૧૧૯ ૧/૧ રાગ પરજ.
અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા એ રાગ છે.
અરજી ઉચારૂં રે, શ્રીહરિ હું સ્નેહથી રે, સુણો તમે કૃપા કરી પરમેશ,
બ્રહ્મપુર નામે રે તખ્ત છે અનુપ રે, તેમાં હરિ બીરાજો આપ હંમેશ. અરજી.૧
કાયા નગરીથી રે લીખીતંગ જાણજો રે, હરિ મારૂ જીવોજી છે શુભ નામ,
હુકમ તમારે રે બેઠો છું ગાદીયે રે કાયાગઢ હાથ કર્યો છે તમામ. અરજી.ર
દીધી મેં દીવાનીરે લીધી બુદ્ધિ સાગર રે ઠરાવ્યો મેં હિંતમસિંહ ફોજદાર,
ઉદ્યમસિંહને રે પાસે રાખ્યો પ્રીતશું રે કર્યો તેને કાયમ મેં કીલ્લીદાર. અરજી.૩
વિવેકી વિચારીને મિત્ર મેં ઠરાવીયા રે, માનસિંહ મુસદી છે પુરમાંય,
બંદોબસ્ત સારો રે રાખે છે તે રોફથી રે, જેમાં કદી અવર થકી ન પેસાય. અરજી.૪
રોગ રૂપી ચોરો રે ખાતર જે પાડતા રે, વૈદનાથ કોટવાળે કર્યો બંધ,
એવી રીતે સારો રે નગરીમાં ચોંપથી ભારે મેં તો પૂરણ બાંધ્યો પ્રબંધ. અરજી.પ
એવામાં તો આવ્યો રે હુકમ હજુરથી રે, લાવ્યો અહીં જરાદે જપતિદાર,
ધોળા કેશો રૂપી રે તંબુ તેણે તાણીયા રે ગભરાયો હિંમતસિંહ તેહવાર. અરજી. ૬
ઉધમસિંહ તો રે થઇ બેઠો આળસુ રે પોતાનું તે સંભાળે નહિ કશુ કામ,
મદનરાયે તો રે ફેલાવી ફોજને રે પણ તેના હણહણે અશ્વ તમામ. અરજી. ૭
ઉજડ થયેલાં રે ગણાવું હું ગામને રે, પેલું એણે લુટ્યું આવી પેટલાદ,
પાવાગઢનેતો રે થડ થકી પાડિયો રે, તોડ્યો ગઢ ભુજનો વગર વિવાદ. અરજી. ૮
કાનપુર કેરારે પાયાતો ઉખાડીયા રે, દાંતાને તો ડગાવ્યું ભલી ભાત,
શિરોઇની સીમે રે ખેતી ન દે પાકવારે, આવી એણે ખળભળાવ્યું રે ખંભાત. અરજી. ૯
હુકમ અમારો રે હવે નથી ચાલતો રે, માટે અમે આવશું આપની પાસ,
અરજી સુણીને રે જગદીશાનંદની રે, દેજો હવે શ્રી હરિ ચરણ નિવાસ. અરજી. ૧૦