સખી કારતક મહિને કંથ મુજને મેલીરે;૧/૧

પદ-૧/૧(રાગ :સખી પડવાની પણ પ્રીત ઘટમટ)
પદ-૨૩૨
સખી કારતક મહિને કંથ મુજને મેલીરે;
ગયા તરછોડી ભગવંત દુઃખમાં ઠેલીરે.૧
સખી માગશર મહિને મોહ લગાડ્યો ભારીરે;
મને અધવચ મેલીને ગયા ગિરધારીરે.૨
સખી પોષ મહીને રોષ રાજ ના કરશોરે;
મુજ દોષ તણો નહિ પાર ઉર નવ ધરશોરે.૩
સખી મહા મહીને મહા દુઃખ મુજને દીધુંરે;
પેલી કુબજાએ મુજ કંથ કામણ કીધુરે.૪
સખી ફાગણ મહીને ફાગ રમીયે હોરીરે;
તમે આવોને અલબેલ જીવન દોરીરે.૫
સખી ચઇતર મહિને ચિત્ત ચિંતા પામેરે;
તમે આવો મારા કંથ ઠરીએ ઠામેરે.૬
સખી વૈશાખે હું વાત જોઉં છું ઉભીરે;
કરી કુબજા ઉપર મહેર મુજને દુભીરે.૭
સખી જેઠ મહિને ઠેઠ જઇ કોઇ કેજોરે;
આજ દયા કરીને નાથ દરશન દેજોરે.૮
સખી અષાઢ મહિને મેઘ ત્રુઠી આવ્યોરે;
હું એકલડી ઘરમાંય નાવલીયો નાવ્યોરે.૯
સખી શ્રાવણ મહિને શ્યામ સુખડાં આપોરે;
ઘેર આવીને અલબેલ દુઃખડાં કાપોરે.૧૦
સખી ભાદરવે ભરપુર નદિયો ચાલીરે;
મારા પીયુ ગયા પરદેશ સેજલડી ખાલીરે.૧૧
સખી આસો મહિને આશ પુરો મારીરે;
ગયા વિતી બારે માસ કુંજવિહારીરે.૧૨
સખી અધિક મહિને આજ રસિયો આવ્યારે;
મેં થાળ ભરીને આજ મોતિડે વધાવ્યારે.૧૩
હું જન્મો જન્મની નાથ દાસી તમારીરે;
દાસ નારણના છો નાથ તમપર વારીરે.૧૪

મૂળ પદ

સખી કારતક મહિને કંથ મુજને મેલીરે;

મળતા રાગ

સખી કારતક મહિને કંથ મુજને મેલીરે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી