અચાનક આકાશેથી અંગારાની વૃષ્ટિ થાય, ૧/૨

 ૩૫૭ ૧/૨ મનહર છંદ
અચાનક આકાશેથી અંગારાની વૃષ્ટિ થાય,
પડે પૃથ્વીમાં વારે વારે તે તડાતડી.
ઘર વન શૈલ ચારે કોરથી સળગી ઉઠે,
ફાટે કાળા પથ્થર તે બોલે છે ફડા ફડી.
પ્રચંડ પવન જોર ઝપાટેથી વાવા લાગ્યો,
તેથી ઉડે કાંકરાની અતિશે કડા કડી.
કહે જગદીશાનંદ ઉડી ઉડી અચાનક,
લાગે માણસોને તે તો ઘડામાં ઘડા ઘડી. ૧

મૂળ પદ

અચાનક આકાશેથી અંગારાની વૃષ્‍ટિ થાય,

રચયિતા

જગદીશાનંદ બ્રહ્મચારી

ઉત્પત્તિ

                      શ્રી સ્વામિનારાયણાય નમઃ
                      શ્રીહરિ દેહોતસર્ગ પ્રારંભઃ
                            માલિનીવૃત્ત
ધરિ નર તનુ શ્રીજી આ ભુમીમાં પધાર્યા
સુખ દઈ જનને બૌ સ્નેહ ચિત્તે વધાર્યા.
અતિશય સુખ આપી ને પછીથી વિછીયાં
નર ત્રિય દુઃખ પામી અશ્રુ પુર્ણથી રોયાં.    ૧
 
                            ઉપજાતિવૃત્ત.
            તજી તનૂ સંત ગૃહસ્થ જોતે, ગયા પ્રભુ અક્ષર ધામ પોતે.
            કહું હવે તેહ સમાનિ વાત, સુણી સુણી શોક વધે અઘાત. ર
શ્રી અક્ષરરાતીત પુર્ણ પુરૂષોતમ સહજાનંદ સ્વામી આ પૃથ્વી ઉપર પધારી દુર્ગપુરમાં રહ્યા થકા આખા સત્સંગમાં ફરી ત્યાગી ગ્રહસ્થ બાઈ ભાઈ સર્વેને અત્યંત સુખ આપી અનેક કાર્ય કરીને પોતે સ્વધામ જાવાનો સંકલ્પ દ્રઢ કરી શરીરમાં મંદવાડનો દેખા દર્શાવ્યો. તે સમે જુનાગઢનાં મંદિરનાં ઉપલા શિખર ત્રણે અધુરાં રહેલાં તેથી મહારાજ કહે જુનાગઢ કોણ જાશે? તે સાંભળી મહારાજને શરીરે મંદવાડ હતો તેથી કોઈ પણ બોલ્યું નહિ. તે જોઈને મહારાજ કહે કે અમે જાસુ, પણ સોરઠ દેશમાં રામાનંદ સ્વામીનો સત્સંગ છે તે ચુંથાવા નહિ દઈએ. એટલે મુકતાનંદ સ્વામી જાવા તૈયાર થયા, ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે હું જઈશ. તે સાંભળીને શ્રીજી મહારાજ બહુજ રાજી થયા ને બ્રહ્માનંદ સ્વામીને તથા તેમના મંડળના સાઘુને ત્રણ દિવસ સુધી પોતે થાળ જમીને તે પ્રસાદી પોતાને હાથે પિરસીને જમાડી છાતીમાં ચરણાવિંદ આપ્યા. પછી બ્રહ્માનંદ સ્વામી મહારાજને દંડવત કરી પગે લાગી ને ચાલ્યા. પણ મનમાં, એવો ભય રહ્યો જે મહારાજ રખે મને છેતરીને ધામમાં ચાલ્યાં જાય, એવો વિચાર કરતા થકા જયાં તે ઘેલા નદી ઉતરીને આઘેરા ગયા ત્યાં હરણ ડાબા, ઉતર્યા, એ અપશુકન જોઈને બ્રહ્માનંદ સ્વામી તો ત્રાસ પામી હબક ખાઈને ઉભા થઈ રહ્યા ને કહે કે,
 
                                     દોહરો,
                 હરણ એહ સુખનાં હરણ, હરણ બુદ્ધિ બળ હરણ
                 હરણ તેજ હિમ્મત હરણ, હરણ પ્રાણ તન હરણ
એમ કહીને ઝાઝી વાર સુધી ઉભા થૈ રહ્યા ને કહે કે જો જાશું તો મહારાજનાં દરશન નહિ થાય, ને પાછા જાઈએ તો મહારાજ કુરાજી થાય, એમ ઉભય તો રજજુ પાશ જાણી મહારાજની આજ્ઞા ઉપર વ્રતિ રાખીને સૌ ચાલ્યા, જુનાગઢ જઈને મંદિરનું કામ શરૂ કર્યુ અને અહીં મહારાજે તો શરીરે વધારે મંદવાડ દરસાવવા માંડયો, પછી પોતે વિચાર કર્યો, જે મંદિર, આચાર્ય, સાધુ, શાસ્ત્ર વિગેરે કરી સદ્ધર્મનું સ્થાપન કર્યું. તે કૌલ, નાસ્તિક, વેદાંતીના મતનું ખંડન કરી કોલાર્ણવ, કોકશાસ્ત્ર, કામસુત્ર, રસીક પ્રિય રસમંજરી વિગેરે ભ્રષ્ટ ગ્રંથોનો પુરો નિષેધ કર્યો છે, માટે હવે ઉદ્ધવ સંપ્રદાયની દ્રઢતા ખૂબ થઈ છે, તેથી હવે હું દેહ ત્યાગ કરી મારાં ધામમાં જાઉં. પણ મારે વિયોગે બાઈ ભાઈ કેટલાંક દેહનો ત્યાગ કરી દે એવાં છે, માટે તેને ધીરજ આપું કે જેથી દેહનો ત્યાગ ન કરે, એમ ધારી આચાર્ય, સાધુ, બ્રહ્મચારી, પાળા, ગ્રહસ્થ ભાઈ બાઈ વિગેરે સર્વેને બોલાવ્યા, તેમાં પ્રથમ તો રામપ્રતાપજી તથા ઇચ્છારામજી તેમનાં પુત્ર અયોઘ્યાપ્રસાદજી ને રઘુવીરજી તથા મુકતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગુણાતિતાનંદ સ્વામી, શુકમુનિ, આનંદ સ્વામી, વિગેરે સાધુ તથા મુકુંદાનંદજી, અખંડાનંદજી, નારાયણાનંદજી, વૈકુઠાનંદજી વિગેરે બ્રહ્મચારી તથા ભગુજી, રતનજી, મીયાંજી વિગેરે પાર્ષદ તથા દાદોખાચર, સુરો ખાચર, સોમલો ખાચર વિગેરે હરિભકત તથા જીવુબા, લાડુબા, રાજબાઈ, એ આદીક બાઈ ભાઈ સૌને બોલાવીને કહે કે જેને અર્થે મેં દેહ ધારણ કરેલો, તે સર્વે કામ સંપૂર્ણ થયું છે, હવે મારે અક્ષરધામ જવાની ઇચ્છા છે, માટે તમે સૌ રાજી થઈને રજા આપો ને મારી પછવાડે કોઈએ રોવું નહિ, એવું વજ્ર જેવુ વચન સાંભળતાં જ સહુ વ્યાકુળ થઈ મુરછા પામી ભોંય પર ઢળી પડયાં ને સૌ પોતાનાં શરીરનું પણ ભાન ભુલી ગયાં. કેટલાંકનાં તો નાડી પ્રાણ ખેંચાઈ ગયાં ને કેટલાંક ઉંચે સ્વરે રોવા લાગ્યા, ને કેટલાંકની આંખોથી રૂધીર પડવા લાગ્યા, ને સૌ ધિરજનો ત્યાગ કરી અતિશે રૂદન કરવાં લાગ્યા, તથા કાળો કકળાટ થઈ રહ્યો.
 
