અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં; ૧/૧

 અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં;

દૂરવાસાના શ્રાપથી, નરનારાયણ નામ.                                   પ્રગ.૧
અવધપુરીની પાસમાં, ગુણનિધિ છપૈયા ગામ;                         પ્રગ.
ધર્મ થકી ભક્તિ વિષે, સુંદર છબી ઘનશ્યામ.                           પ્રગ.૨
અઢારસો સાડત્રીસના, મનહર ચૈતર માસ.                               પ્રગ.
શુકલ પક્ષ નૌમી દિને, જનમ્યા જક્તનિવાસ.                           પ્રગ.૩
જય જય વાંણી ઓચરે , બ્રહ્મા ભવ સુરરાય;                            પ્રગ.
ગાંધર્વ ગાવે અપછરા, પુષ્પની વૃષ્ટિ થાય.                             પ્રગ.૪
ગગમ મગન ગજ ગામની, ભામની કરીને ભાવ;                     પ્રગ.
આશીશ વાણી ઓચરે , નિરખી નૌતમ નાવ.                           પ્રગ.૫
કોકીલવયણી૧ કાંમની, દામની૨ સરખી દેહ;                           પ્રગ.
કર કંચન થાલિ ભરી, ગાવે ગીત સ્નેહ.                                    પ્રગ.૬
આનંદ ઉત્સવ થાય છે ગાય છે સુંદર ગીત;                            પ્રગ.
મુખ જોઇ માવા તણું, સૌને વાધે પ્રીત.                                     પ્રગ.૭
દુદુંભી વાગે અતિ ઘણા, શરણાઇયોનો શોર;                            પ્રગ.
ભુસુર ભાવેથી ભણે, જીવો ધર્મકિશોર.                                       પ્રગ.૮
માત પિતા જોઇ મૂર્તિ, અંતર હેત અપાર;                                પ્રગ.
લાડ લડાવે લાલને, જાણી જાગ આધાર,                                 પ્રગ.૯
દિન દિન વધતા જાય છે, બાલશશી અનુસાર;                        પ્રગ.
સુખ આપે સૌને હરી, દેખી જગદાધાર.                                     પ્રગ.૧૦
છઠે દિને આવીયા, મારવા ગ્રહ વિકરાલ;                                 પ્રગ.
વામનયણ કરી વાલમે , નાશ કયાઁ તત્કાલ.                             પ્રગ.૧૧
પ્રબળ પ્રતાપી જોઇ ને , પ્રેમવતી નિજ માત;                           પ્રગ.
પુરુષોત્તમ સુત જાણીયા, જનમ્યા જગ વિખ્યાત.                      પ્રગ.૧૨
નામ કરણને કારણે, આવ્યા મુનિ મારકંડ;                               પ્રગ.
કૃષ્ણ હરી હરિકૃષ્ણ તે, પાડયાં નામ પ્રચંડ.                              પ્રગ.૧૩
નિત નિત લીલા બહુ કરે, બાલ લાલ અનુસાર;                       પ્રગ.
શેશાદિક કેતાં થકે, પામે નહિ કોઇ પાર.                                   પ્રગ.૧૪
પુર બાલક લૈ પ્રેમથી, નારાયણસરે નાય;                                પ્રગ.
ખેલ કરે ખાંતે કરી, મહિમા મુનિવર ગાય.                               પ્રગ.૧૫
તીજે વરસે આવીયો, કાલીદત્ત કઠોર;                                       પ્રગ.
મોહ પમાડી મારિયો, તેને ધર્મકિશોર.                                       પ્રગ.૧૬
એ આદિક લીલા બહુ, કરતા બાલક રીત;                               પ્રગ.
દરશન કરવા દેવતા, આવે જાવે નિત.                                    પ્રગ.૧૭
ધન ધન છપૈયા ધાંમને, જનમ ધર્યો જગદેવ.                         પ્રગ.
પાર વેદ પામે નહિ, મહિમા કહે માહાદેવ.                                પ્રગ.૧૮
આઠમે વરસ પામીયા, ઉત્તમ ઉપવિત                                      પ્રગ.૧૯
બાલ ક્રીયા બહુનાંમીએ, તજી દીધી તતકાલ;                          પ્રગ.
નિરવેદી થયા નાથજી, જગથી જન પ્રતિપાલ.                         પ્રગ.૨૦
માત પિતાને આપીને, નિજ સ્વરૂપનું જ્ઞાન;                              પ્રગ.
ભૌતિક ભાંન ભુલાવીને, રાખ્યા પાસ નેદાન.                            પ્રગ.૨૧
વર્ષ એકાદશે વાલમે , કીધો ઘરનો ત્યાગ;                               પ્રગ.
મહાવનમાં ચાલ્યા એકલા, પામી માહા વૈરાગ.                       પ્રગ.૨૨
દંડ કમંડળ હાથમાં, કટી પર કટી નો બંધ;                               પ્રગ.
કૌપીન જૂત પટ ધારિયું, તારવા નર ત્રીય અંધ.                      પ્રગ.૨૩
જલગરણું જગ નાથજી, રાખ્યું પોતા પાસ;                              પ્રગ.
માલા તુલસીની બેવડી, હરી એ પેરી હુલાસ;                           પ્રગ.૨૪
ધર્મનંદ મૃગચર્મ ને, ધર્યું હેતવધાર.                                         પ્રગ.
ચાર સારનો ગુટકો, રાખ્યો પાસ ઉદાર.                                    પ્રગ.૨૫
વિષ્ણુ બાલ મુકુંદનો , બટવો કંઠ પ્રદેશ;                                   પ્રગ.
ધાર્યો દ્રઢ કરી શ્રી હરી, માથે કુંચિત કેશ.                                  પ્રગ.૨૬
ઉપવીત સ્વેત ઓંપી રહ્યું, વામ ખભા પર સાર;                      પ્રગ.
એવે વેશે ચાલીયા, કરવા જીવ ઉધાર.                                     પ્રગ.૨૭
એકાએકી વિચારે, મહાવન ઘોર મોઝાર;                                  પ્રગ.
મનુષ્ય કોય જાવે નહિ, ત્યાં ફરે ધર્મકુમાર.                               પ્રગ.૨૮
સુર ગાયું સુરભી, ગજ ગેંડાના વૃંદ;                                          પ્રગ.
સારદુલ સિંઘ બિહામણા, બીચરે સહજ સ્વરછંદ.                      પ્રગ.૨૯
જ્યાં જ્યાં જીવન વિચારે, ત્યાં મૃગવૃંદ અપાર;                        પ્રગ.
ઘેરી વલે ઘનશ્યામ ને, પાસે રે કરી પ્યાર.                              પ્રગ.૩૦
પશુ પક્ષી અતિ પ્રીતથી, સેવ કરે સુખરૂપ;                               પ્રગ.
જે જેથી જેમ થાય છે, તે તેમ કરે અનુપ.                                 પ્રગ.૩૧
તાપ જોઇ તરણી તણો, પક્ષીગણ કરે છાય.                             પ્રગ.
ભુખ લાગે ભગવાંનને, સુરભી ત્યાં પય પાય;                          પ્રગ.૩૨
ગજ ગોવિંદને જોઇ ને, ફળ લાવે કરી પ્રીત;                             પ્રગ.
જમાડે જીવનપ્રાણને, ભવ ભરી નિત નિત.                               પ્રગ.૩૩
પશુ પક્ષી સેવા કરે, દેખી દીનદયાલ;                                      પ્રગ.
મનુષ્ય કરે તેમાં શું કહુ, એવા જન પ્રતિપાલ.                          પ્રગ.૩૪
જલચર થલચર જીવને, આપતા સુખ અપાર;                         પ્રગ.
પુલહાશ્રમ પોતે ગયા, તપ કરવા તૈયાર.                                 પ્રગ.૩૫
ગંડકી નદીમાં નાઇને, ત્રણ વખત જગત્રાત;                            પ્રગ.
ઉગ્ર તિયાં તપ આદર્યું, બહુનામી બલભ્રાંત.                             પ્રગ.૩૬
અતિશે તપ જ્યારે કર્યું, આવ્યા અર્ક તે વાર;                           પ્રગ.
પ્રાર્થના કરી પ્રેમ થી, જાણી જગ આધાર.                                પ્રગ.૩૭
શા કારણ કરો શ્રી હરી, તપ તમે શાંમ શરીર;                          પ્રગ.
દાસ તમારો દેખીને, આંણો મેહેર લગીર.                                 પ્રગ.૩૮
વચન સુણી મારતંડના, બોલ્યા ધર્મકુમાર;                               પ્રગ.
ચિંતા ન કરો ચિતમાં, નિજ ઇરછીત નીરધાર.                          પ્રગ.૩૯
હું કરું તપ તનને વિષે, દેવાને ઉપદેશ;                                    પ્રગ.
જોગી તપ જ્યારે કરે, ઝીતે કામકલેશ.                                     પ્રગ.૪૦
ધરપર ધર્મ ને ધારવા, આજ ધયોઁ અવતાર;                           પ્રગ.
હું જ્યારે તપ આદરું, સૌ કરશે નરનાર.                                    પ્રગ.૪૧
વચન સુણી વૃષનંદના, અર્ક ગયા નિજ સ્થાન;                        પ્રગ.
તપ પૂરણ કરી ચાલીયા, ઉત્તરમાં ભગવાન.                            પ્રગ.૪૨
ખરવટ ખેટ ઉલંઘતા, હિમાલયની પાસ;                                  પ્રગ.
ઘણા દિવસ ફરી શ્રી હરી, પુરી મનની આશ.                           પ્રગ.૪૩
દેખી વનમાં એકલા, જોગી નામ ગોપાલ;                                પ્રગ.
વર્ષ દિવસ રહી વાલમેં, જોગ સાધ્યો તત્કાળ.                          પ્રગ.૪૪
સિદ્ધ ગતી તેને આપી ને, ચાલ્યા ચંચળ ચિત;                         પ્રગ.
સિરપુર શેહેરમાં આવીયા , પુરુષોત્તમ કરી પ્રીત.                      પ્રગ.૪૫
માન હર્યુ ત્યાં સિદ્ધ નું, પોતે પ્રબલપ્રતાપ;                               પ્રગ.
સિદ્ધવલ્લભ ને સાધીને , શિષ્ય કર્યો જગવ્યાપ.                        ગ.૪૬
માસ ચાર રહી ચાલીયા, પિબેક વામી પાસ;                           પ્રગ.
જીતી તેને જગપતી, કીધો નિજનો દાસ.                                   પ્રગ.૪૭
પરવત નવલખો પેખવા, આપ ગયા અવિનાસ;                      પ્રગ.
નવલખ જોગી ને ભેટ્યા, હૈયે કરી હુલાસ.                                પ્રગ.૪૮
ત્યાંથી ચાલ્યા નાથજી, બાલવા નામે કુંડ;                                પ્રગ.
દરશન દૈ દયા કરી, માર્યા પાપી ઝુંડ.                                     પ્રગ.૪૯
ગંગાસાગર સંગમે, ગયા ગુણભંડાર;                                        પ્રગ.
સ્નાન કરી ખાડી તરી, દેખ્યા કપિલ ઉદાર.                              પ્રગ.૫૦
પુરુષોત્તમ પુરી પ્રીતથી, પોત્યા પ્રાણઆધાર;                           પ્રગ.
દશ મહિના રહી દેખીને, ટાળ્યો ભુમીભાર.                                પ્રગ.૫૧
દક્ષીણ દેશના દેખિયા, તીર્થ અપરમપાર;                                પ્રગ.
મહી સાભર રેવા તરી, આવ્યા ગુજર પાર.                               પ્રગ.૫૨
ભયહારી ભીમનાથમાં , આપ ગયા અખિલેશ;                          પ્રગ.
ગુણસાગર ગોપનાથમાં, આવ્યા વરણીવેશ.                             પ્રગ.૫૩
પંચતીર્થી પુરી કરી , લોજ ગયા વૃષલાલ;                               પ્રગ.
અગણીત જીવ ઓંધારવા, ત્યાં રહ્યા દિનદયાલ.                      પ્રગ.૫૪
એવી રીતે શ્રી હરી, સાત વરસ એક માસ;                               પ્રગ.
વન પરવતમાં વિચર્યા, વિશ્વ સુખદ અવિનાશ.                        પ્રગ.૫૫
જ્યાં જ્યાં જીવન વિચર્યા, ત્યાં ત્યાં ધર્મ અનુપ;                       પ્રગ.
સ્થાપન કીધો નાથજી, પાપ ટાલી દુઃખ રૂપ.                            પ્રગ.૫૬
અતિ વૈરાગ્યના વેગથી, કોઇ ટકે નહિ પાસ;                            પ્રગ.
એકાએકી વિચર્યા, મહા વનમાં અવિનાશ.                               પ્રગ.૫૭
દાસ ઉપર દયા કરી, દેવા દરશન દાંન;                                  પ્રગ.
અગણિત જીવને તારવા, લોજ આવ્યા ભગવાન.                     પ્રગ.૫૮
રામાનંદ સ્વામી મળ્યા, ઓધવનો અવતાર;                            પ્રગ.
લીધી દિક્ષા તે થકી, મનહર ધર્મકુમાર.                                    પ્રગ.૫૯
શુભ ગુણ સાગર જોઇને, શિષ્ય અતિ સુખધામ;                        પ્રગ.
અવતારી અવતારના, જાણ્યા પૂરણકામ.                                 પ્રગ.૬૦
ધર્મની ધુર તે સોપીને, સ્વામી રામાનંદ;                                  પ્રગ.
બદ્રીકશ્રમમાં ગયા, શ્રાપ રહિત સ્વછંદ.                                    પ્રગ.૬૧
તે પછી સાંમૃથ વાવર્યુ.શ્રી હરી સહજાનંદ;                               પ્રગ.
ધ્યાન ધારણા રીતને, વિદીત કરી વૃષનંદ.                              પ્રગ.૬૨
નજરે જોતા જીવ ને, તરત સમાધી થાય;                                પ્રગ.
ગોલોકાદીક ધામમાં, સેજે નર ત્રિયા જાય.                               પ્રગ.૬૩
સામૃર્થ દેખી શાંમનુ, સૌને તે કહે વાત;                                    પ્રગ.
અવતારી અવતારના, સહજાનંદ સાક્ષાત                                 પ્રગ.૬૪
એમ ચમત્કાર જીવને, દેખાડે વૃષનંદ;                                      પ્રગ.
આશ્રિત કીધા અતિ ઘણા, નરનારીનાં વૃંદ.                              પ્રગ.૬૫
જેના ઇષ્ટ જે હતા, તે તે રૂપે ત્યાર;                                          પ્રગ.
દરશન આપે દાસ ને, પોતે પ્રાણઆધાર.                                 પ્રગ.૬૬
સૌના ઇષ્ટ ને શ્રીહરી, લીન કરે નિજ માંય;                              પ્રગ.
નિજ મત્ત મુકી નર ત્રિયા, સ્વામી આશ્રિત થાય.                       પ્રગ.૬૭
આગે અવતારે કરી, જેવી લીલ કિધ;                                       પ્રગ.
તેવી ભક્તની પાસલે, આજ કરાવી પ્રસિધ.                              પ્રગ.૬૮
જેવા તેવા જીવને, તરત સમાધી થાય;                                    પ્રગ.
અક્ષર ધામમે આ સામે, આ દેહે જન જાય.                              પ્રગ.૬૯
ન દેખી ન સાંભળી, તેવી રીત ને આજ;                                  પ્રગ.
પરવરતાવી પ્રીતથી, પુરુષોત્તમ મહારાજ.                               પ્રગ.૭૦
જે કામે આ જક્તમાં ઝીત્યા ભવ સુરવૃંદ;                                 પ્રગ.
તેને ભક્તની પાસલે, ઝીતાવ્યો જગવંદ                                   પ્રગ.૭૧
તેમજ ક્રોધ ને મારિયો, લોભ ની લીધી લાજ;                          પ્રગ.
સ્નેહ માન વળી સ્વાદને, માર્યા શ્રી મહારાજ.                           પ્રગ.૭૨
પાંચ વેરી પ્રસિધ છે, ઝીત્યા કોઇથી ન જાય;                           પ્રગ.
મારી તેને વશ કર્યા, સહજાનંદ સુખદાય.                                 પ્રગ.૭૩
શિષ્ય સહીત સૌ દેશ માં, ફરતા હરતા ફંદ.                              પ્રગ.
ભુજનગરમાં ભાવથી, આવ્યા સહજાનંદ.                                  પ્રગ.૭૪
વિશકરમાની જાતના, સુંદર હીરજી નામ;                                 પ્રગ.
વાસ કરી પોતે વશ્યા, ઘેર તેને ઘનશ્યામ.                              પ્રગ.૭૫
ભાવિક ભક્યશિરોમણી, મલ તે ગંગારામ;                                પ્રગ.
એ આદિ હરિભક્ત ને, સુખ આપ્યું.સુખ ધામ.                           પ્રગ.૭૬
ભૂજનગરના ભક્તને, આપ્યા પરચા આજ;                              પ્રગ.
કેતાં ન કેવાય કોયથી, શેષજી પામે લાજ.                                પ્રગ.૭૭
ત્યાં રહી ને સઉ દેશમાં, દર્શન દેવા જાય;                                પ્રગ.
ભુજનગરને ભાલીને, પોતે રાજી થાય.                                      પ્રગ.૭૮
એવી રીતે મહાપ્રભુ, સાત વરસ સુખકંદ;                                 પ્રગ.
ભયભંજન ભુજ ધામમાં, વાસ કર્યો વૃષનંદ.                             પ્રગ.૭૯
માહારુદ્ર મોટા કર્યા, જેતલપુરમાં નાથ;                                    પ્રગ.
અગણિત દ્રિજ જ્માડીયા, ત્રપત કર્યા સુરસાથ.                        પ્રગ.૮૦
મંદિર મોટા મહાપ્રભુ, કીધા ઠામોઠામ;                                      પ્રગ.
પધરાવ્યા દેવ પ્રીતથી, નરનારાયણ નામ.                              પ્રગ.૮૧
દેશોદેશમાં વિચર્યા, સંત મંડલ લૈ સંગ;                                   પ્રગ.
બોધ દીધો બહુ જનને, ઉરમાં કરી ઉમંગ.                                 પ્રગ.૮૨
એકાંતિક ધર્મ થાપીઓ, કાપ્યા કલીનાં મૂળ;                            પ્રગ.
ગૌ બ્રાહ્મણ સંત કારણે, દેહ ધર્યો વૃષકુલ.                                 પ્રગ.૮૩
મતપંથી સૌ જીતીયા, પોતાને પરતાપ;                                   પ્રગ.
ધર્મનું ફૂલ તેડાવિયું, હરવા જનનાં પાપ.                                 પ્રગ.૮૪
જયેષ્ઠ અનુજ બેઉ ભ્રાતના, પુત્ર તે પરમ પુનીત;                   પ્રગ.
નિજ સુત કીધા નાથજી, કરવા કામ અમિત.                            પ્રગ.૮૫
રામ પ્રતાપના પુત્ર છે અવધપ્રસાદ ઉદાર;                             પ્રગ.
છોટા ઇરછારામના, રઘુવીર ગુણ ભંડાર.                                  પ્રગ.૮૬
નિજ ગાદી પર નાથજી, પધરાવ્યા કરી પ્રીત;                          પ્રગ.
દીધા વેચી સંતને, સતસંગ સ્નેહ સહીત.                                  પ્રગ.૮૭
અપાર સાંમૃથ વાર્વ્યું, અવતારી આવાર;                                 પ્રગ.
મોક્ષને મારગ મહાપ્રભુ, ચલાવ્યા નર ને નાર.                        પ્રગ.૮૮
ગોવિંદ ગઢપુરમાં રહી, કીધા ઉચ્છવ સાર.                               પ્રગ.
એભલ નૃપના વંશને, આપ્યું સુખ અપાર.                                પ્રગ.૮૯
સમૈયાં ત્યાં બહુ કર્યા, સુંદર સહજાનંદ ;                                   પ્રગ.
સુખ ત્યાં આપ્યું સંત ને, કોમળ કરુણાકંદ.                                પ્રગ.૯૦
શિક્ષાપત્રી શ્રીહરી, કીધી શિક્ષા કાજ;                                        પ્રગ.
ભયહરી ભ્રતખંડમાં, બાંધી મોક્ષની પાજ.                                 પ્રગ.૯૧
આ સામે સાંમૃથ વાર્વ્યું, માપ ન થાય લગાર;                         પ્રગ.
માહાકલીકાલ માં તારીયાં, અગણિત નર ને નાર.                   પ્રગ.૯૨
તાર તે અક્ષરધાંમનો, બાંધ્યો ધરમકુમાર;                               પ્રગ.
ત્યાંની વાતું ઐ કરે, ઘેર બેઠા નરનાર.                                     પ્રગ.૯૩
પુરુષોત્તમપણું આ સમે, પોતે વાર્વ્યું પ્રીત;                               પ્રગ.
નોતી દીઠી સાંભળી, એવી ચલવી રીત.                                  પ્રગ.૯૪
એવી રીત્યે શ્રીહરી, કીધા અગણિત કામ;                                 પ્રગ.
નિજ ઇરછીત નિજ ધામમાં, આપ ગયા ઘનશ્યામ .                 પ્રગ.૯૫
ઓંગણપચાસ વર્ષ ને, માસ ઉભય દિન એક;                          પ્રગ.
દેહ રાખ્યો દયા કરી, ધર્મ તનય ધરી ટેક.                               પ્રગ.૯૬
સીખે ગરબો સાંભળે, ગુનીજન હેતે ગાય;                                 પ્રગ.
પાપ બળે તે પ્રાણીના, સર્વે સીધી થાય.                                  પ્રગ.૯૭
પાઠ કરે જન પ્રીતથી, દિવસ માં એકવાર;                               પ્રગ.
પરિશ્રમ વિના પામશે, ભવસાગરનો પાર.                                પ્રગ.૯૮
ઓગણીશે પચીસના, સુંદર અસાઢ માસ;                                 પ્રગ.
સપ્તમી શુકર સુદમાં, ગરબો કીધો હુલાશ.                               પ્રગ.૯૯
ભુજનગરમાં ભાવથી, સંતત કરી તે વાસ;                               પ્રગ.
નરનારાયણ દેવની, પ્રીતે રહી ને પાસ.                                   પ્રગ.૧૦૦
કીધો ગરબો હેતથી, જનને ગાવા કાજ;                                    પ્રગ.
દાસ જાણી રાજી થજ્યો, મુજપર શ્રી મહારાજ.                         પ્રગ.૧૦૧
શ્રીતાજન જે સાંભળો, નરનારીનાં વૃંદ;                                     પ્રગ.
થાવો પ્રશન્ન મુજ ઉપર્યે, કવિ કે અવિનાશાનંદ                        પ્રગ.૧૦૨
 

મૂળ પદ

અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં;

રચયિતા

અવિનાશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી