પદ ૨૬ (રાગ : વણઝારો )
પદ ૨૬
સુણો હરિજન સૌ હિતકારી, જોયા જીવન કુંજવિહારી;
શિર પાઘ ધરી નવરંગી, તોરા મોતીના નવલ કલંગી રે;
ધર્યા છોગલિયાં સુખકારી.જોયા જીવન.૧
કાજુ તિલક ઝળકે ભાલે, એક ટીબકડી છે ગાલે રે;
અતિ આંખડી અજબ પિયારી.જોયા જીવન.૨
નાસા નમણી શુક સમાન, અધરબિંબ અધિક રૂપવાન રે;
મંદ મંદ હસે છે મોરારી.જોયા જીવન.૩
કાને કુંડળ મકરાકાર, જામો જરીનો છે બુટ્ટાદાર રે;
જોઇ લાજે રતિપતિ ભારી.જોયા જીવન.૪
સભા ભરી બેઠા સુખધામ, આસપાસ સખા છે તમામ રે;
મધ્યે બિરાજે શ્રી અવતારી, જોયા જીવન.૫
બાંયે બાજુ કાજુ શુભ છાજે, હાથે હેમકડાં રૂડાં રાજે રે;
પોંચી વીંટી શોભે અતિસારી.જોયા જીવન.૬
પહેર્યા ગુલાબના ઉર હાર, ત્યાં ભ્રમર કરે છે ગુંજાર રે;
જોઇ મોહ પામી સુરનારી.જોયા જીવન.૭
હસ્તકમળમાં છે રૂમાલ, ખભે શેલું સોનેરી સુરવાળ રે;
નાડી ફૂમકિયાળી સુખકારી.જોયા જીવન.૮
કટિ કંદોરો ઘુઘરીયાળો, પાયે ઝાંઝરનો ઝમકારો રે;
બોલે અમૃત વેણ ઉચારી, જોયા જીવન.૯
સખા મધ્યે તે સુંદર શોભે, જોઇ નારણદાસનું મન લોભેરે;
જાય બળવંતપર બલિહારી.જોયા જીવન.૧૦