પદ-૧(રાગ :મને વ્રજવાસ છે વ્હાલો રે)
પદ-૧૪૫
ભલે કરો નિંદા મારીરે(૨)નથી મને દુઃખ લગારીરે.ટેક.
નિંદા ભાખે ધૂળ જ નાખે ઉલટી મુકે આળ,
તેમજ તિરસ્કાર કરીને દિયે ઘણેરી ગાળ;
ઘણું જીવો તે નરનારી રે (૨) ભલે.૧
પ્રાચિન કે આધુનિક સમયમાં જે જે કર્યા હશે પાપ;
તે પાપ લેશે નિંદક પ્રાણી શુદ્ધ થશે દિલ આપ;
ધોશે મળ વિના વારી રે.(૨) ભલે.૨
કુટિલ કઠણ વચન કહે ક્રોધ કરી મનમાંય,
ક્ષમા કરે તેનાં પાપ કરેલાં ક્રોધીને શિર જાય;
વચન એ વેદનાં ધારી રે.(૨)ભલે.૩
મશ્કરી ઠેકડી ઠગ બાજી ને હાંસી કરે કો હજાર,
પ્રભુની સાથે પ્રીત કરી હવે સંસાર શું કરનાર;
મળ્યા મને દેવ મોરારી રે.(૨) ભલે.૪
લોકની શંકા લેશ ન ધારું છોને બોલે ગમે તેમ,
પશુને પાડે પ્રિછું તેને સિંહ ફરે વન જેમ;
એવું નિજ મન વિચારી રે(૨)ભલે.૫
હસ્તિ ઉપર બેઠો પુરુષ ઉમંગ અંગ અપાર,
શ્વાન ભસ્યાની શંકા તેને હોય જ નહિ લગાર;
મતિ પણ તેમજ મારી રે.(૨)ભલે.૬
સર્વ મુદો હાથ આવ્યો ને કસર ન રહી કાંઇ,
પ્રગટ પ્રભુ પૂરણ પામી સર્વોપરી સુખદાઇ;
વધ્યો ઉર આનંદ ભારીરે.(૨)ભલે.૭
દુનિયાની દરકાર ન ધારું શિર છાજે અવિનાશ;
ધીંગો ઘણી મળ્યા ધર્મકુંવર કહે છે નારાયણદાસ;
વસ્યા ઉર વિશ્વ વિહારી રે.(૨)ભલે.૮