ધર્મકુંવર ક્યારે આવશો, મન મળવાને ચાય ૧/૧

ધર્મકુંવર ક્યારે આવશો, મન મળવાને ચાય (૨)
નાથ ન મેરા કેમ થયા , આવો ત્રિભુવનરાય (૨) ધર્મ. ||ટેક||
જેઠે જીવન ચાલીયા, જાઇ વસ્યા પ્રદેશ. (૨) ધર્મ.
મોહનજીએ ન મેલીયો, મુને કાઇ સંદેશ (૨) ધર્મ.૧
બાર તપે રવી આકરો, માંઇ વિરહનો તાપ (૨) ધર્મ.
શ્યામ વિના મારે અંતરે, અતિ થાય છે ઉતાપ (૨) ધર્મ.૨
અષાડ માસે ઉમંગી, આવ્યો મેઘ ઘનઘોર (૨) ધર્મ.
ગરજ કરી લાગ્યો વરસવા, નાવ્યા ધર્મ કિશોર (૨) ધર્મ.૩
ગરજ સુણી હરિ સાંભરે, ચિત વ્યાકુલ થાય (૨) ધર્મ.
શ્યામ વિના ગમતું નથી, પળ જુગ સમ જાય (૨) ધર્મ.૪
શ્રાવણ નાખે સરડવા, નદી નીરે ભરાય (૨) ધર્મ.
બપૈયા પીયુ પીયુ કરે, મોર માંડે કળાય (૨) ધર્મ.૫
એ રતમાં અલબેલડા, મુનિવરના હો મિત (૨) ધર્મ.
ઉનમત ગંગાના નીરને, કરો નાથ પુનીત (૨) ધર્મ.૬
ભાદરવામાં ભૂધરા, કરે ઘન બહુ જોર (૨) ધર્મ.
વીજલડી ચમકા કરે, કરે મોર ઝીગોર (૨) ધર્મ.૭
શ્યામ વિના હવે શું કરૂં , હૈયે દુઃખ દરીઆવ. (૨) ધર્મ.
વીજળી કેમ પડતી નથી, નાવે મોહન માવ (૨ધર્મ.૮
આસો માસે તો શ્રી હરિ, દશરાને હો દન (૨) ધર્મ.
ઘોડા ખેલવતા સાંભળી, દાજે અબળાના તન (૨) ધર્મ.૯
દિવાળીના દિનમાં, સરવે કરે કલોલ (૨) ધર્મ.
વાલા વિના મારે અંતરે, ઉઠે અગ્નિની ઝાળ (૨) ધર્મ.૧૦
કારતકે નાવ્યા કૃષ્ણજી, કમળાના હો કંથ (૨) ધર્મ.
આવી ઉત્સવની એકાદશી, જોવા મળીયા છે સંત (૨) ધર્મ.૧૧
ઉત્સવ કરવા આવીએ, કરી મોહન મેર (૨) ધર્મ.
સંઘ આવ્યા દેશ દેશના, વરતાલય શહેર (૨) ધર્મ.૧૨
માગશર માસે માવજી, નાવ્યા નાથ સુરંગ (૨) ધર્મ.
અંતરે દુઃખનો દવ બળે, નવ ડસીયો ભોરંગ (૨) ધર્મ.૧૩
એ રતમાં મારા નાથજી , સર્વે શીતળ થાય (૨) ધર્મ.
તમરે વિના ઘનશ્યામજી, તન તાપ ન માંય (૨) ધર્મ.૧૪
પોષે તે પ્રીતમ નાવિયા, શીત શોસે છે સંત (૨) ધર્મ.
પીયુ વસ્યા પરદેશડે, દુઃખે વીતે છે દિન (૨) ધર્મ.૧૫
વાલા વિના નિજ દિલનું, દુઃખ કેને કહેવાય (૨) ધર્મ.
અંતરજામી આવીને, મારી કરજો સહાય (૨) ધર્મ.૧૬
મહા મૈને મારા ચિત્તમાં, નથી રેતી હો ધીર (૨) ધર્મ.
વસંત વધાવે સૌ મળી, નાવ્યા શ્યામ શરીર (૨) ધર્મ.૧૭
વસંત રમો હરિ હેતથી, છાંટો રંગ ગુલાલ (૨) ધર્મ.
રસ બસતા જોઇ નાથને, વાધે અંતર વાલ (૨) ધર્મ.૧૮
ફાગણ ફૂલે ફૂલીયો, સર્વ ગાય છે ફાગ (૨) ધર્મ.
વાલા વિનારે શું જીવવું, ભૂમિ દે નહીં માગ (૨) ધર્મ.૧૯
નરનારી તે હોળી રમે, છાંટે કેસર રંગ (૨) ધર્મ.
તે જોઇને મારે અંતરે, નથી રેતો ઉમંગ (૨) ધર્મ.૨૦
ચૈતર માસે ચિતમાં , ઘણી ચિંતા રે થાય (૨) ધર્મ.
વ્રજ થઇ મારી છાતડી, પાપી પ્રાણ ન જાય (૨) ધર્મ.૨૧
રામનવમી રળિયામણી , નિજ જનમનો દિન (૨) ધર્મ.
આવો જમાડું મંગળ કરૂં, પહેરો વસ્ત્ર નવીન (૨) ધર્મ.૨૨
વૈશાખે વન મોરિયા, મોર્યા આંબા અશોક (૨) ધર્મ.
કોયલડી કરે ટહુકડા, સુણી થાય બહુ શોક (૨) ધર્મ.૨૩
એ રતમાં મારા વાલમાં, આવો મળીયે હો નાથ (૨) ધર્મ.
દુઃખિયા જાણી નિજદાસને, આવી જાલોને હાથ (૨) ધર્મ.૨૪
બાર માસ પુરા થયા, આવ્યો અધિક માસ (૨) ધર્મ.
વાટ જોઇ જોઇ હારિયા નાવ્યા કમળ નિવાસ (૨) ધર્મ.૨૫
અરજી સુણી ઘનશ્યામ જી, આવો આનંદ કંદ (૨) ધર્મ.
કર જોડી વિનતી કરે, મંજુકેશાનંદ (૨) ધર્મ.૨૬

મૂળ પદ

ધર્મકુંવર ક્યારે આવશો, મન મળવાને ચાય

રચયિતા

મંજુકેશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી