ભજો ભાવશું અખંડ જપમાળા રે, માળા ટાળે છે મન કેરા ચાળા રે ૧/૧


ભજો ભાવશું અખંડ જપમાળા રે,
		માળા ટાળે છે મન કેરા ચાળા રે		...ભજો૦ ૧
હરિનું એક એક અંગ ઉર ધારો રે, સ્વામિનારાયણ નામ ઉચ્ચારો રે	-૨
જપો જુગલ ચરણ સુખકારી રે, ઊર્ધ્વરેખાદિક ચિહ્ન સંભારી રે		-૩
દશ આંગળીની માળા દશ જાણો રે, ફણા જુગલની જુગલ પ્રમાણો રે	-૪
પાની જુગલ ગુલફ જુગ શોભે રે, માળા ચાર ફેરી જન મન લોભે રે	-૫
જંઘા જુગલ જાનુ જુગ વંદે રે, માળા ચાર ફેરી સંત આનંદે રે		-૬
ઉરુ જુગલની માળા જુગ ફેરે રે, નાભિ વર્તુલ સમાન પ્રીતે હેરે રે	-૭
નાભિ ઉદર જુગલ સ્તન જોઈ રે, માળા ચાર ફેરી રહે જન મોહી રે	-૮
ભુજ જુગલ હરિના સુખકારી રે, માળા ફેરી જાય દાસ બલિહારી રે	-૯
કર આંગળીની માળા દસ કા’વે રે, જોતાં ભક્તને આનંદ ઊપજાવે રે	-૧૦
કંઠ ચિબુકની માળા જુગ ફેરી રે, મુખ પંકજ ઉમંગે રહે હેરી રે		-૧૧
મુખ નાસિકા જુગલ દૃગ હેરે રે, માળા ચાર ચારે અંગ જોઈ ફેરે રે	-૧૨
કાને કુંડળ વહાલાને જુગ કા’વે રે, ફેરી માળા ઉભય દાસ મન ભાવે રે	-૧૩
જોતાં જુગલ ભ્રકુટિ ડરે કાળ રે, પ્રેમે જોઈ દાસ જપે જુગ માળ રે	-૧૪
ભાલ તિલક સહિત વહાલું લાગે રે, જપે માળા એક દાસ અનુરાગે રે	-૧૫
માથે પાઘ તોરા સહિત રૂપાળી રે, ફેરે માળા જન જુએ વનમાળી રે	-૧૬
એવી રીતે થઈ માલિકા પચાસ રે, જપે જન્મમરણ કરે નાશ રે		-૧૭
સ્વામિનારાયણ દેવે માળા દીધી રે, પ્રેમે મુક્તાનંદે ઉર ધારી લીધી રે	-૧૮
 

મૂળ પદ

ભજો ભાવશું અખંડ જપમાળા રે

મળતા રાગ

ઢાળ : સત્ય વાત એક સાંભળોને સારી રે

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ઉત્પત્તિ

એકવાર શ્રીજીમહારાજ ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં લીંબતરુ નીચે સભા કરીને બિરાજમાન હતા ને સભામાં મોટા મોટા સંતો તથા દેશદેશના હરિભક્તો બેઠા હતા. મહારાજે સભામાં વાત કરતાં કહ્યું : “ આજે શયની એકાદશી છે.*( એ દિવસ અષાઢ સુદ એકાદશી – દેવપોઢી એકાદશીનો હતો.) માટે સભામાં બેઠેલા સર્વેએ પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે એક એક અધિક નિયમ અમારી પાસે આવી ગ્રહણ કરી જાવો અને એ નિયમ આજથી માંડીને કાર્તિક સુદ પ્રબોધિની એકાદશી સુધી પાળવો.” શ્રીજીમાંહારાજનો આદેશ મળતાં સભામાં બેઠેલા સંત હરિભક્તો એક પછી એક ઊઠીને મહારાજ પાસે જઈ નિયમ લઈ પાછા પોતાની જગ્યાએ બેસી જતા. કોઈકે સો‌ પ્રદક્ષિણા કરવાનો નિયમ લીધો, તો કેટલાકે સો દંડવત્‍ કરવાનો ને કેટલાકે સો – બસો માળા ફેરવવાના નિયમ રાખ્યા. સભામાં બેઠેલા સર્વેએ નિયમ લીધો, પણ સ. ગુ. મુક્તાનંદ સ્વામીને પૂછ્યું: ‘સ્વામી! તમે કેમ નિયમ લેવા ઊઠતા નથી?” મુક્તમુનિએ ઊભા થઈ હાથ જોડીને મહારાજને કહ્યું: “મહારાજ! હું તો દરરોજ પચાસ માળા ફેરવું છું, એથી અધિક માળા મારાથી નથી થઇ શકતી. એટલે હું નિયમ લેવા ઊઠયો નથી.” મહારાજ કહે “ આખા દિવસમાં ફક્ત પચાસ જ માળા? પણ સ્વામી ! તમે એ તો કહો તમે માળા ફેરવો છો કેવી રીતે?” મુક્તમુનિ મહારાજનો પ્રશ્ન સાંભળી નેત્ર મીંચી ગયા. મહારાજ તો અંતર્યામી છે, બધું જાણે છે છતાં આજે મનુષ્યભાવ બતાવી અજાણ્યા થઇ પૂછે છે.સ્વામીએ કહ્યું: “મહારાજ! હું તો શાંતિથી એકાગ્ર ચિત્તે આપની નખશિખ મૂર્તિ પ્રથમ અંત:કરણમાં ધારીને પછી ચરણારવિંદથી આરંભીને પ્રત્યેક અંગ ધારતાં પચાસ માળા ફેરવું છું.એમ કરતાં વચ્ચે જો કોઈ સંકલ્પ થાય તો માળા ગણવાની નહિ.” આ સંભાળીને મહારાજ અત્યંત પ્રસન્ન થઇ બોલ્યા: “ સંતો! સાંભળો ...... મુક્તાનંદ સ્વામીની આ પચાસ માળા પાસે તમારી પાંચસો માળાઓ કાંઈ નહિ ને હજાર માળા એ કાંઈ નહિ! બેરખા ફેરવવાથી કાંઈ માળા નથી થતી; અમારી મૂર્તિનું અખંડ અનુસંધાન ન રહે એવી માળાનું શું પ્રયોજન? સાધન પણ સમજીને કરવાં જોઈએ. માળા કરતી વખતે તમે જેના નામનું રટણ કરો છો, જેના નામની માળા જાપો છો, એના સ્વરૂપના સ્મરણ વિના અન્ય માયિક સંકલ્પો થયા કરે તો એ જપયોગ ફળે શે રીતે?” સંતો સમજી ગયા કે પ્રભુની મૂર્તિના સંબંધ વગરની સર્વ ભક્તિ વૃથા છે. પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું: ‘સ્વામી! અમે જે રીતે પચાસ માળા ફેરવો છો એનું વિશદ વિવરણ કરતુ એક કીર્તન રચો, જેથી સંપ્રદાયના સત્સંગીઓની ભાવી પેઢીને પણ એમાંથી પ્રેરણા મળે.” મુક્તાનંદ સ્વામી કહે: “ભલે મહારાજ! જેવી આપની આજ્ઞા” અને શ્રીજીના સૂચન પ્રમાણે મુક્તમુનિએ ‘ ભજો ભાવ શું અખંડ જપમાળા રે’ એ પદાવલિની રચના કરી સત્સંગને ભેટ ધરી. આ ગરબી પદાવલિમાં મુક્તાનંદ સ્વામીએ જપમાળા કરતી વખતે શ્રીહરિના એક એક અંગ કેવી રીતે ધારવા તેની સુંદર વિકતિ બતાવી છે. *( શ્રી સહજંદ સ્વામી ચરિત્ર- વાત ૫૮ (પૃ . ૧૦૯))

વિવેચન

આસ્વાદ : ગુજરાતી ભાષાના સાક્ષર કવિ દલપતરામે જેની વાણીને ‘ગંગાના પ્રવાહ’ તરીકે બિરદાવી છે એ સંતકવિ સ.ગુ. મુક્તાનંદ સ્વામીના વ્યક્તિત્વમાં રૂપ અને ગુણનો અદ્‌ભુત સમન્વય થયો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં એમનું સ્થાન સંપ્રદાયના માળખામાં મોભ સમું વિશિષ્ટ અને ગુણમૂલક હતું. મહારાજ એમને હંમેશા ગુરુ સમાન આદર ને પ્રેમ આપતા. શ્રીજીમહારાજની સીધી પ્રેરણા ને સૂચનથી રચાયેલા આ પદમાં મુક્તાનંદ સ્વામીની ભાવસભર રજૂઆત અને ધર્મપ્રેરક વાણીનો પરિચય થાય છે. ધર્મમાર્ગમાં પ્રભુની પ્રસન્નતાનાં જે સાધન ગણવામાં આવ્યા છે એમાં જપનું મહત્વ ધ્યાન જેટલું જ ઊંચું આંકવામાં આવે છે. જપમાળાનું મહત્વ બતાવતાં મુક્તમુનિ પ્રથમ પંક્તિમાં જ કહે છે: ‘માળા ટાળે છે મન કેરા ચાળા રે’ માળાનો ઉલેખ અહીં નામસ્મરણ યા જપના સંદર્ભમાં થયેલો છે.પ્રભુના નામનું સ્મરણ કે જપ યાને રટણ કરવાથી મન શાંત થાય છે. મનને વસવા એક હરીનામરૂપ માળો મળી જાય છે ! મનનો મુળગત સ્વભાવ બહુ ચંચળ છે. નવરું મન ગમે ત્યાં ચાળા ચુંથતું ફરે છે. પાંચવિષયમાં આડે અવળે ગમે ત્યાં ચાળા ચુથતા મનને શાંત કરવાનો સીધો ઉપાય છે જપમાળા! હવે આ માળા કેવી રીતે કરાવી એનું નિરૂપણ કરતાં કવિ કહે છે : ‘ હરિનું એક એક અંગ ઉર ધારો રે. સ્વામિનારાયણ નામ ઉચ્ચારો રે.’ નામસ્મરણમાં પણ શ્રીજીના અનેક નામ પૈકી “સ્વામિનારાયણ “ નામ બહુ પ્રભાવશાળી છે. જન્મ-મરણના ફેર ટાળી નાખે એવું પ્રતાપી એ નામ છે. નામસ્મરણની જપમાળાનું મંગલાચરણ પ્રભુના ચરણારવિંદના ધ્યાનથી કરતાં કવિ કહે છે: જાપો જુગલ ચરણ સુખકારી રે , ઊર્ધ્વરેખાદિ ચિહ્‌ન સંભારી રે.’ પ્રભુના જુગલ ચરણના સર્વે ચિહ્‌ન સંભારી એ અક્ષરાતીત ચરણની શોભાને ધ્યાનના મંગલ પ્રારંભે આત્મામાં ધારીને ‘સ્વામિનારાયણ’ મહામંત્રનો ઉચ્ચાર કરવાની વિકતિ કવિએ બહુ સુંદર રીતે સમજાવી છે. હવે પ્રભુના ચરણારવિંદનિ એક એક આંગળીનું નોખું ધ્યાન કરી દશ આંગળીની નોખા ધ્યાન સાથે દશ માળા ફેરવવાની છે. શ્રીજીની ફણા અને જંઘાનું ધ્યાન કરી એક એક માળા, એમ જુગલ ફણા અને જંઘાના ધ્યાન સાથે ચાર માળા કરવાની સૂચના કવિએ આપી છે. શ્રીહરિના ઉદરની શોભા વર્ણવતા સ્વામી નાભિને વર્તુળ સમાન વર્ણવી ઉદરના ધ્યાન સાથે બે માળા કરવાનું કહે ફેરવવાનું કહી આગળ ગાય છે; ‘ભુજ જુગલ હરિના સુખકારી રે, માળા ફેરી જાય દાસ બલિહારી રે.’ શ્રીહરિના ઉભય હસ્ત સુખકારી છે, પ્રભુ હંમેશા એના ભક્તોને આનંદ જ આપે છે. હવે પ્રભુના એ વરદ હસ્તની નાજુક આંગળીઓનું ધ્યાન કરતા એક આંગળીની એક એમ દશ આંગળીના નોખા ધ્યાન સાથે દશ માળા કરવાની છે. શ્રીજીના કંથ અને ચીબુકના ધ્યાન સાથે બે માળા તથા મુખ નાસિકા સહિત મુખારવિંદની શોભાના મધુર ધ્યાન-સ્મરણ સાથે દશ માળા કરવાનો કવિએ બહુ ઋજુતાથી –કોમળતાથી બોધ કર્યો છે. ‘કાને કુંડલ વહાલાને જુગલ કા’વે રે, ફરી માળા ઉભય દાસ મન ભાવે રે,’ કુંડળ સહિત કાનના ધ્યાન સાથે બે માળા તથા પ્રભુની બે ભૃ‌કુટિનાં ધ્યાન સાથે બે માળા કરવાની છે. પ્રભુની ‌ભૃ‌કુટિથી કાળ ડરે છે. પણ ભક્તો ભગવાનની એ ભૃ‌કુટિનાં દર્શન કરી પરમ શાંતિ પામે છે. શ્રીજીનું તિલક સહિતનું ભાલ કવિને બહુ ગમે છે, તેના ધ્યાન સાથે એક માળા કરી પ્રભુના મસ્તકની તોરા સહિતની રૂડી પાઘના ધ્યાન સાથે વળી એક માળા કરવાથી પચાસ માળાની જપમાળા પૂર્ણ થાય છે. અંતે આ જપમાળાનો મહિમા કવિ કહે છે: ‘જપે જન્મમરણ કરે નાશ રે’ આ રીતે જે શ્રી સ્વામિનારાયણ ભગવાનની પચાસ માળા જપે છે તેના જન્મમરણ ટળી જાય છે. આ કીર્તનની રચનાથી પ્રસન્ન થઇ ભગવાન શ્રી સ્વામીનારાયણે‌ મુક્ત મુનિને સ્વહસ્તે માળા દીધેલી જે ખૂબ ખૂબ મહિમા સાથે સ્વામીએ લઈને હૈયે ચાંપી. આ પદનો ઢાળ ગેયતાની દ્રષ્ટિએ આકર્ષક છે. સ્વામીએ સીધો બોધ એટલી પ્રાસાદિક શૈલીમાં આપ્યો છે કે સાંભળવો ખૂબ ગમે એવો છે. મુક્તાનંદ સ્વામીનો ભક્તિભાવ સમગ્ર કાવ્યમાં પ્રગલ્ભપણે પ્રગટ થાય છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી