પદ-૧ (રાગ :ચોપાઇ)
પદ-૧૧૦
મરછ રૂપ ધર્યું તે મોરાર, વિધિ વેદ વાળી લાવ્યા ચાર;
શંખાસુરનો કીધો સંહાર, તેને કોણ ન માને ગમાર.૧
બની વારાહ નિજ ઇચ્છાથી, લાવ્યા ભૂમિ રસાતળમાંથી;
હિરણ્યાને હણ્યો અસુરાર, તેને કોણ ન માને ગમાર.૨
નરસિંહ રૂપ ધર્યું નરવિર, માર્યો હિરણ્યકશિપુ અચિર;
ભક્ત પ્રહલાદની કરી સાર, તેને કોણ ન માને ગમાર.૩
વપુ વામન ધરિયું રૂપ, છળ્યો બળીરાજા મોટો ભૂપ;
પછી રહ્યા તેને દરબાર, તેને કોણ ન માને ગમાર.૪
પરશુ રૂપ ધરી ફરસી લીધી, વસુંધરા નક્ષત્રી કીધી;
હણ્યા ક્ષત્રિ એકવીશ વાર, તેને કોણ ન માને ગમાર.૫
રામ રૂપ ધર્યું રણધીર, માર્યો રાવણ પ્રૌઢ શરીર;
વાળી લાવીયા સીતા નાર, તેને કોણ ન માને ગમાર.૬
કૃષ્ણ ગોવરધન ધાર્યો, વળી મામા તે કંસને માર્યો.
હણ્યા દૈત્યોને ઉતાર્યો ભાર, તેને કોણ ન માને ગમાર.૭
બુદ્ધ અવતાર મોહ પમાડી, હણ્યા અસુરો દૈત્ય અનાડી;
કર્યા જીવ ઘણા ભવપાર, તેને કોણ ન માને ગમાર.૮
રૂપ કલકી કેશવ થાશે, ત્યારે કળીમળ કુસંગ જાશે;
ધર્મ સ્થાપશે તે સદાચાર, તેને કોણ ન માને ગમાર.૯
દસ આદિ ચોવિસ અવતાર, ધરી ઉતારે ભુમીનો ભાર;
જ્યારે અધર્મ થાય અપાર, ત્યારે પ્રભુ ધરે અવતાર.૧૦
જે જે સમે જે જે અવતાર, હોય તેને ભજે નરનાર;
તે તો ઉતરે ભવજળ પર, તેમાં સંશય નહિ લગાર.૧૧
આજે ભક્તિ ધર્મના કુમાર, આવ્યા તારવા જીવ અપાર;
તેને ભજો ધરી અતિ ભાવે, એમ દાસ નારાયણ ગાવે.૧૨