૩૫૪     ૧/૧                          છંદ હરિગીત.
સૌ એ રીતે કલ્પાંત કરવા એ સમે બહુ લાગીયાં,
સુણતાંજ દુઃસહ શબ્દને તન સુખ સમસ્તે ત્યાગીયાં.          ૧
કહે નાથ ઘડી પળ તમ વિના કહો કેમ રહી શકીએ અમે,
અન જળ તજીશું નાથ નહિ તો સાથ લૈ જાઓ તમે.         ર
અહીંયા રહીને તમ વિના પ્રભુ જીવવું તે ઝેર છે,
આવું વચન શ્રવણે થયું પ્રભુ એ જ કાળો કેર છે.             ૩
સંપૂર્ણ સુખ આપી હવે એક સામટું દુઃખ આપવું,
એવું ન કરશો નાથ સંકટ દાસનું તો કાપવું.                  ૪
કોઈ કઠણ થર કદી કર્મનો આવેલ હોય જો આ સમે,
બીજે પ્રકારે કષ્ટ એ ભોગવાવજો શ્રીજી તમે.                 પ
પણ આપનાં વિયોગનું દુઃખ આપશો માં શ્રી હરિ,
જો આવશે વિયોગ દુઃખ તો સૌ અમે જાશું મરી.              ૬
કહી એમ બાળક વૃદ્ધ સર્વે રૂદન કરવા લાગીયાં,
કળેળાટ એ સ્થળ થૈ પડયો શર શોકનાં બહુ વાગીયાં.        ૭
દુઃસહ અતિએ શબ્દ સુણતાં શોક શોકાતુર થયો,
કરી રૂદન ધીરજતા તજી હિંમત બધી હારી ગયો.             ૮
વળી શોક ઉત્તમરાયને ઉરમાં અતિશે જાગીયો,
અપસોસ ધરી તન શોક કરવા કેમ જાણ્યે લાગીયો.           ૯
ઉત્તમ તણાં દરબારમાં દુઃખ એકદમ આવી ચડયું
થૈ સજજ કરૂણા રસ કટક શું જાણીયે ઉતરી પડયું.           ૧૦
જોઈ દિલગીરી બહુ દાસની શ્રીજી વિચારે છે બહું,
મારે વિયોગે દેહનો આ ત્યાગ તો કરશે સહુ,                         ૧૧
પછી યોગ એશ્વર્ય જ ધિરજ શકિત બૌ પ્રેરી સહી,
જગદીશ કહે ચિત્ત વજ્રમય મરવાનું મન થાય જ નહિ.        ૧ર
પછી મહારાજ કહે વરતાલ, અમદાવાદ, ગઢડા, ધોલેરા, જુનાગઢ વિગેરે જે મંદિરો છે તેમાં લક્ષ્મીનારાયણ, ગોપીનાથજી, મદનમોહનજી, રાધા રમણદેવ, વિગેરે જે જે મૂર્તિઓ છે તેમાં હું અખંડ નિવાસ કરીને રહ્યો છું, માટે તે પ્રતિમાઓને પુજજો, થાળ ધરજો અને સેવા કરજો પણ તે પ્રતિમાઓને વિષે નાસ્તિક ભાવ લાવશો નહિં અને અયોઘ્યાપ્રસાદજીને રઘુવીરજી તે બે અમારા દત્ત પુત્ર છે, ને તમારાં સૌનાં ગુરૂ છે, માટે તેને મારી પેઠે જ માનજો એની આજ્ઞામાં સૌ રહેજો, ને સૌ શિક્ષાપત્રી પ્રમાણે વરતજો એમ કહીને બોલ્યા કેઃ-
 
              ૩૫૫      ૧/૧    અંતકાળે આવી રે એ રાગ
શ્રી હરિ કહે છે રે સુણો સંતો સૌ મળી રે,
સુણો બન્ને આચારજો મળી એ જ,
વચન આ છેલ્લું રે સહુ લેજયો સાંભળી રે,
ખરેખરૂં ખચિત્ત જે કેવાનું છે જ.               શ્રી ૧
ગોપાળાનંદજી રે હદય છે માહરૂં રે,
એના પર છે મારે અતિશે ઉમંગ,
સ્વરૂપ છે મારૂ રે શ્રી ગોપાળાનંદજી રે,
એના ઉરમાં હું રહું છું અભંગ.                 શ્રી ૨
એશ્વર્ય વડે તો રે એ મુજ સમાન છે રે,
માટે કરી શકે મારા જેવાં કામ,
તોય હું એથી તો રે અપરમપાર છું રે,             શ્રી૩
એમ તમે જાણજો દાસ તમામ. 
મારી મુરતીને રે રાખે છે અખંડ એ રે,
માટે તેને સોપું છું આ સતસંગ,
સાધુ બ્રહ્મચારી રે પારષદો પ્રીતથી રે,          શ્રી૪
એનું કોઈ વચન કરશોમાં ભંગ. 
આચારજ બન્ને રે તેને સતકાર બૌ રે,
વારે વારે વધારશે એ વિશેષ,
આચારજ બેની રે ધિંગી એતો ઢાલ છે રે,
ફેલાવશે કીરતી દેશ વિદેશ.                  શ્રી પ
મારી કેડે કોઈ રે, મુંઝાઈ મરશો નહિ રે,
તેમ કોઈ મુકશોમાં જળ અન્ન,
આત્મઘાત કોઈ રે કેડેથી કરશો નહિ રે,
માનો સહું એટલું મારૂં વચન.                શ્રી ૬
ઉદ્ધત થઈને રે વચન આ માહરૂં રે,
તેનો તમે કરશો કોઈ ઉથાપ,
તે પછી તમારે રે મારી સાથે કોઈ દી રે,
પાછો નહિ થાય ફરીથી મેળાપ.            શ્રી. ૭
વિકટ વચન રે કહી એવું સર્વને રે,
પછી દીધા પોતાનાં ચરણના સમ,
સુણતાં સઉને રે કળેળાટ થૈ પડયો રે,
ઝાઝું જગદીશ કહેતાં ખાય ગમ.           શ્રી. ૮
 
૩૫૬      ૧/૧           છંદ હરિગિત
સુખ કંદ મુનિગણ ચંદ, સહજાનંદજી બોલ્યા વળી,
ગુણવૃંદ નિત્યાનંદજી, સુસ્નેહથી લ્યો સાંભળી.                ૧
અતિ શ્રેષ્ઠ ઉદ્ધવ મત તણો દિગ્વિજય કરજો દેશમાં,
સદ્ધર્મનું સ્થાપન અતિ ઉચ્ચારજો ઉપદેશમાં.                 ર
જે કૌલ નાસ્તિક, શુષ્ક જ્ઞાની, તેહનું ખંડન કરી,
ઉત્તમ વિશિષ્ટાદ્વૈત મત ફેલાવજો હિમ્મત ધરી.              ૩
જે શુષ્ક છે વેદાંતિયો તે ભ્રાંતિયો પાડે બહુ,
ખંડન કરે અવતાર ને આકારનું તે તો સહુ.                  ૪
તે જન્મશે જયાં જયાં જઈ ત્યાં પ્રથમ તેને વાઢશે,
સુયાણિયો છેકા દઈ કટકા કરીને કાઢશે.                      પ
પોઢે ન કદીયે પારણે બાળે સ્વરે નહિ તે રૂવે.
પામે અતિશે કષ્ટ એવાં જન સહુ નજરે જુવે.                ૬
જનમો જનમ દુઃખ એહ તેને પામશે તે પાપિયા,
જેણે બહુ નરનારીને .ઉપદેશ ઉંધા આપિયા.                 ૭
તે પાપથી એને કદી નર દેહ તો મળશે નહિ,
સંકટ જનમ મૃત્યુ તણું તેનું કદી ટળશે નહિ.                 ૮
ખંડે પ્રભુ આકાર ખંડન તેહનું તેથી થશે.
પાથેય બાંધી પાપનાં તે મૂળથી મુળગા જશે.                ૯
સાકાર જગ કરતાર દિવ્યાકાર રાજે છે સદા,
નર રૂપ ધરિ સુર ભુપ અવની અવતરે છે સર્વદા.          ૧૦
પ્રત્યક્ષ મળિયા છે પ્રભુ તમને અલૌકિક આ સમે,
નિશ્ચે હમેશાં સર્વને જ કરાવજો તેનો તમે.                  ૧૧
સુણિ નામ નિત્યાનંદનું મત વાદિયો સૌ ભાગશે,
જગદીશ કહે અહોનિશ ડંકો જીતનો બહુ વાજશે.            ૧ર
આવી રીતે નિત્યાનંદ સ્વામીને પોતે ભલામણ કરીને કહે મારી કેડે કોઈયે દેહ ત્યાગ કરવો નહિ, એવું દુસ્સહ વચન સાંભળીને  ત્યાગી ગ્રહસ્થ બાઈ ભાઈ સર્વે જનો કહે કે તે મહારાજ તમે ચરણનાં સમ દીધા તે દેહ ત્યાગ તો નહિ કરીયે, પણ તમારી મૂર્તિમાં અમારૂં મન રહે એવી કૃપા કરજો, ને અમારાં અપરાધ સામું ન જોઈ અંતકાળે વહેલા આવજો, જયારે સંભારીયે ત્યારે દર્શન દેજયો, ને અંતર શત્રુથી રક્ષા કરજો, નિર્વિઘ્ન તમારી ભકિત કરીયે, એવી સ્થિતિ આપજો, તે સાંભળી મહારાજે તથાસ્તુ કરી સૌને ઘરે જવાની આજ્ઞા કરી તે બાઈ ભાઈ સૌ ઉઠીને ચાલ્યાં, પણ મહારાજ દેહત્યાગ કરશે એની ચિંતાથી સૌનાં પગનું ચેતન હરાઈ ગયું તે ચાલી શકતા નથી, ને રૂદન કરતાં પોતાની મનોવૃતિ મહારાજ પાસે મુકીને પોત પોતાને ઘેર ગયા, તે સમે અનેક પ્રકારનાં અપશુકનો થવા લાગ્યા.
 
૩૫૭     ૧/૨                  મનહર છંદ
                
અચાનક આકાશેથી અંગારાની વૃષ્ટિ થાય,
પડે પૃથ્વીમાં વારે વારે તે તડાતડી.
ઘર વન શૈલ ચારે કોરથી સળગી ઉઠે,
ફાટે કાળા પથ્થર તે બોલે છે ફડા ફડી.
પ્રચંડ પવન જોર ઝપાટેથી વાવા લાગ્યો,
તેથી ઉડે કાંકરાની અતિશે કડા કડી.
કહે જગદીશાનંદ ઉડી ઉડી અચાનક,
લાગે માણસોને તે તો ઘડામાં ઘડા ઘડી. ૧
 
૩૫૮    ૨/૨                   
વાયુ વેગે ઘર મેડીયો ને બંગલા અનેક,
તમો ગુણી દેવ તણાં મંદિર ગયાં પડી.
મોટા મોટા મિનારાઓ કોઠાઓને શૈલતણાં,
શિખરને તોડી નાંખ્યા એવી થૈ ભારે ઝડી.
મહા ભયંકર ઘોર કડાકા ઘણાક થયા,
વૃષ્ટિ થૈ વિશેષ તેમાં તડીતા બહુ તડી.
કહે જગદીશાનંદ મોટા મોટા વૃક્ષો તણાં,
ખીલા મુળ ખરેખરાં એજ ગયાં ઉખડી. ર
આવો ઘણો ઉલકાપાત થયો તે જોઈને સહુનાં મનમાં બહુ જ ભય લાગ્યો સાધુ પુરૂષોનાં મન ડોળાઈ ગયા, ઉદ્વેગ ઘણો થયો, તે સમે ઉનાળાનો સુર્ય હતો તે પણ તેજ રહીત નિસ્તેજ જણાયો, અને હરિભકત પુરૂષોનાં ડાબાં ને સ્ત્રીઓનાં જમણાં અંગ ફરકવા લાગ્યાં,અને એવાં સ્વપ્નાં લાઘ્યાં કે જાણે ભકિત ધર્મની પ્રતિમાને શોકે ઉદાસ થઈને રૂદન કેમ કરતી હોય, અને રાધા ક્રશ્નની મૂર્તિ તે નેત્ર સહીત ને શ્વેત વસ્ત્રે મુખ ઢાંકીને રૂદન કેમ કરતી હોય, અને સૂર્ય ચંદ્રને તારા તે જાણે ભોંય પર કેમ પડયા હોય, એવું જણાયું. તેથી સૌ એ અનુમાન કર્યું જે મહારાજ સ્વધામ જવાનાં છે, તેથી આવાં આવાં અપશકુન જણાય છે. હવે મહારાજે શું કર્યુ તો વહેલા ઉઠીને પોતાનું નિત્ય કર્મ કરીને પછી બ્રાહ્મણોને બોલાવી કેટલાંક ગૌદાન, અન્નદાન, સોનાદાન, રૂપાદાન, વિગેરે દાન કર્યા પછી ગોમયે ભુમી લીંપાવી તે ઉપર દર્ભને તિલ છંટાવી પોતે ઉષ્ણોદક વડે સ્નાન કરી ધોયેલું શ્વેત વસ્ત્ર પહેરી ભાલમાં કેસરનું તિલક કરી સિદ્ધાસન વાળી વિરાજમાન થયા, તે સમે પોતાની ઇચ્છાથી અક્ષરધામનાં અસંખ્યાત મુકતો ભારે દિવ્ય વિમાન લૈને મહારાજને અક્ષરધામમાં પધારવા માટે દુર્ગપુર આવ્યા. તે મુકતોએ આવીને ભારે દિવ્ય ઉપચારથી મહારાજની પુજા કરી ધૂપ દીપ આરતી કરીને વિનંતી કરી જે મહા પ્રભૂ અક્ષર ધામમાં પધારો.
 
૩૫૯        ૧/૧              છંદ ભુજંગી
મહા મુકત ત્યાં બ્રહ્મ ધામેથી આવ્યા, વિમાનો અસંખ્યાત સંઘાત લાવ્યા,
મળીને મહા મુકત હજારો, પધારો પધારો પધારો.                             પધારો.૧
પ્રભુજી તમે આ ભૂમિમાં પધારી, સુનીતી પ્રતીતી વિશેષ વધારી,
હવે વીનંતી શ્રી હરિ ચિત્ત ધારો.                                               પધારો. ર
મહા ઘોર કેવો કળી કાળ વ્યાપયો, તમે તે વિશે શ્રેષ્ઠ સદ્ધર્મ થાપ્યો,
ભલો ભકતીનો ખુબ કીધો વધારો.                                             પધારો. ૩
વ્યભિ-ચાર ચોરી અને માંસ મદ્ય, મળી વિપ્ર ક્ષત્રિયાદિ કર્તા સુસદ્ય,
મટાડયો તમે તેહ મોટો કુધારો.                                                પધારો. ૪
ભલા વેદના ભેદ નિર્વેદ વાળા, શિખાવી કર્યા કૈક જીવો સુખાળા,
કર્યો ભૂમિમાં શ્રેષ્ઠ સૌથી સુધારો.                                               પધારો. પ
ભલા ભકત ભૂમિ વિષે જે રહે છે, તમોને તહાં સ્થિર થાવા કહે છે,
હવે તેહની વાત ચિત્તે ન ધારો.                                                પધારો. ૬
અમે આવીયાં આ સમે નાથ આંહી, પ્રભૂ આપને તેડવા ચિત્ત ચાહી,
હવે આપશોમાં અમોને ઉધારો.                                                પધારો. ૭
કરી એ રીતે પ્રાર્થના પ્રીત આણી, સુણી તુર્ત તે રીઝીયા પદ્મ પાણી,
કહે શ્રેષ્ઠ સૌ આજનો દી અમારો.                                              પધારો. ૮
આવી રીત્યે અક્ષરનાં મુકતોએ પ્રાર્થના કરી, તે સાંભળીને મહા શોકાતુર એવાં દુર્ગપુર નિવાસી ત્યાગી ગ્રહસ્થ બાઈ ભાઈ તે સૌ દિલગીરી ભરેલી આ પ્રકારે વિનંતી કવા લાગ્યા.
 
૩૬૦     ૧/૧                રાગ વણઝારો.
ધામ જાવા સુત ધર્મનાં સુખ કારી રે,
પ્રભુ એ નહિ કરશો વિચાર હરિ દુઃખ હારિ રે.
તમ વિના કેમ જીવીયે, સુખકારી રે.
છેજી એક તમારો આધાર,                              હરિ. ૧
શ્રી ઘનશામ તજી જશો, સુખ કારી રે,
થાશે કષ્ટ અતિ ઘણું ઉર, હરિ દુખ હારિ રે
તમ વિના જો પ્રભુ જીવશું, સુખ કારી રે.
પડશું મહા કષ્ટને પૂર.                                   હરિ. ર
દીન દયાળુ દયા કરી, સુખ કારી રે,
હમણાં રહો ભૂમિ મોજાર, હરિ દુખ હારિ રે,
દયા કરો દાસ ઉપર સુખ કારી રે,
તમે છો પ્રભુ પ્રાણ આધાર.                           હરિ. ૩
આવું અમારૂં અતિ ઘણું, સુખ કારી રે,
જોયું કષ્ટ તમે કેમ જાય, હરિ દુખ હારી રે,
જો શ્રી હરિ તન ત્યાગશો, સુખ કારી રે,
તો તો લાગશે તનમાં લહાય.                        હરિ. ૪
અમૃત પાઈને ઉછેરિયાં, સુખકારી રે,
હવે જીવન પાશોમાં ઝેર, હરિ દુખ હારિ રે.
નિર્દય ન થાશો નાથજી, સુખ કારી રે,
તમે મોહન રાખજો મહેર.                            હરિ. પ
દાવ લાગે જેમ ડુંગરે, સુખકારી રે,
વાલા એ તે શી રીતે ઓલાય,હરિ દુઃખ હારિ રે,
એવું અમારે આવિ બણ્યું, સુખકારી રે.
એક મુખે કહ્યું કેમ જાય.                             હરિ. ૬
અણ તોળ્યું દુખ આવી પડયું, સુખકારી રે,
હવે કેવું જઈ કોની પાસ, હરિ દુઃખ હારી રે,
શોકનો સાગર રેલિયો, સુખ કારી રે
ઉપજે અતિશે જોઈ ત્રાસ.                           હરિ. ૭
અક્ષર મુકત જે આવિયા, સુખ કારી રે
તેને આપો રજા અવિનાશ, હરિ સુખ હારી રે,
જીવન જગદીશાનંદનાં, સુખ કારી રે,
હમણાં તો ન થાવું ઉદાસ.                          હરિ. ૮
એવી રીતે દુર્ગપુરનાં ત્યાગી, ગ્રહસ્થ બાઈ ભાઈ સૌએ વિનંતી કરી તો પણ શ્રીજી મહારાજ જે કાર્ય માટે આવેલાં તે કાર્ય પુરા થયા તે શું તો (૧) એકાંતિક ધર્મ (ર) બ્રહ્મચર્ય (૩) ઉપાસના (૪) દેવ મંદિર (પ) આચાર્ય (૬) શાસ્ત્ર એ છ હેતુ પુરા થયા અને પોતાનાં એકાંતિક ભકતને લાડ પણ ખૂબ લડાવ્યા, અને એ સંકલ્પ પુરા પણ થયા, એટલે આ લોકમાં રહેવાની મરજી ન હોવાથી શ્રીજી મહારાજ અતિ ઉપશમ સ્થિતિ કરી અનિમેષ દ્રષ્ટિ રાખી આત્માકારે વૃતિ કરી પોતે પોતાનાં સ્વરૂપનું ઘ્યાન ધરી ભૌતિક દેહનો ત્યાગ કર્યો. તે સમે બેય આચાર્યો તથા મુકતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકમુનિ, દાદો ખાચર, સુરો ખાચર, મયારામ ભટ્ટ વિગેરે બાઈ ભાઈ સૌ દેખે એમ અક્ષરધામમાંથી મહા તેજોમય ને દિવ્ય અનેક વિમાનો અક્ષરનાં મુકતો લઈને આવેલાં તે સર્વેમાં શ્રેષ્ઠ અને મહા તેજોમય ને મહા દીવ્ય વિમાનમાં મહારાજને પધરાવ્યા. તે સમે બ્રહ્માદિક દેવોએ આવી ચંદન પુષ્પથી મહારાજની પુજા સ્તુતિયો કરી, ચંદન પુષ્પની વૃષ્ટિ કરી તે વૃષ્ટિ દાદાખાચરનાં દરબારમાં સૌ માણસોએ તે સમયે પ્રત્યક્ષ દીઠી. એવી રીતે અનેક જીવનો ઉદ્ધાર કરીને મહાપ્રભુ સહજાનંદ સ્વામી પૃથ્વી ઉપર ૪૯ ઓગણપચાસ વર્ષ બે માસને એક દિવસ રહીને સવંત ૧૮૮૬નાં જેષ્ટ શુદી દશમીને મંગળવારે દિવસે મઘ્યાહ્ને અક્ષરધામમાં પધાર્યા. તે સમે બાઈ ભાઈ સહુને અતિશે દુઃસહ કષ્ટ થયું, તેથી મહા શોકાતુર થઈને રૂદન કરવા લાગ્યા તે જાણે શોક પોતે જ અનંતરૂપે કેમ થઈ ગયો હોય, કે જાણીયે કરૂણારસ પોતે જ કેમ વિલાપ કરતો હોય, એવી રીતે સૌ વિલાપ કરવા લાગ્યા.
 
  ૩૬૧   ૧/૧         રાગ પરજ
                 કયાં હવે જાઉ ૩. અરે રે રે કયાં હવે જાઉ એ ઢાળ
શું થયું આ તે શું થયું આતે અરેરેરેશું થયું આ તે
હરિ વર હીરલો જાતે રે અરે રે શું થયું આતે. ટેક.
શોકે તન થર થર ધ્રુજે, દીશા તો ન એકેય સુજે
કયાંથી હવે સુખ થાય ચિત્ત માંહી જરા તે,             અરે રે રે. ૧
વિરહ વિશેષ સંતાપે, અહો નિશ કષ્ટ જ આપે,
સહન દુઃખ સર્વે કરાવ્યું, આ શોક આઘાતે.             અરે રે રે. ર
કેની પાસે કષ્ટ આ કહેવું,ધીરે શીરે સર્વે સહેવું,
મળે પાછું કયાંથી હવે, એહ સુખ નિરાંતે.                અરે રે રે. ૩
ગયાં દુઃખ દરીયામાં બુડી, હાર્યા હાથ આવેલી મુડી
પ્રભુ એ તો સાંભરશે, હવે રોજ પ્રભાતે,                  અરે રે રે. ૪
વિજોગે તો કાળજુ કાપ્યું, કષ્ટ એક સામટું આપ્યું.
શોકાતુર ચિત્ત થયું, મટે કેમ સદા તે.                     અરે રે રે. પ
નોતી બની કોઈ દી આવી, એવી પ્રભુ આજ બનાવી,
કૃપાનાથ સાવ ઉતારી, કેમ કૃપા તેં.                       અરે રે રે. ૬
હવે કેમ દિવસ જાશે, હરિ વિના કેમ રહેવાશે,
ઘુમે ઘા ઘટમાં શોકના, ખુબ ખરા તે.                     અરે રે રે. ૭
કહે જગદીશ હવે તો થાકયાં રોઈ રોઈ અમે તો,
અરે કેમ તેડી ગયા નહિ, શ્યામ સંઘાતે,                   અરે રે રે. ૮
 
 ૩૬૨           ૧/૧         રાગ પરજ
                   અલબેલા રે રંગ ભિના પિયા- ઢાળ
હરે ગયા ત્યાગ કરી રે ગયા ત્યાગ કરી, પ્રભુ અમને રે ગયા ત્યાગ કરી
શ્રી સહજાનંદ સ્વામી તમે તો, વાલા મહેર જરા ન મનમાંહી ધરી,              પ્રભુ. ૧
નોતું જાણ્યું જે પ્રભુ આમ જ કરશો, તમે ધામ પધાર્યા કરી પ્રીત ખરી.      પ્રભુ. ર
મુખડું પૂરણચદ્ર સરીખું, કયારે જોશું વદન હવે એહ ફરી.                 પ્રભુ.૩
ભવ સાગર અમને પ્રભુ તારી, આજ શોક સાગરમાં ડુબાડયાં હરિ.          પ્રભુ. ૪
અંતર એથી નિરંતર દાઝે, નહિ સુખ કોઈને ચિત્તમાંહી જરી.                પ્રભુ. પ
રૂદન કરે છે અતિદાસ તમારાં, થઈ આંખો ખાલી તે અતિ નીર ઝરી.       પ્રભુ. ૬
તમે કર્યો છે પ્રતિબંધ પહેલો, નૈ તો મોર પોચત તમ પાસ મરી.           પ્રભુ. ૭
જગદીશાનંદના નાથ અમે તો, આવો શોક સમુદ્ર કેમ શકીએ તરી.          પ્રભુ. ૮
 
 ૩૬૩       ૧/૧           રાગ પરજ
                મારા નેણાં તણા શણગાર રે- એ ઢાળ
હરે વાલા ધર્મ કુંવર હરિ કૃષ્ણજી રે,
હરે મારા પ્રીતમ પ્રાણ આધાર રે
હરે નાખી નોધારાં ચાલ્યા નાથજીરે
હરે વાલા રોતો મેલ્યો છે પરીવારને રે,
હરે કેડે કળકળે સહુ નર નાર રે.            નાખી. ૧
હરે વાલા તમે કરી અતિશે આ સમે રે,
હરે એવી ન કરે બીજું કોઈ નાથ રે,
હરે વાલા કાળજ અમારાં તમે કાપીયાં રે,
હરે આજ કરી મેલ્યાં અતિ અનાથ રે,         નાખી. ર
હરે વાલા મૂર્તિ તમારી બહુ સાંભરે,
હરે થાય નેણેથી આસુડાંની ધાર રે,
હરે પેલો આપ્યો આનંદ અતિ ઘણો રે,
હરે હવે શોક તણો ન રહ્યો પાર રે.         નાખી. ૩
હરે વાલા સુખ તો સંભારે ચિત્તડું તપે રે,
હરે આવે ગુણ તમારા બહુ યાદ રે,
હરે વાલા દુખડાનાં ડુંગર ડોલીયા રે,
હરે ગયો સુખનો હવે સમસ્ત સ્વાદ રે.     નાખી. ૪
હરે વાલા શોક વ્યાપ્યો ઘટમાં ઘણો રે,
હરે એ તો વિસરે નહિ અહોનિશ રે,             
હરે વાલા નિત્યે નીરખતાં નેણાં ભરી રે,
હરે હવે જોશું કયારે જગદીશ રે.          નાખી. પ
 
૩૬૪   ૧/૧      રાગ લલિત
અરર આ તમેશું પ્રભુ કર્યું, જીવત આ સમે સર્વનું હર્યુ
તન તજી તમે કેમ રે ગયા, બહુજ નિર્દયા કેમ રે થયા.        ૧
વદન આપનું જોઈ જીવતાં, પિયુષ વાક્યને સર્વ પીવતાં,
ટળવળે અતિ દાસ તો બહુ, તમ વિના દિસે કષ્ટમાં સહુ.       ર
નિર્દયા તમે નાથજી થયા, ઉર વિશે જરા નાવી રે દયા.
કળકળે સદા દાસ આપનાં, તપિત છે સહુ શોક તાપનાં.        ૩
દુખીત કોઈને દેખીને પ્રભુ, અધિક આકળા તો થતાં વિભુ,
હરિ તમારી તે ટેવ કયાં ગઈ, તન તજી ગયા નિર્દયા થઈ.       ૪
નિજ કુટુંબને રોતું મેલિયું, અમ ભણી બધુ કષ્ટ ઠેલીયું,
હરણ કષ્ટ જે શ્રી હરિ તમે, કરણ કષ્ટ છો નાથ આ સમે.        પ
વિકટ કષ્ટ એ કેમ રે ટળે, વિરહથી અતિ કાળજું બળે,
મુરતી એ હવે કયાં વિલોકિયે, નયણ નીરને કેમ રોકીયે.         ૬
મુરતી આપની કેમ વિસરે, અધમ પ્રાણ આ કેમ નિસરે,
ધિરજ ચિત્ત તે શી રીતે ધરે, સુખદ મુર્તિ તે નિત્ય સાંભરે.         ૭
વિરહ આપનો કષ્ટને કરે, દુખિત દાસનાં પ્રાણને હરે,
જુલમ આ અતિ સર્વ જો સહે, જગદીશ કહે પ્રાણ નૈ રહે.         ૮
એવી રીતે સહુ મહા શોકાતુર થઈને રૂદન કરે છે, પછી તેમનાં દત્ત પુત્ર જે અયોઘ્યાપ્રસાદજી ને રઘુવીરજીએ શાસ્ત્રનાં વિધિ પ્રમાણે સ્નાન કરાવી સુંદર વસ્ત્ર પહેરાવી ચંદન ચરચી પુષ્પનાં હાર, તોરા,ગજરા, બાજુ, કંકણ નુપુર વિગેરે ધરાવીને પછી તે બે ભાઇયોએ આરતી કરી.
 
 ૩૬૫       ૧/૧                  આરતી-જે સદગુરુ સ્વામી એ રાગ
જય નર તનુ ધારી જય નર તનુ ધારી,
સુખ કારી દુખ હારી, અકળિત અવતારી. જય. ટેક
નિરખી નાથ નિરંતર શાન્તિ અતિ થાતી,(ર)
તે તમને નિરખીને, આજ બળે છાતી.              જય. ૧
સુખ દૈ શામ જણાવી વાલપ બહુ વેણે. (ર)
એ સાંભરી અમને નીર ઝરે નેણે.                   જય. ર
વણ જોયે જગજીવન જીવ નહિ જંપે. (ર)
થર  થર થર સૌ જનનાં કાળજડાં કંપે,                   જય. ૩
આ દુખથી નહિ ભાવે અન્ન પ્રભુ પ્યારા. (ર)
નિત ઝરશે નેણેથી આસુની ધારા.                   જય. ૪
અંતે સમે આવિને હરિ હાજર થાજો, (ર)
જગદીશાનંદ માગે, પ્રભુ તેડી જાજો.                 જય. પ
પછી મુકતાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી વિગેરે સંતોયે આરતી ઉતારી પછી દાદાખાચર અને મયારામ ભટ્ટ વિગેરે હરિભકતોએ આરતી ઉતારી પછી ભારે સુંદર કાષ્ટનું વિમાન કરાવી તેમાં પધરાવી, આગળ ઉચ્છવ કરતાં થકાં લઈ ચાલ્યાં તે સમે મહારાજ ગોપાળાનંદ સ્વામીનો હાથ ઝાલીને વિમાનને પડખે ચાલ્યા આવે. તે મનોહરદાસજી યોગ સમાધિવાળા હતાં તેનાં જોવામાં આવ્યું તેથી તે સૌને કહે, “રૂવો છો શા સારૂં મહારાજ તો આ ગોપાળાનંદ સ્વામીનો હાથ ઝાલીને આપણી સાથે ચાલ્યા આવે છે”, એવો ચમત્કાર કેટલાકનાં જોવામાં આવ્યો.
 
                    દોહરો.
સ્વામી શ્રી ગોપાળનો, કર ગ્રહિને અવિનાશ,
આ ચાલ્યા આવે જુઓ, કહે મનોહરદાસ...?
પછી જે લક્ષ્મીબાગ પોતાને બહુ જ પ્રિય હતી, ત્યાં લઈ જઈને ભારે તુળશી ચંદન પીપળા વિગેરેનાં કાષ્ટ ધીએથી પલાળી તેની ચિત્તા રચી તેમાં તેમનાં બે દત્ત પુત્રો જે અયોઘ્યાપ્રસાદજી ને રઘુવીરજી તેમણે અગ્નિ સંસ્કાર કર્યો તે સમે દાદોખાચર દીલગીરી થઈ પોકે પોકે રોવા લાગ્યા.
 
૩૬૬    ૧/૧          સુવાસિનિ સ્નેહ ભરી રુવે -એ રાગ.
ઉત્તમરાય એમ વદે વાણી, આંખ્યો થકી અઢળ ઢળે પાણી. ઉ. ટેક.
આપ્યું સુખ મુજને અતિ ભારે, વિસાર્યું તે નૈ વિસરે કયારે,
આ દુઃખ આજ નજરે જોવું મારે,                      ઉ. ૧
જેને જોઈ ધન્ય ઘડી લેખું, પ્રીતે મારાં ભાગ્ય પુરાં પેખું.
તેને કેમ દહન થતા દેખું.                              ઉ. ર
શ્રીજી મારી સાર તમે ન લીયો, અચાનક કષ્ટ અતિશે દીયો,
ત્યારે કેમ મોરે ન મોકલિયો,                        ઉ. ૩
હૈયામાંથી હિમ્મત ગૈ છુટી, ગયું મારૂં નસીબ બધુ ફુટી,
મારે આજ આભ પડયો તુટી.                      ઉ. ૪
કેવળ ઉરે આગ બળી રહી. છે, ધીરજ મારાં હૃદય થકી ગઈ છે,
મારે આજ ન થવાની થૈ છે.                            ઉ.પ
કેવો મહા કેર તમે કીધો, શ્રીજી મને સાથ નહિ લીધો,
દીનાનાથ આ શો દગો દીધો.                     ઉ.૬
કાયા માંહી કષ્ટ અતિ વ્યાપ્યું, મારૂ આજ કાળજડું કાપ્યું
આથી કેમ મોત નહિ આપ્યું.                       ઉ.૭
કહે જગદીશ ચિત્તાને જુવે, નેણાં થકી નીર બહુ લુવે,
અભય સુત પોકે પોકે રૂવે.                           ઉ.૮
આવી રીતે પોકે પોક મુકી બહુ જ રૂદન કર્યુ, તેને ગોપાળાનંદ સ્વામી ઘણી ધિર આપીને કહે કે દરબાર આ બેઠક મહારાજની બહુ જ પ્રસાદીની છે, માટે ત્યાં દર્શન કરી આવો, એમ કહીને ત્યાં મોકલ્યા, દાદો ખાચર જયાં બેઠકે ગયા ત્યાં તો મહારાજ સભા કરીને બીરાજે છે, હાર તોરા ગજરા ધારણ કરેલા છે, કરનાં લટકાં કરીને વાતો કરે છે, ત્યાં દાદા ખાચરને આવતાં દેખી ને કહે આવો દરબાર એમ કહીને પોતાની કોટમાંથી ભારે મોટો હાર કાઢીને દાદાખાચરને પહેરાવીને પોતાની પાસે બેસાર્યા ને ભારે રમુજની વાતો કરવા માંડી, તે દાદા ખાચરને મહારાજ ધામમાં પધાર્યા તેની તો સ્મૃતિ પણ ન રહી, પછી મહારાજની દાહ ક્રિયા થઈ રહી એટલે ગોપાળાનંદ સ્વામી કહે દરબારને બેઠકેથી બોલાવો, એમ કહીને એક માણસને બોલાવવા મોકલ્યો તેણે જઈને કહ્યું કે બાપુ ચાલો સ્વામી બોલાવે છે. ત્યાં મહારાજ અને સભા અદ્રશ્ય થઈ ગયાં ને પોતાને સ્મૃતિ આવી જે આપણે તો મહારાજને દેન દેવા આવ્યા છઈએ, પછી ત્યાં ગયા એટલે ગોપાળાનંદ સ્વામી કહે કેમ દરબાર મહારાજ ગયા કે આંહી છે, એટલે દાદો ખાચર કહે.
 
                               દોહરો
ગરીબ નિવાજ ગયા નથી, અવિચળ આંહી રહેજ,
અહોનિશ આ સત્સંગમાં, પ્રગટ બિરાજે છેજ... ર
હવે દાદા ખાચરને મહારાજે જે મોટો હાર કાઢીને બેઠકે ગયા ત્યારે આપેલો તે અધાપિ પર્યંત તેમનાં પુત્ર અમરાખાચરને ત્યાં સંભાળથી સાચવીને રાખવામાં આવ્યો છે. પછી સૌ ઘેલા નદીમાં સ્નાન કરી મંદિરમાં આવ્યા. ને તે દિવસ સૌ એ ઉપવાસ કર્યો. તે સમે સચ્ચીદાનંદ સ્વામી નાડી પ્રાણ તોડીને મહારાજની પહેલા અક્ષરધામમાં જઈને બેઠેલા તેથી મહારાજ કહે અમારો ચોર આંહી આવેલ છે, એમ કહી
સચ્ચીદાનંદ સ્વામીને બોલાવીને કહે દેહને બાળી દીધુ નથી, તે મોર જાઓ જેમ તમને આવડે છે એમ નાડી પ્રાણ તોડીને તો ઘણાંને આવતાં આવડે છે, પણ કોઈએ અમારી આજ્ઞા નથી લોપી, ને તમે આજ્ઞા લોપી માટે ઝટ જાઓ નહિ તો.
 
                       દોહરો
કાં પ્રેરીશ પર્વત વિશે, કાં મહા સાગર માંય
મધર કરીશ મોટો મહા, સહેશો કષ્ટ સદાય... ૩
આવી રીતે મહારાજે વઢીને પાછા મોકલ્યા, તે જયાં શબને બાંધવાની સૌ તૈયારી કરતાં હતા, ત્યાં દેહમાં આવીને બનેલી હકીકત કહી બતાવી. શ્રીજી મહારાજની દાહ ક્રિયા કરીને સૌ ચાલ્યા તે લક્ષ્મીવાડીનાં દરવાજાની નજીક આવ્યાં ત્યાં પાણીનાં ધોરીયાને કાંઠે પાણીનાં જોરથી સુંદર લી લી ધ્રો ચકચકે. તેને જોઈને શ્રી ગુણાતીતાનંદ સ્વામીને એમ સંકલ્પ થયો જે જળ આનું જીવન છે તો આ લીલી ચકચકાટ કરે છે. જો એનું જીવન જતું રહે તો સુકાઈ જાય, લીલી ન રહે. અને આપણું તો જીવન ગયું તો પણ હજી લીલા છૈયે, એવો સંકલ્પ થતાં જ પોતાને મુર્છા આવી કે તુરત ભોંય પર પડી ગયા ત્યાં તો મહારાજે તુરત આવી દર્શન દીધાને કહે.
 
                           દોહરો
ગયો નથી ગો લોકમાં, ગયો ન અક્ષરધામ
અવિચળ આ સતસંગમાં, રહું છું આઠે જામ...૪
એમ કહીને શ્રીજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને હાથ ઝાલીને બેઠા કર્યા તે જોઈને સ્વામીને એમ થયું જે મહારાજ તો આપણી દ્રષ્ટિ આગળ અખંડ બીરાજે છે.
શ્રી વડોદરાનાં વૈદ્ય શાસ્ત્રી રામચંદ્ર, મહારાજનાં મંદવાડનાં સમાચાર સાંભળી ઘેરથી ચાલ્યા તે ઉગા મેડીની નજીક આવતાં મહારાજની સ્વારી કાઠીઓનાં સ્વાર સહીત મળી એટલે વૈદ્યરાજ પગે લાગીને કહે મહારાજ તમને તો માંદા સાંભળ્યા હતા, એટલે મહારાજ કહે અમારી નાડી જુઓ. છે મંદવાડ? ત્યારે વૈદ્યરાજ નાડી જોઈને કહે રોગ તો નખમાં પણ છે નહિ, પછી મહારાજ કહે તમે ગઢડા જાઓ અમે સારંગપુર જઈને કાલે પાછા આવશુ, પછી વૈદ્યરાજ ગઢડે ગયા ત્યાં મહારાજ સ્વધામ પધાર્યા સાંભળી ઘણાં જ દીલગીર થયા.
 
                     દોહરો
વૈદ્યરાજ વિસ્મીત થઈ, ઉચરે મુખથી આમ,
નાડી દેખાડી મને, છેતરીયો સુખ ધામ. પ
ગામ ધોળેરાનાં ગરાશીયા બાઈઓ ફુલીબા વિગેરે મહારાજનો મંદવાડ સાંભળી પોતાને ગામથી ચાલ્યા, તે ઝીંઝાવદરની નજીક આવ્યા, ત્યાં કાઠીઓનાં સ્વારો સહિત મહારાજની સ્વારી મળી, તે જોઈ સૌ બાઈઓ પગે લાગીને કહે અમે તો તમને માંદા સાંભળીને જોવાં આવતાં હતાં, એટલે મહારાજ કહે જુઓ અમારાં શરીરમાં મંદવાડ છે? ત્યારે બાઈઓ કહે મંદવાડ જરા પણ છે જ નહિ, પછી મહારાજ તે બાઈયોને કહે તમે ગઢડે જાઓ અમે કારીયાણી જઈને કાલે ગઢડે આવશું, એમ કહીને અદ્રશ્ય થયા ને તે બાઈઓ ગઢડે આવ્યા, ત્યાં મહારાજ સ્વધામ પધાર્યાનાં ખબર સાંભળી બહુ જ દીલગીર થયાં.
 
                          દોહરો.
ફુલીબા પ્રફુલીત થઈ, ગયાં દુરગપુર આપ,
શામ સ્વધામ ગયા સુણી, ઉર ઉપજયો પરિતાપ. ૬
સોરઠ દેશમાં ઓઝત નદીને કાંઠે ગામ આખા પિપલાણાનાં વિપ્ર લાડુબાઈ સમાધિ વાળા તે મહારાજને માંદા સાંભળી ગઢડે જવા તૈયારી કરતાં હતા, ત્યાં કાઠીઓનાં સ્વારો સહીત મહારાજ તેને ઘેર પધાર્યા, તેથી તો બાઈ પોતાના કુટુંબ સહિત બહુ જ ખુશી થયા, પલંગ બિછાવી તે ઉપર પધરાવીને કહે અમે તો તમને માંદા સાંભળી ગઢડે જવાની તૈયારી કરતાં હતાં. એટલે મહારાજ કહે હવે મંદાવડ મટી ગયો ને સાજા થઈ સોરઠમાં ફરવાં નિસર્યા છીએ,
લાડુ બાઈએ થાળ કર્યો મહારાજ જમ્યા સૌ કાઠીયોને જમાડયા પછી અદ્રશય થયા જાણી.
 
                  દોહરો
તરત સમાધિમાં ગયા, લાડુ બાઈ લય લીન,
અવિનાશી અક્ષર ગયા, જોઈ થયું મન ખિન્ન.
આવી રીતે બાઈયે યોગ સમાધિ કરી, આત્મદૃષ્ટિથી જોયું ત્યાં તો દુરગપુરમાં ઘણી દીલગીરી વ્યાપેલી ને મહારાજને સ્વધામ પધારેલાં જોઈ પોતાને દીલગીરી તો ઘણી થઈ પણ પોતાને ઘેર પધારીને દર્શન દઈ થાળ જમ્યા તેથી જાણ્યું જે મહારાજ આમ તો આ સત્સંગમાં પ્રગટ બીરાજે છે.
આ પ્રકારે સાત ચમત્કાર તો પોતે દેહ ત્યાગ કર્યો તે જ દીવસ બતાવ્યા.
બીજે દિવસે સવારમાં મુકુંદવર્ણી અક્ષર ઓરડીમાં ગયા ત્યાં મહારાજને પલંગમાં પોઢેલા જોઈ નિત્યનિયમ પ્રમાણે જગાડી દાતણ આપી ઉનુ પાણી કરીને નરાવી નિત્ય વિધી કરાવ્યો, કે તુરત મહારાજ અદ્રશ્ય થઈ ગયાં ત્યાં પોતાને સ્મૃતિ આવી જે મહારાજ તો સ્વધામ પધાર્યા છે તેથી તેને એમ થયું જે શ્રીજી મહારાજ આ અક્ષર ભુવનમાં પ્રગટ બીરાજે છે.
 
                દોહરો
મુકુંદવર્ણી મર્મએ, સમજયા તે ભલિ ભાત
અક્ષર ઓરડીએ પ્રભૂ, સદા વસે સાક્ષાત. ૮
શ્રીજી મહારાજની ક્રિયા સારૂ ભગુજી ભાઈ ઉટે બેસી ધોળેરે સામાન લેવાં જતાં હતાં ત્યાં ગામ પાણવીનાં ભકતરાજ પુંજો ડોડીયો રસ્તામાં ભેગા થયાં તેને ભગુજીભાઈએ મહારાજ સ્વધામ પધાર્યાનાં ખબર કહ્યાં કે તરત મુરછાગત થઈ ગયાં, તે પહોરવારે સ્વસ્થ થયાં પછી સ્નાન કરાવ્યું,પણ કંઠ પ્રાણ થઈ અન્નપાણીનો ત્યાગ કરી દીધો. ને ગઢડે આવી ગોપાળાનંદ સ્વામી પાસે બહુ જ દીલગીર થયા, ગોપાળાનંદ સ્વામીએ અન્નજળ લેવાનું કહ્યું એટલે કહે જો જાણીને ન લેતો હોઉં તો મને પાંચસો પરમહંસો ના સમ છે, ને અંતરજામી તો જાણે છે, તે મને તેડવા નહિ આવે ને જો એમની ઇચ્છાથી આમ થયું હશે તો મને તેરમાને દિવસે તેડી જાશે, એમ કહી બારમાં સુધી અન્ન જળ લીધા વગર જુવાનની પેઠે કામ કર્યુ અને તેરમાને દિવસે મઘ્યાહ્ને પુંજે ડોડીયે દેહ ત્યાગ કર્યો તે સમે ઘણા માણસોને દર્શન આપીને મહારાજ તેને અક્ષરધામમાં તેડી ગયા.
 
               દોહરો.
પવિત્ર પુંજો ડોડીયો, તેને ગરિબ નિવાજ,
ગયા તેડિ દિન તેરમે, મઘ્યાહ્ને મહારાજ. ૯
એક વખત ભગુજી અક્ષર ઓરડીયે ગયા ત્યાં શ્રીજી મહારાજ પલંગ ઉપર બિરાજે તે ભગુજીને આવતાં જોઈને કહે ભગુજી શુકમુનિને બોલાવો. એક કાગળ લખાવવો છે. પછી ભગુજી શુકમુનિને બોલાવી લાવ્યા, એટલે મહારાજ કહે શુકમુનિ એક પત્ર લખવો છે તે અમે કહીયે તેમ લખો એમ કહીને પોતે શુકમુનિ પાસે કાગળ લખાવ્યો. પછી બધો લખાઇ રહ્યો એટલે મહારાજ કહે બધો વાંચી જાઓ. એટલે શુક સ્વામી તે કાગળ બધો ફરીથી વાંચી ગયા કે તુરત મહારાજ અદ્રશ્ય થઈ ગયા તે લખેલો કાગળ શુકમુનિનાં હાથમાં રહ્યો  તે જોઈને શુક સ્વામી તથા ભગુજી બેય જણ બહુ જ આશ્ચર્ય પામ્યા, ને કહે શ્રીજી મહારાજ આ અક્ષર ઓરડીમાં બીરાજે છે.
 
                    દોહરો.
શુકમુનિને ચિંતા ટળી, અવલોકી આશ્ચર્ય,
પ્રગટ બિરાજે છે પ્રભુ, આ સ્થળમાં મુનિવર્ય.૧૦
એક દિવસ લીંબડા તળે પાંચસે પરમહંસ તથા દાદાખાચર વિગેરે હરિભકતો એ આદીક સૌની સભા ભરાઈને બેઠેલી. તે સમે અક્ષર ઓરડી થકી પોતાનાં પાર્ષદો સહીત મહારાજ ચાંખડીએ ચડીને પધાર્યા, તે મહારાજને આવતાં જોઈને સભા આખી ઉભી થઈ પછી મહારાજ પલંગ ઉપર બીરાજમાન થયા ને ભારે ભારે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સંબંધી વાતો કરવા માંડી. તે જેમ ચકોરની વૃતિ ચંદ્રમાં સામે લાગી રહે એવી રીતે સૌની વૃતિ મહારાજમાં જોડાણી ને પોતે સૌને વાતો વડે સુખીયા કરી ભારે ભારે પ્રશ્નોતર કરી અતિશે આનંદ આપીને અદ્રશ્ય થઈ ગયા. તે મુકતાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી વિગેરે સૌએ આશ્ચર્ય પામી એમ જાણ્યું જે દાદાખાચરનાં દરબારમાં આ સંત સભાને વિષે શ્રીજી મહારાજ પ્રગટ બિરાજે છે. એમ કહીને કહે છેઃ
 
                    દોહરો.
નિંબ વૃક્ષ નીચે પ્રભુ, અતિ લેતાં આનંદ,
તેથી તે તરૂતળ રહે, સદાય સહજાનંદ.        ૧૧
એક વખત શ્રી ગોપીનાથજીની સંઘ્યા આરતી થઈ રહી ને સૌ સાધુ 'રામકૃષ્ણ ગોવિંદ' બોલવા લાગ્યા. તે સમે શ્રીજી મહારાજ પણ પ્રત્યક્ષ સૌ ભેગા આવીને આરતી ધૂન્ય સંપૂર્ણ થઈ રહી ત્યાં સુધી સૌ સાથે ધુન્ય બોલી દર્શન દઈને પછી અદ્રશ્ય થઈ ગયા. તે જોઈ સૌ અતિશે આશ્ચર્ય પામી કહેવા લાગ્યા કે શ્રીજી મહારાજ આ મંદિરમાં પ્રગટ બીરાજે છે.
 
                        દોહરો.
સંત કહે સૌ બોલિયે, રામ કૃષ્ણ ગોવિંદ
એ અવસર આવે સદા, સ્વામી સહજાનંદ.  ૧ર
એક વખત શ્રી રઘુવીરજી મહારાજનાં પત્ની બિરજાબા તેમણે નિત્યનાં નિયમ પ્રમાણે થાળ તૈયાર કર્યો કે તુરત શ્રીજી મહારાજ જમવા પધાર્યા તે જમી ચળુ કરી મુખવાસ લઈને પછી અદ્રશ્ય થઈ ગયા. ત્યાં તો વિરજાબાને સ્મૃતિ આવી જે મહારાજ તો અક્ષરધામમાં પધાર્યા છે, માટે આતો ત્યાંથી આવીને થાળ જમી ગયા. એમ જાણી બહુ જ આશ્ચર્ય પામીને કહે શ્રીજી મહારાજ તો આ દાદા ખાચરનાં દરબારમાં પ્રગટ બીરાજે છે.
 
                     દોહરો
વિરજાબા વિસ્મિત થઈ, અંતર કરે વિચાર.
પ્રગટ બિરાજે છે પ્રભૂ, દાદાને દરબાર.    ૧૩
હવે મહારાજ દેહ ત્યાગ કરીને અક્ષરધામમાં પધાર્યા તે સમે બ્રહ્માનંદ સ્વામી જૂનાગઢનું મંદિર કરાવતાં હતા. ત્યાં મહારાજનાં દેહ ત્યાગ કર્યાના સમાચાર સાંભળ્યા કે તુરત રત્ના મીસ્ત્રીને બ્રહ્માનંદ સ્વામી કહે, “રત્ના, તારા હાથમાં જે પોણો છે તે ચોડીશમાં. નાખ હેઠો. કપટીયે કપટ કર્યુ.” એમ કહી રત્નામિસ્ત્રીનાં હાથમાંથી બેલું હેઠું નંખાવી સૌને પાલખ ઉપરથી હેઠા ઉતારી કારખાનું બંધ કરી, સૌ વિલાપ કરી ઘણું જ રૂદન કરવાં લાગ્યાં. તે સમે બ્રહ્માનંદ સ્વામી આ પ્રકારે વિલાપ કરી કહેવા લાગ્યા.
 
૩૬૭  ૧/૧      મુને સ્વપ્ને ન ગમે રે સંસાર- એ રાગ છે.
આવ્યું કષ્ટ અતિશે અપાર, કરૂં કેમ હું હવે,
નોતું જાણ્યું જે તમે પ્રભુ, આવું કરશો કૃપાળ.
સાંભળતાં આ શબ્દને, ઉઠી અંતર ઝાળ.          કરૂ. ૧
ઘા વાગે જેમ ઘટમાં, શબ્દ એવો આ કઠોર,
સાંભળતાં ચિત્તમાં અતિ, વઘ્યું વિરહનું જોર.     કરૂ. ર
દૈ વિશ્વાસ વળાવિયો, જૂનાગઢ મને શામ,
કેડેથી કરૂણાનિધિ, કરવું ન ઘટે જ આમ.          કરૂ. ૩
દગો દિલાસા દઈ કર્યો, થઈ નિર્દય નાથ,
હરિ ઉપાય હવે નથી, વાત ન રહી હાથ.          કરૂ. ૪
વાલા મુજને વેગળો, ઘડી ન મુકો આપ,
આજ અતિ અળગો કર્યો, થાય બહુ પરીતાપ.     કરૂ. પ
સુખ દીધાં જે જે તમે, તે તો સાભંરે આજ,
એથી ઉર અકળાય બૌ, થાય દીલમાંહી દાજ.     કરૂ. ૬
દિલગીરી દીલમાં ઘણી, મુખે કહી નવ જાય,
પ્રગટી આગ વિજોગની, એ તે કેમ ઓલાય.       કરૂ. ૭
તમે કરી જે આ સમે, બ્રહ્માનંદને શીશ,
સાભંરશે તે સર્વદા, એમ કહે જગદીશ.             કરૂ. ૮
આવી રીતે વિલાપ કરી બ્રહ્માનંદ સ્વામી વિગેરે સૌ સ્નાન કરી તે દિવસ ઉપવાસ કરીને બીજે દિવસે ચાલ્યા તે ગઢડે આવ્યાં ને મુકતાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી પાસે બ્રહ્માનંદ સ્વામીયે ઘણી દીલગીરી કરી ને કહે કે તમે દાહ ક્રીયા શા સારૂં કરી? હું અક્ષરધામમાંથી બોલાવી હાસ્યરસે હસાવી, એને એ જ શરીરમાંથી બેઠા કરત. પણ શરીર ગયા પછી હવે શો ઉપાય? એટલે ગોપાળાનંદ સ્વામી કહે મહારાજ તો આ સત્સંગમાં પ્રગટ બીરાજે છે પછી બ્રહ્માનંદ સ્વામી શ્રી ગોપીનાથજી મહારાજનાં દર્શન કરવાં ગયાં. ત્યાં ગોપીનાથજીની મૂર્તિમાંથી શ્રીજી મહારાજ નીસરીને બ્રહ્માનંદ સ્વામીને બાથમાં ઘાલીને મળ્યા ને મોગરાનો મોટો હાર પહેરાવ્યો, તેથી બ્રહ્માનંદ સ્વામીનું મુખ પ્રફુલ્લિત થયું ને જાણ્યું જે શ્રીજી મહારાજ તો આ સત્સંગમાં પ્રગટ બિરાજે છે.
 
                    દોહરો.
બ્રહ્માનંદીશ્વર પતિ, લહે ન બ્રહ્માનંદ
બ્રહ્માનંદ ઉરે થયો, અદભુત બ્રહ્માનંદ. ૧૪
આવી રીતે ચોદ ચમત્કારો તો આ ઠેકાણે પ્રસિઘ્ધ લખેલા છે, એના એવા બીજા પણ અનેક ચમત્કારો બતાવેલાં છે પણ તે કાંઈ લખ્યે પાર આવે તેમ નથી, કારણ કે શેષ અને સરસ્વતી પણ જેનાં ગુણનુ્ વર્ણન કરી શકતાં નથી કે લખી શકવાને અશકત છે, તો હું અલ્પ જીવ તે શી રીતે લખી શકું?.
પછી રઘુવીરજી મહારાજ અને અયોઘ્યાપ્રસાદજી મહારાજ એ બેય ભાઇયોએ દ્વાદશાહાદીક સર્વોત્તમ કર્યુ, બ્રાહ્મણોને માટે સાકરનાં લાડુ ખુબ ઘી નાખીને કર્યા અને બીજા સૌ સારૂ સાટા કરાવ્યાં તે સતસંગી કુસંગીબાઈ ભાઈ વગેરે જે આવે તે જમે. એમ ત્રણ દિવસ સુધી સૌને જમાડયા, શ્રાઘ્ધાદી કરીને શ્રવણી કરી, તે સમે ગાયોનાં દાન, અશ્વદાન, અન્નદાન સૈજયા વગેરે કરી વિપ્રોને ઘણીક દક્ષીણાઓ આપી. એવી રીતે સૌને સંતોષ પમાડ્યો પછી સત્સંગી સૌ મળી બન્ને આચાર્યોની પુજા કરી અન્ન ધન વસ્ત્રાદિક અર્પણ કરી સૌને ઘેર ગયા, હવે મહારાજની પાસે નિરતર રહેનારા જે દુર્ગપુર નિવાસી હરિભકતો બાઈ ભાઈ તે તો મહારાજની મુર્તિ સંભારીને જ સુખીયા રહે ને કહે છે  કે જેમ.
 
               મનહર છંદ
નટવો પોતાની નારી રાજાને સોંપીને પછી,
કાચે દોરે ચઢી પોતે આકાશ પથે પળે,
ઘડા ઘડી ઇંદ્રનાં યોદ્ધાની સાથે યુઘ્ધ કરી,
પડે અંગોઅંગ તેની નાર તે સાથે બળે.
પાછો આવી સ્ત્રી માગે તો રાજા કે તું સાથે બળી,
સાદ કરી બોલાવે ત્યાં સ્ત્રી આવી તેને મળે.
કહે જગદીશાનંદ એવી માયા નટની તે,
કળી ન શકે તો માયા પ્રભુની કયાંથી કળે.
એવી રીતે નટવર નટની માયામાં જેવો ખેલ કરીને ચાલ્યા ગયાં. નહિ તો પોતાને ઘણાં મંદવાડ આવેલા તો પણ પોતે પોતાની ઇચ્છાથી જ શરીર રાખેલું સંવત ૧૮૬૧નાં પોષ સુદી પુનમે અગત્રાઇમાં અશ્વ પ્રસંગે એટલે ઘોડે વગાડેલું તેમાંથી હરિ ભકત ઉપર દયા લાવી દેહ રાખ્યો. ત્યાર પછી સવંત ૧૮૭૦ અઢારસે સીંતરેનાં આસુ સુદો પુનમે ગામ જાળીયે બહુ જ સખત મંદવાડ આવ્યો હતો. ત્યાર પછી સવંત ૧૮૭૭ના વૈશાખ સુદ બારસે ગઢડે મંદવાડમાંથી દેહ રાખ્યો. તે પણ હરિ ભકતો માટે જ, વળી સવંત ૧૮૭૮ના ફાગણ સુદી અષ્ટમીને દીવસ ગણેશ ધોળકે મંદવાડમાંથી દેહ રાખ્યો. સં. ૧૮૭૯નાં ચૈત્ર સુદ નોમને દિવસે પંચાળામાં માંદા થયેલા તેમાંથી પણ ભકતપર દયા કરી દેહ રાખ્યો. સવંત ૧૮૮૬ ના પોષ સુદી બીજને દીવસથી મંદવાડ પ્રગટ કર્યો, તે જેઠ સુદી દશમીને દીવસ તો છેક દયા ઉતારીને ચાલી જ નિસર્યા તે અક્ષરધામમાં પધાર્યા. એવી રીતે હંમેશા સ્મરણ કરે છે. અને મહારાજ પણ કોઈને દર્શન આપે, કોઈને પરચા પુરા કરે, કોઈને તેડવા આવે છે, એવી રીતે અનેક ચમત્કારો જણાવી સત્સંગમાં પોતે પ્રગટ બિરાજે છે તો પણ ભકતજનોએ નિરંતર સાથે રહીને સુખ લીધેલા તે અખંડ સાંભર્યા કરે છે. કયારેક ચંદન ચરચી હાર તોરા ગજરા બાજુ ધારણ કરી બીરાજમાન થયેલા સાંભરે ને કયારેક જરકસી જામો પહેરી મસ્તકે મુગટ ધારી ભારે વસ્ત્ર ભુષણ ધારણ કરી હીંડોળે ઝુલતા સાંભરે, કયારેક રંગની પીચકારીઓ ભરીને નાંખતા ને ગુલાલ સખાને માથે નાંખતાં સાંભરે, કયારેક માણકી પર સ્વાર થઈને લક્ષ્મીવાડીયે કે રાધાવાડીએ જાતા સાંભરે, કયારેક ઘેલા નદીમાં સ્નાન કરતા થકાં સંત હરિજન સાથે તાળી વજાડીને કીર્તન ગાતા તથા નીર ઉછાળીને નાતા સાંભરે, કયારે થાળ જમતાં તથા દાસને પ્રસાદી દેતાં તથા પંગત્યમાં પીરસતા ને કોઈનાં મુખમાં લાડુ જલેબી વિગેરે આપતાં તથા દાસનાં મસ્તિક પર હાથ મુકતા કે ચરણ આપતાં સાંભરે, કયારેક સંતોને મળતા ને છાતીમાં ચર્ણાવિંદ આપતાં સાંભરે, કયારેક સભામાં વાતો કરતા સાંભરે, કયારે કેશરચંદનથી હરિભકતોયે પુજા કરીને ધુપ દીપ કરી આરતી ઉતારીને પગે લાગ્યા હોય એવી રીતે સાંભરે, કયારેક અક્ષર ઓરડીમાં પલંગ પર પોઢેલા સાંભરે, તથા પોઢી ઉઠીને મુખ ધોઈને મુખ લુતા હોય એવી રીતે પણ સાંભરે છે, કયારેક આસન પર બેસીને દાતણ કરતા તથા ઉને જળે અંગ ચોળીને નવરાવતા પણ સાંભરે, તથા નાહી પીતાંબર પહેરી જમતા સાંભરે, કયારેક રૂપાની સળી લઈ દાંત ખોતરતા સાંભરે, કયારેક સતસંગે રાસ લઈ તાળી પાડીને રમતા સાંભરે, કયારેક વેઢ વીંટી કડા હાર ઉતરી વિગેરે ઘરેણાં પહેરીને સુખપાલમાં બેઠા સાંભરે, કયારેક હાથીયે બીરાજેલા ને સાથે સંત હરિજનનાં વૃંદ સહીત સાંભરે, કયારેક ચરણને ચંપાવતા તથા ચરણ ભકતોયે પુજેલા સાંભરે, કયારેક તાપણી કરી તાપતાં સાભંરે, કયારે સુંદર શાક પોતાને હાથે બનાવતા સાંભરે, કયારેક રથ વેલ ગાડી ગાડે ઘોડે બેસીને સખાની જોડે ચાલતા સાંભરે, કયારેક તો ઘણાંક ફુલનાં હાર પહેરીને આંબા આંબલી તળે કે ઓટા પર બેઠેલા સાંભરે, કયારેક લટકેથી હાર લેતા સાંભરે. એમ વારમવાર મહાપ્રભુ સાંભરે છે. તેમ તેમ વધારે વિરહ ઉત્પન્ન થાય છે અને મહારાજનો વિયોગ તે વિસાર્યો વિસરતો નથી.
 
૩૬૮   ૧/૧      રાગ મહીનાનો સખી કારતક માસે
સ્નેહે સાંભરે શ્રીજી સદાય, અતિ ઘણુ ઉરમાં
ત્યારે અંતર બૌ અકળાય, વિકળ થૈ આતુરમાં.        ૧
જેમ પ્રાણ વિનાનુ આ પિંડ, ગાય વિના વચ્છ છે.
જેમ હંસ વિના માનસર, જળ વિના મચ્છ છે.          ર
જેમ સૂર્ય વિનાનું બ્રહ્માંડ, શશી વિના સત્ય છે.
તેમ શ્રી હરિ વિના સદાય, ચિત્તે શું નિરાંત છે.         ૩
જેમ ફળ વિનાની કેળ, નદી જળ હિન છે.
જેમ અવની વિના વરસાદ, તેમ સહુ દિન છે.          ૪
જેમ વસ્તિ વિનાનું નગર, પ્રજા નૃપતિ વિના,
જેમ લુણ વિનાનું વ્યંજન, ભોજન જેમ ધૃત હિનાં.      પ
જેમ વર વિનાની જાન, ઉજડ લાગે બહુ,
તેમ શ્રી હરિ વિના સદાય, ઝાંખા જન છે સહુ.          ૬
જેમ મણી વિના મણીધર, વિકળ થઈને ફરે,
તેમ પ્રભુ વિના નારી નર, ઝુરી ઝુરીને મરે.             ૭
જેમ મા બાપ વિનાનાં બાળ, અતિ ઘણાં કળકળે,
તેમ શ્રી હરિ વિના સદાય, કાળજ સહુનાં બળે.          ૮
કેને સુખ રહ્યું નહિ ચિત્ત, પ્રભુજી પધારતાં
પ્રભુને દયા ન આવી લેશ, શોક બૌ વધારતાં.           ૯
હસ્યા રમ્યાની ન રહી હોંશ,મડા જેવાં માનવી,
કહે જગદીશાનંદ જરૂર, ગતિ સૌની એહવી.            ૧૦
 
૩૬૯   ૧/૧     મનહર છંદ
વાલાનાં વિયોગનો વિરહ વિષય વિષેશ,
તેથી છેક છાતી બળે, છરર છરર છરર.
કરમ કઠણ કેમ, કરી કેને કહે કાંઈ,
થાય થિર તજી તન, થરર થરર થર,
અધિક અધિક, અહોનિશ અંતરે ઉદાસ,
ફફડે ફિકરે ચિત્ત, ફરર ફરર ફર.
કહે જગદીશાનંદ ખરેખરુ ખાય સમ,
આંખમાંથી આંસુ ખરે, ખરરખર.
એવી રીતે બાઈ ભાઈ સૌને દિલગીરી તો ઘણી થાય છે તો પણ ઉપરથી દીલગીરી દેખાડતા નથી, અને અંતરમાંતો સદા ઉદાસ જ રહીને ફકત દેહનાં દિવસ પુરા કરે છે, કેમ કે પ્રભુજીયે તો હેત આપીને મન હરિ લીધા, તે વિસરે તેમ નથી, સુખ સાથે લઈ ગયા ને દુઃખ આહીં મુકી ગયા, સૌનું જીવન જાતું રહ્યું તેથી સૌનાં મન સદા ઉદાસ રહે છે, માટે આ વિષે તે કેટલુંક લખીયે. લખે પાર આવે તેમ નથી ને કીધે કહી શકાય તેમ પણ નથી માટે આટલું લખીને હવે તો બંધ રાખું છું.
 
                       માલિની વૃત.
વિરહ અનળ આવો, શું લખું હું વિશેષ, થરર કર ધ્રુજ, ચિત્ત ચાલે ન લેશ.
અરરર આતે, કૈ શકું કેમ વાત, ચરરર ચિત્ત દાઝે શોક થાયે આઘાત.
 
                મનહર છંદ
માણકી ઘોડીયે, મહા પ્રભુનાં વિયોગ થકી,
આ લોકમાં કયાંઈ પોતે ચિત્ત જ દીધુ નહિ.
ઉદાસ થઈને ઉભી, નેણ થકી નીર ઝરે,
ચિત્તે શોકાતુર, મુખે તૃણ જ લીધું નહિ.
ધણી ગયા તેથી, છુટી ધિરજ એ ઘોડી તણી,
પ્રભુ ગયા પછી પોતે, પાણી જ પીધું નહિ.,
કહે જગદીશાનંદ, એ ઘોડીની દશા જોઈ,
આનો દેહ રેશે કેમ, કોઈએ કીધું નહિ.
 
                   દોહરા
અઢારસે છયાસી તણી, જેષ્ટ વદી દશ મેં જ
તન તજી અક્ષરધામમાં, ગઈ માણકી એજ
ઇતિ શ્રી હરિ દેહોત્સર્ગ સંપૂર્ણ
 

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી