પદ-૭૬(બીડીયો વિષે)
પદ-૭૬ (રાગ :કાચબા કાચબિના ભજનનો)
બીડીયો પીયે બુરા, ખરેખર પાપના પુરા.ટેક.
બીડીયો પીધે બગડે બુદ્ધિ, વધે ઘણો વટાળ;
ચોખે મોઢે ચાટવી પડે, લાખ મનુષ્યની લાળ.બી.૧
બ્રાહ્મણ ક્ષત્રિ વૈશ્ય ને શુદ્ર, વર્ણ કહીએ ચાર;
સૌ સૌના ધર્મ સુચવી જુઓ, કોને એનો અધિકાર.બી.૨
નરનારીને નાનાં મોટાં, વૃદ્ધ જવાન ને બાળ;
મનુષ્ય જાતિ ભાંગ પીયે તે, જાણવો તે ચંડાળ.બી.૩
બીડીઓ ચારે પોર પીયે પણ, ભૂખનું દુઃખ ન જાય;
પાંપળ્યા મુકીને પ્રભુને ભજો તમે, ધુમાડે શું ધરાવાય.બી.૪
જે મુખમાં જગદિશને જપીયે, ખટરસ ખાંતે ખવાય;
તે મુખમાં લઇ તમાકુ ઘાલે, પાપી તે પુરો થાય.બી.૫
ખાવી પીવી સુંઘવી એવાં, તમાકુનાં ત્રણ અંગ,
જિજ્ઞાસુ જનને જાણી લેવું, કળીમાં એ જ કુસંગ.બી.૬
અજાણે તમાકુ ઉતરે ગળે તો, તરત વમન થાય;
ખર શુકર ને ઢોર ઇત્યાદિ, પશુ પણ નવ ખાય.બી.૭
હોકો પૂરી મેલવશે પોકો, ધોકો લગાવશે જમ;
છિંકણી હૈયાધિકણી થાશે, ખરું કહું ખાઇ સમ.બી.૮
બીડીઓ પાપનું બીડું લઇને, જાશે સંયમની શહેર;
હુકો ચોરાશીનો રૂકો લઇને, આવશે તેડવા ઘેર.બી.૯
વેહમ વિષય ને વ્યસન પુરાં, વળગ્યાં જેને અંગ:
મોક્ષ મારગમાં વિઘનકારી, પાડે ભજનમાં ભંગ.બી.૧૦
મફર માજમ ભાંગ્ય તમાકુ, અફિણ જે જન ખાય;
તે જન મર્ણ પામીને પોતે, જમપુરીમાં જાય.બી.૧૧
હરિજન થઇને બિડી પીયે તો, દુર્જન મેણાં દે;
સત્સંગમાં પણ શોભે નહિ ને, છેવટ અવગુણ છે.બી.૧૨
સંશય પડે તો સ્કંદ પુરાણમાં, જોજ્યો કહ્યું સાક્ષાત;
નારદ પ્રત્યે વિસ્તારીને, વિધિએ કીધી વાત.બી.૧૩
અફીણી કલ્પ એક સુધી ને, તમાકુ તે શત ત્રણ;
મદિરાવાળો સહસ્ત્ર લગી નરક, ભોગવે પામી મર્ણ.બી.૧૪
બીડીઓ બાળે ધર્મ ના પાળે, વપુ વટાળે જેહ;
નારણદાસ નાથને જરી, ગમતા નથી તેહ.બી.૧૫