મન અબ તેરો કહ્યો નહીં માનું, મિલે મોય હરિ સુખદાનું૧/૪

મન અબ તેરો કહ્યો નહીં માનું, મિલે મોય હરિ સુખદાનું મન. ||ટેક ||

તેરે વશ હોહી ભવ ઇન્દુ, ભૂલ ગએ યુંહી જાનું.

તેહી કારન માયા તન નાશન, ઉર ધરીહું હરિ ભાનું. મન.

કામ ક્રોધ મદ લોભ તજી કે, હરિ મૂર્તિ ચિત આનું.

પ્રભુ પદ પંકજ છોરી કે મનવા ઓર મેં ચિત નહીં ઠાનું. મન.

જો જન મન તેરે વશ હોવત, સૌ દુઃખ પાવત નાનું.

મંજુકેશાનંદ કે તાતે, હરિ કે ગુન મૈં વખાનું. મન.

મૂળ પદ

મન અબ તેરો કહ્યો નહીં માનું, મીલે મોય હરિ સુખદાનું

રચયિતા

મંજુકેશાનંદ સ્વામી

ઉત્પત્તિ

મંજુકેશાનંદ સ્વામીનો જન્મ સોરઠના જૂનાગઢ પાસેના માણાવદર ગામે પટેલ જ્ઞાતિમાં થયો હતો. સ્વામીનો જન્મ ક્યારે થયો એનો કોઈ ચોક્કસ આધાર મળ્યો નથી. એમનું પૂર્વાશ્રમનું નામ ભીમજીભાઈ હતું. એમના પિતાનું નામ વાલાભાઈ અને માતાનું નામ જેતબાઈ હતું. વાલાભાઈ અને જેતબાઈ ભગવાન સ્વામિનારાયણનાં અનન્ય ઉપાસક હતાં. સદ્‍ગુરુ સ્વયંપ્રકાશાનંદ સ્વામીનો જોગ થવાથી નવયુવાન ભીમજીને સત્સંગનો રંગ લાગ્યો હતો અને અંતરમાં વૈરાગ્યના અંકુરો ફૂટ્યા હતા. માતુશ્રી જેતબાઈને નાનો પુત્ર ભીમજી ખૂબ જ વહાલો હતો છતાં પણ એમણે રાજી થઈને પોતાના વહાલસોયા પુત્રને સાધુ થઈને ભગવાન સ્વામિનારાયણની સેવામાં જોડાવા રજા આપી હતી. ભગવાન સ્વમિનારાયણે ભીમજીને સાધુ કરી ‘મંજુકેશાનંદ’ નામ પાડ્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રકાંડ વિદ્વાન નિત્યાનંદ સ્વામી પાસે એમણે સંસ્કૃતનો ઉચ્ચ અભ્યાસ કર્યો હતો. ગુજરાતી ઉપરાંત હિન્દુસ્થાની તેમજ મરાઠી ભાષા ઉપર એમનું અનોખું પ્રભુત્વ હતું. તેઓ વૈદક શાસ્ત્રમાં પણ એટલા જ પ્રવીણ હતા. ખાસ કરીને મહારાષ્ટ્રમાં એમણે સત્સંગનો ખૂબ જ પ્રચાર કરી મંદિરો બંધાવેલાં છે. સદ્‍ગુરુ મંજુકેશાનંદ સ્વામીએ અનેક ગ્રંથો અને સેંકડો પદોની રચના કરેલી છે. ધરતી પોતાની ધરીની આસપાસ પરિભ્રમણ કરે એમ સ્વામીનાં કીર્તનો પ્રગટ હરિની ભક્તિરૂપી ધરી ઉપર પરિભ્રમણ કરે છે. મંજુકેશાનંદ સ્વામીનાં કાવ્યોનો સંગ્રહ વરતાલ સંસ્થા તરફથી પ્રકાશિત થયેલો છે. એમણે રચેલા ‘તારી મૂરતિ લાગે છે મને પ્યારી રે...’ જેવાં કીર્તનો આજે પણ ઠેર ઠેર ગવાય છે. એમનો અક્ષરવાસ આશરે વિ. સં. ૧૯૧૧માં થયો એમ મનાય છે. પરંતુ એમણે વહાવેલી કીર્તનભક્તિની સરીતા આજે પણ આપણને પાવન કરે છે અને કરતી રહેશે.

વિવેચન

આસ્વાદ પોતાના મન સાથે સંવાદ કરતાં સ્વામી કહે છે, ‘હે મનવા! જનમોજનમ તારું માનીને હેરાન થયો હવે હું તારું નહીં માનું.’ મનનો સંગ દુ:ખ છે જ્યારે મનમોહન શ્રીહરિનો સંગ સુખદ છે. મનની માયામાં ભલભલા દેવતાઓ અને મુનિવરો પણ ભાન ભૂલ્યા છે. મનની માયાનો અંધકાર વ્યાપે નહીં માટે સ્વામી કહે છે, ઉર ધરીહું હરિ ભાનું ‘મારા હૃદયમાં શ્રીહરિરૂપ સૂરજને ધારણ કર્યા છે.’ મારા ચિત્તમાં શ્રીહરિ સિવાય કોઈને સ્થિર નહીં થવા દઉં. જો જન મન તેરે વશ હોવત, સો દુ:ખ પાવત નાનું હે મનવા! તારે વશ થઈને જીવ અનેક પ્રકારનાં દુ:ખ ભોગવે છે જ્યારે શ્રીહરિના ચરણકમળમાં ચિત્ત જોડવાથી તમામ પ્રકારનાં દુ:ખોમાંથી મુક્તિ મળે છે. માટે હવે તો હું એના જ ગુણ ગાઈશ. આ પદ બિહાગ રાગમાં છે. મન સાથે સંવાદનાં આવાં ચાર પદ સ્વામીએ રચ્યાં છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી