છાંડીકે શ્રી કૃષ્ણ દેવ, ઓરકી જો કરૂં સેવ;૧/૪

પદ ૧/૪ ૫૦૫
 
છાંડીકે શ્રીકૃષ્ણ દેવ, ઓરકી જો કરૂં સેવ;કાટી ડારો કર મેરો, તીખી તરવારસે. ટેક.
ત્યાગીકે રસિક કાન, ઓરકો જો ધરુ ધ્યાન;ચીર ડારો છાતિ મેરી, કઠીન કુઠારસેં. છાંડીકે ૧
કૃષ્ણ બિન અન્ય જેહી, ઇષ્ટ જાની નમું તેહી;ફોર ડારો શિર મેરો, મુશળ પ્રહારસેં. છાંડીકે ર
મુક્તાનંદ કહે મોય, ઓર જો પ્રતીત હોય;જાનીયો અધિક નીચ શ્વપચ લબારસેં. છાંડીકે ૩ 

મૂળ પદ

છાંડીકે શ્રીકૃષ્‍ણ દેવ, ઓરકી જો કરૂં સેવ;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ઉત્પત્તિ

બ્રહ્મચર્યની સહજ વૃતિ સાથે મુકુંદદાસ યોગ્ય ગુરુની શોધમાં બાબા દ્વારકાદાસથી માંડીને મહંત તુલસીદાસજી પર્યંત અનેક સંત મહાત્માઓને મળી ચૂક્યા હતા, પણ જયારે સદ્‌ગુરુ રામાનંદ સ્વામીનો મેળાપ થયો ત્યારે જ એમનાં અંતરમાં શાંતિ થઇ અને મુકુંદદાસજી મુકતાનંદ સ્વામી બન્યા. મુક્તાનંદ સ્વામી ગુરુ રામાનંદજીને જ ભગવાન માનતા. ગુરુ પ્રત્યે એમને અપાર નિષ્ઠા હતી. સં. ૧૮૫૬માં શ્રીજીમહારાજ સત્સંગમાં પધાર્યા ને સં. ૧૮૫૮ માં સદ્‌ગુરુ રામાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને ધર્મધૂરા સોંપી દેહોત્સર્ગ કર્યો. મહારાજે જયારે પોતાનું પૂર્ણ પુરુષોત્તમપણું પ્રગટ કર્યું ને સમાધિ પ્રકરણ ચલાવ્યું ત્યારે ગુરુ પ્રત્યેની અનન્ય નિષ્ઠાને કારણે જ મુક્તાનંદ સ્વામી ખૂબ મૂંઝાયા. પરંતુ કાલવાણીમાં રામાનંદ સ્વામીએ દિવ્યરૂપે દર્શન આપી મુક્તાનંદ સ્વામીની ભ્રમણા ભાંગી એમને શ્રીહરિનો સર્વોપરી નિશ્ચય કરાવ્યો. આ ઘટના પછી પણ મુક્તમુનિના અંતરમાં ગુરુ પ્રત્યે જે ભગવદ્‌ભાવ ને મહિમા દ્રઢ થયેલો તે યથાવત્‌ રહેલો. ગુરુ પ્રત્યેની અનન્ય નિષ્ઠાને કારણે મુક્તમુનિ પોતાની પૂજામાં રામાનંદ સ્વામીની કોપીનનો આડબંધ ગુરુની પ્રસાદીરૂપે રાખતા અને દરરોજ પૂજા કરતી વખતે ખૂબ જ ભક્તિભાવપૂર્વક એ આડબંધને આંખે અડાડતા. એકવાર સદ્‌ગુરુ પરમચૈતન્યાનંદ સ્વામી સવારે પૂજા કરીને મુક્તાનંદ સ્વામીના આસને સ્વામીના દર્શન કરવા આવ્યા ત્યારે મુક્તમુનિ પૂજા કરી રહ્યા હતા. પરમચૈતન્યાનંદ સવામીને જોઇને મુક્તાનંદ સ્વામીએ એમની પૂજામાંથી ગુરુની કોપીનનો આડબંધ લઈને તેમણે બતાવતાં કહ્યું : ”સ્વામી ! આ રામાનંદ સ્વામીની પ્રસાદી છે, દર્શન કરો.” આ સાંભળી પ્રસાદીના દર્શન કરવાને બદલે પરમચૈતન્યાનંદ સ્વામી આંખો મીંચી આડું જોઈ ગયા. મુક્તમુનિને આશ્ચર્ય થયું : “ કેમ સ્વામી ! શું થયું’ પરમચૈતન્યાનંદ સ્વામી કહે : “હું પતિવ્રતા ભક્ત છું, મારી એકાંતિક ભક્તિ આરાધનામાં અન્યની ઉપાસનાને કોઈ સ્થાન નથી.” મુક્તમુનિ પરમચૈતન્યાનંદ સ્વામીનો ઉપાલંભ સમજી ગયા . એમને પોતાની ભૂલ તત્કાળ સમજાઈ ગઈ , તરત જ પોતાને તાપવા માટે પાસે મૂકેલી સગડીમાં મુક્તાનંદ સ્વામીએ તે પ્રસાદીરૂપ આડબંધનો ટુકડો મૂકી દીધો. સળગતા દેવતામાં ચાર .... ચાર કરતો એ ટુકડો બળી ગયો, સાથે જ પશ્ચાત્તાપના અગ્નિમાં સ્વામીના અંતરના રહ્યા સહ્યા સર્વ સંકલ્પ બળીને ભસ્મસાત્‌ થઇ ગયા. સ્વામી તો કવિ હૃદય હતા, એમનાં અંતરના ભાવો એમ અવ્યક્ત થોડા બેસી રહે? તરત જ કાવ્યના શબ્દોમાં અંતરની આરત વાણી પ્રગટ થવા માંડી:

વિવેચન

આસ્વાદ : મુક્તાનંદ સ્વામી જ્ઞાનપ્રધાન કવિ છે. એમનાં કાવ્યોમાં સૂક્ષ્મ પૃથક્કરણ , શાંત, તર્કસરણી , પશ્ચત્તાપમાંથી નીતરતું નિશ્ચયાત્મક જ્ઞાન અને ઉચ્ચ વિચારોના મહામૂલા મૌતીકો ઠેર ઠેર દ્રષ્ટિગોચર થાય છે. વ્રજભાષામાં રચાયેલ પ્રસ્તુત પદ પ્રાસાદિકતા, શબ્દસૌષ્ઠવ, અર્થવૈભવ તેમાં જ પદલાલીત્યથી ભરપૂર છે. કાવ્યની પંક્તિએ પંક્તિએ અને શબ્દે શબ્દે કવિના વ્યથિત હૃદયનો પશ્ચાત્તાપ વ્યક્ત થયા વિના રહી શકતો નથી. સ્વામીને ભાન થઇ ગયું છે કે પૂર્ણ પુરુષોત્તમ સ્વામી શ્રી સહજાનંદ વિના અન્યમાં કિંચિત્‌ પણ નિષ્ઠા રાખીએ તો ભયંકર ભૂલ થઇ ગઈ, પણ હવે પછી આવું કદિ નહિ બને ! અને જો ભૂલેચૂકે પણ એવું થઇ જાય તો સખતમાં સખત સજા ભોગવવા એ તૈયાર છે. અહીં કવિનો દ્રઢ સંકલ્પ અને શ્રીજીમાં અનન્ય નિષ્ઠાની દ્રઢતા પુરવાર થાય છે. “છાંડી કે શ્રીહરિકૃષ્ણદેવ “ એ પંક્તિના ઉપાડ સાથે પદનો પ્રારંભ કરતાં સ્વામી જાહેર કરે છે કે હવેથી પ્રગટ પ્રભુ શ્રી સહજાનંદ સ્વામી સિવાય અન્ય કોઈ દેવ-દેવીની કે સંત ગુરુની જો હું સેવા કરું તો મારો હાથ તીક્ષ્ણ તલવારથી કાપી નાંખતા અચકાશો નહિ. અહીં ‘શ્રીહરિકૃષ્ણદેવ’ એ શબ્દ દ્વારા કવિને પોતાના ઇષ્ટ આરાધ્ય પ્રભુ શ્રી સહજાનંદ સ્વામી જ અભિપ્રેત છે. કૃષ્ણાવતાર પહેલા પણ કૃષ્ણ નામ જાણીતું હતું , એટલું જ નહિ પણ કૃષ્ણ ઉપાસ્ય દેવ ગણાતા. કૃષ્ણ એટલે પોતાના તરફ આકર્ષે તે. અનાદિ પરમતત્વ એ જ કૃષ્ણ યા ને પરમ આકર્ષણનું કારણ છે અને એટલે જ સંપ્રદાયના ગ્રંથોમાં શ્રીજીમહારાજને સ્થાને ઘણી જગ્યાએ શ્રીકૃષ્ણ શબ્દનો પ્રયોગ થયો છે. કવિ આગળ કહે છે.એ પરમ રસિક સ્વરૂપ વિના જો અન્યનું ધ્યાન થઇ જાય તો હૃદયને સખત પ્રહારથી ચીરી નાખો અને એ પ્રભુ સિવાય અન્ય સ્વરૂપને જો મસ્તક ભૂલથી પણ નમી જય તો મારા મસ્તકને ફોડી નાખો. કેટલી બધી પ્રબળતા છે સંકલ્પની! સ્વામી તો મા‌ને છે કે જો સહજાનંદ સ્વામી વિના અન્યમાં પ્રતીતિ થઈ જા‌ય તો મારા જેવો કોઈ નીચ ને લબાડ નહિ હોય. સ્વામીએ પોતાના મિષે આપણને જ આ બધું સમજાવ્યું છે અને એ પણ કેટલી બધી સભાનતાથી (awareness), કેટલી બધી દ્રઢતાથી! પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમનારાયણ મળ્યા પછી અન્યમાં પ્રતીતિ કરાવી , એ વ્યભિચારિણી ભક્તિ છે. એના જેવું નીચ કર્મ એકેય નથી. અને એના માટે સખતમાં સખત પ્રાયશ્ચિત્ત આપવું જોઈએ એવી ;સત્સંગની માં’ ગણાતા મૃદુભાષી ઋજુ સ્વભાવના મુક્તાનંદ સ્વામીની દ્રઢ માન્યતા છે, એવું પ્રસ્તુત પદના પઠનથી પ્રતીત થાય છે. આ વ્રજભાષી પદમાં મુક્તમુનિએ સરળ ભાષામાં પણ સરસ રીતે, સચોટતાથી પતિવ્રતા ભક્તિની ટેક પ્રેરણાદાયી બોધકાવ્ય છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
સુપ્રભાતમ્
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
સુરેશ વાડકર

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી

નેહ નિભાવના
Live
Audio
0
0