓને, ત્યાં તો સૌ એકી સાથે બોલી ઊઠ્યાં કે, “બરાબર છે, બરાબર છે, ડોશીમા તમારી વાત સાચી છે. ‘જો મન હોય ચંગા તો કથરોટમેં ગંગા’ આ સાંભળી સોઢાબાપુને જોમ આવ્યું અને ઊભા થયા. લાંબો હાથ કરીને તાડૂકી ઊઠ્યા કે, “લાલજી ! સંભળાય છે માની વેદના? જ્યારથી તારા બાવો થયાના સમાચાર સાંભળ્યા છે, ત્યારનું ધરાઈને ધાન ખાધું નથી. હવે તો હદ થઈ છે. ભલા માણસ તારા જેવા સમજુને વધારે શું કહેવું પડે? મા જેવી મા રોતી હોય અને એકનો એક દીકરો મીંઢ થઈને બેસી રહે. વળી, અમારા દેખતાં દીકરો માને તરછોડે, પોતાના કુટુંબને બેહાલ કરે એ બધું ઠીક નહીં. લાલજી! આમાં અમારી આબરૂનો સવાલ છે સવાલ! અમારો ચોખ્ખો આદેશ છે કે આ ભગવાં ઉતારીને ઘેર જ રહો. પાણીના પુરની જેમ ચડેલા ચટકીના વૈરાગ્યથી જો નહીં માનો તો પરિણામ સારું નહીં આવે.” નિશ્કુળાનંદસ્વામી સમજી ગયા કે, પરિસ્થિતિ બેકાબૂ બનતી જાય છે. હવે થાય તે ખરું. અચાનક સ્વામીના જીવમાં જોમ આવ્યું. અને સફાળા ઊભા થઈ ગયા. એક હાથે ચોરાનું ઘોડીયાટ પકડી પોતાના અસલ સ્વરૂપમાં આવી બૂલંદ અવાજે ગામસભાને અને દરબારને સંબોધી કહેવા લાગ્યા.

વિવેચન

ભાવાર્થઃ- હે દરબાર ! મને સપનામાં પણ આ સંસાર ગમતો નથી. તો તમે જ કહો કે, “હવે હું શું કરું?” જેમ માણસે સારાં-સારાં ભોજન આરોગ્યાં હોય અને એ જ ભોજનનું જ્યારે વમન થાય ત્યારે શું એને પાછું ખાવાની ઈચ્છા થાય? બસ, દરબાર મને પણ આ સંસાર વમન થયેલાં અન્ન જેવો ભાસે છે. આ સર્વ સગાં-સંબંધીઓ ગદરાવાને કારણે સ્વાર્થમય વિવિધ વાતો કરે છે. એ મારા અંતરમાં કેમ ઉતરે? કારણ કે મેં આજ દિન સુધી સ્વાર્થી દુનિયાની સ્વાર્થી સગાઈ નજરે દીઠેલી છે. કહો દરબાર, હવે આ સંસારમાં રહેવાની વાત મારે ગળે કેમ ઉતરે?” II૧II “ભલે કોઈ છતરપલંગ ઉપર પોઢતા હોય, સેવા-પરિચર્યા કરવા માટે અનેક સેવકો હોય તો પણ કાળનો પંજો અને જમનો દાવ એની ઉપર તો તોળાઈ રહ્યા છે. જેમ મૃગરાજ એટલે કે સિંહની આગળ કોઈ પ્રાણીને ઊભું રાખ્યું હોય ત્યારે તે સહેજે જ ખાન-પાનને વીસરી જઈ મોતને નજરે દેખે છે. તેમ સ્વામી કહે છે કે, દરબાર મેં અંતરથી ઊંડું વિચારીને આ સાંસારિક જીવતરની આશ તજી છે. અને વળી, દ્રઢ નિશ્ચય કર્યો છે કે સુખમાત્ર તો સદ્ગુરુની પાસે જ છે. તો હવે તમે જ કહો કે હું સંસારી રહું કે સાધુ?” નિષ્કુળાનંદસ્વામીના ધારદાર, અસરકારક અને બૃહદ વૈરાગ્યસભર શબ્દો સાંભળી દરબાર નીચું જોઈ ગયા. સૌ કોઈ મૌન બની ગયા છે. જેથી સૌની મૂક સંમતિ મળી ગઈ માની નિષ્કુળાનંદસ્વામીએ ગઢડાની વાટ પકડી. II૨ થી ૪ II રહસ્યઃ- નિષ્કુળાનંદે હરિવરને વરવાની વાત રણમેદાનમાં મૂકી છે. પદના દરેક શબ્દો બૃહદ વૈરાગ્યથી છલકે છે. સંસારી સુખ ઈચ્છનારને મર્મવેધકતાથી શ્વાન તરીકે સંબોધી દીધો છે. પદઢાળ પ્રશંસનીય છે. નિષ્કુળાનંદ તો કૃપાપાત્ર સંતકવિ છે. એટલે જીવનનાં અનુભવે એમને જે સત્ય સમજાયું તેની વાત તે ન કરે તો તેમનો સંત ધર્મ, કવિધર્મ જ લુપ્ત થાય. પ્રભુ પ્રત્યેનો તેમનો વૈરાગ્યપ્રેરિત પ્રીતિભાવ સુંદર અને સચોટ રીતે વ્યક્ત થયો છે. દ્રષ્ટાંત પ્રદ્રષ્ટાંતોથી સ્વાનુભવ રજૂ કરવાની ફાવટ આ કવિની અજોડ છે. પદઢાળ લાંબા ઢાળનો ધોળ છે. તાલ દિપચંદી છે. ગેયતાની દ્રષ્ટિએ પદ ઘણું સુગમ, સરળ અને મનને આકર્ષિત કરે તેવું છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી