અનુભવીને આપદા અંતરથી ભાગી રે ૨/૪

અનુભવીને આપદા અંતરથી ભાગી રે,
	અંતરાજામીને ઓળખ્યા તહાં લગની લાગી રે	...અનુ૦ ૧
ઊરમિ ને ત્રણ ઈષણા અહંતાને ત્યાગી રે,
	જગત જીવન જોઈને ત્યાં બુદ્ધિ જાગી રે		...અનુ૦ ૨
ચૌદલોક વૈકુંઠ લગી માયાની પાગી રે,
	તેથી અનુભવી અળગા રહે ત્રય તાપ આગી રે	...અનુ૦ ૩
અષ્ટ સિદ્ધિ નવ નિધિ તે નિર્માલ્ય ત્યાગી રે,
	મુક્તાનંદ કહે ગુરુમુખી રહે રામરાગી રે		...અનુ૦ ૪
 

મૂળ પદ

અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે

મળતા રાગ

કાફી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

વિવેચન

મુક્તાનંદ સ્વામીનો જન્મ વિ. સં. ૧૮૧૪ પોષ સુદ સાતમના રોજ અમરેલી પાસેના અમરાપર ગામે થયો હતો. એમનું બાળપણનું નામ ‘મુકુંદદાસ’ હતું. સૌરાષ્ટ્રના મહાન સંત મૂળદાસે બીજાનું આળ પોતાના ઉપર ઓઢી આત્મહત્યાથી બચાવેલી સાધ્વી બાઈની દીકરી રાધાબાઈ એમનાં માતા હતાં અને આનંદરામ એમના પિતા હતા. મહાત્મા મૂળદાસે આ નાનકડા બાળકના હૃદયમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના સંસ્કારો રેડ્યા હતા. મુકુંદનો કંઠ કામણગારો હતો. અમરાપરને ચોરે એમના કંઠથી ગવાતી રામાયણનું પાન કરવા લોકોની ભારે ભીડ જામતી. મહાત્મા મૂળદાસના સ્વધામગમન બાદ મુકુંદનું મન સંસારમાં ક્યાંય ચોંટતું ન હતું. સદ્‍ગુરુની શોધમાં એમણે ઘણી રજળપાટ કરી હતી અને આખરે ઉધ્ધવાવતાર રામાનંદ સ્વામીના ચરણમાં એનું દિલ ઠર્યું હતું અને ‘મુકુંદ’માંથી ‘મુક્તાનંદ’ થયા હતા. વિ. સં. ૧૮૫૬ શ્રાવણ વદિ છઠના દિવસે લોજ ખાતે એ સમયે ‘નીલકંઠવર્ણી’ તરીકે પ્રસિદ્ધ ભગવાન સ્વામિનારાયણનો એમને પ્રથમ જોગ થયો હતો. રામાનંદ સ્વામીના શિષ્યોમાં મુક્તાનંદ સ્વામી સર્વથી મોટા અને સદ્‍ગુણનો ભંડાર હતા. છતાં રામાનંદ સ્વામીએ વીસ વર્ષના યુવાન નીલકંઠને સર્વના ગુરુપદે સ્થાપી એની આજ્ઞામાં રહેવા કહ્યું. ત્યારે ગુરુવચને પોતે જીવનભર ‘નીલકંઠ’ના સેવક થઈને રહ્યા હતા. જ્યારે સામે ભગવાન સ્વામિનારાયણ પણ સદ્‍ગુરુ રામાનંદ સ્વામીના જેવી જ એમની આમન્યા જાળવતા હતા. મુક્તાનંદ સ્વામી બહુમુખી પ્રતિભા ધરાવતા સંત હતા. તેઓ સારા વૈદ્ય અને નાડીપરીક્ષક હતા. સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિત હતા. વડોદરાના વિદ્ધાનો સાથે શાસ્ત્રાર્થમાં વિજય મેળવી એમણે સ્વામિનારાયણ સંપ્રદાયની શાન વધારી હતી. એમણે બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્યની રચના કરેલી છે. નૃત્યકળા તેમજ સંગીતમાં પણ તેઓ એટલા જ નિપુણ હતા. તેઓ જન્મજાત કવિ હતા. ગુજરાતી તેમજ વ્રજભાષામાં એમણે સેંકડો પદો રચ્યાં છે અને અનેક પદ્યગ્રંથોની રચના કરી છે. એમણે રચેલાં ‘રુક્મિણીવિવાહ’નાં પદો તથા ‘સતીગીતા’ ભારે પ્રસિદ્ધ છે. એમની ભક્તિધારા ‘પ્રગટ ગુરુહરિ’ સહજાનંદ સ્વામીમાં સતત વિરામ પામતી રહે છે. ગુજરાતી ભાષાના આદિગદ્ય-ગ્રંથ ગણાતા ‘ભગવાન સ્વામિનારાયણનાં વચનામૃતો’ના સંકલનમાં એમણે મહત્વનો ભાગ ભજવ્યો છે. પરમ વાત્સલ્યમૂર્તિ સંત હોવાથી એમને ‘સત્સંગની મા’નું બિરુદ મળેલું છે. સર્વથી શ્રેષ્ઠ વાત તો એ છે કે એ નખશિખ સાત્વિક અને સાધુતાની મૂર્તિ હતા. સદાચારી જીવન અને પવિત્ર નિર્મળ અંતરમાંથી ઊઠતા એમના શબ્દો સાંભળનારના હૃદયમાં આરપાર ઊતરી જતા. ભગવાન સ્વામિનારાયણે એમને દેહપર્યંત ‘સાહિત્યરચના’ કરતા રહેવાની આજ્ઞા કરી હતી જે એમણે અક્ષરશ: પાળી હતી. ભગવાન સ્વામિનારાયણના વિરહને નહીં સહી શકનાર આ સંતે વિ. સં. ૧૮૮૬ના અષાઢ વદ એકાદશીને પવિત્ર દિવસે પદ્માસન વાળી યોગમુદ્રામાં બેસી સ્વતંત્ર થકા જીવનલીલા સંકેલી લીધી હતી. -;આસ્વાદઃ- અનુભવીને આપદા અંતરથી ભાગી રે અંતરજામીને ઓળખ્યા તહાં લગની લાગી રે બ્રહ્મરસના ભોક્તા અનુભવીઓને અંતમાં આપદા રહેતી નથી. જેમ સૂર્ય ઉદય થાય અને અંધકાર ભાગવા માંડે તેમ જેના અંતરમાં અંતર્યામી શ્રીહરિનો ઉદય થાય ત્યાં આપદાઓ ભાગવા માંડે. આપદાઓ બે પ્રકારની છે: એક બહારની અને એક અંદરની. અનુભવી મહાત્માઓને બહારની આપદાઓ નડતી નથી. સંસાર આપત્તિઓની ખાણ છે. આપત્તિઓ તો ભલભલાને આવે છે. પણ બહારની આપત્તિઓ મહાપુરુષોનાં અંતરમાં વિક્ષેપ ઊભો કરી શકતી નથી. આગળના ઇતિહાસો સામે દ્રષ્ટિપાત કરીએ તો ભક્તોને કેટલી કેટલી કસોટીઓ આવી છે પણ તેઓના અંતર ડગ્યાં નથી. પાંડવોનું સમસ્ત રાજ્ય છળકપટથી છીનવી લેવામાં આવ્યું. આ કાંઈ ઓછી આપદા નથી. પણ પાંડવોના મન ડગ્યાં નથી. વનમાં પથ્થરનાં ઓશીકાં કરીને પાંડવો સુખેથી નિદ્રા લઇ શકે છે. સામે રાજભવનમાં અઢળક સામગ્રી વચ્ચે કૌરવો સળગી રહ્યા છે. સુધન્વા જેવા ભક્તોને ઊકળતા તેલની કડાઈમાં તળાવું પડ્યું છે. બહારથી ઊકળતું તેલ એના અંતરની ટાઢકને ઓછી કરી શકતું નથી. ખીલેલા ફૂલોમાંથી ફોરમ ઝરે તેમ અનંત મુશ્કેલીઓ વચ્ચે પણ મહાત્માઓના જીવનમાંથી મસ્તી ઝરે છે. ભગવાન રામચંદ્રજીને ચૌદ વર્ષનો વનવાસ મળે એ કેટલી દુ:ખદ ઘટના છે! પણ ભગવાન રામચંદ્રજીની સ્થિતપ્રજ્ઞતા અભૂતપૂર્વ છે. રાજગાદી મળવાની ઘોષણા વખતે એમનું મુખ ખીલ્યું નથી અને વનવાસની ઘોષણા વખતે એમનું મુખ કરમાયું નથી. ચૌદ વર્ષના વનવાસ દરમ્યાન એમનું અંતર અગવડતાઓને લીધે ઉપાધિગ્રસ્ત થયું નથી. ભક્તોના ઇતિહાસમાં કુંતાજીએ તો કમાલ કરી છે, “કુંતાજી દુ:ખ માગકે લીનો યહ ભક્તનકી રીતિ.” કુંતાજીએ કૃષ્ણને કહ્યું, ‘પ્રભો! દુનિયામાં જેટલાં દુ:ખ છે તેટલા મને આપો. કારણ કે આ દુ:ખો મને તમારાથી નજીક રાખે છે.’ ભગવાન સ્વામિનારાયણના સાધુઓને અનાડી લોકો રંજાડતા, માર મારતા, ગામમાં પેસવા ન દેતા, પીરસેલા ભાણેથી ભૂખ્યે પેટે ઉઠાડી મૂકતા. અધૂરામાં પૂરું ભગવાન સ્વામિનારાયણ સંતોને આકરી કસોટીમાં તાવતા. એમણે સંતોને ભોજનમાં કાચા લોટનાં ગોળા ખાવાની આજ્ઞા કરી હતી. કપડાને બદલે કંતાન પહેરવાના વર્તમાન આપ્યા હતા છતાં સંતો મોજથી રહેતા, કીર્તન કરતા અને હસતા હસતા કહેતા, “મહારાજ, આપે અમારા ઉપર બહુ દયા કરી. જમવામાં કાચા લોટના ગોળા છે! મુખવાસમાં બાવાસાધુની લાકડીઓના માર છે! પહેરવામાં કંતાન છે! એટલે ખસધાધર થવાની ચિંતા નથી! આવી મજા ક્યાંથી!” અનેક ઉપાધિઓ વચ્ચે એ સાધુડાની મોજ ધટી નથી. મહાપુરુષોને મન આપત્તિઓ તો પાણીની લીલ જેવી છે. ઉપર ઉપર લીલ લીલ છે, નીચે નિર્મળ વારિ. કમળનાં પાંદડાંને પાણી સ્પર્શે નહીં એમ અનુભવીઓના અંતરને આપત્તિઓ સ્પર્શી શકતી નથી. આગળના પદમાં કહ્યું છે તેમ, ‘મનનું કૃત્ય તે મન લગી અસત્ય માને રે’ ભગવાન સ્વામિનારાયણ કહે છે, ‘મારા પરમહંસો જાણપણારૂપી દરવાજે સાવધાન થઇને અખંડ ઊભા છે. હૃદયમાં કામક્રોધાદિ કોઈ ચોરચકારને પેસવા દેતા નથી.’ મહાપુરુષોને અજાતશત્રુ કહ્યા છે. અજાતશત્રુનો અર્થ એવો નથી કે જેનો કોઈ શત્રુ ન હોય. અજાતશત્રુનો અર્થ છે જેના અંતરમાં કોઈ પ્રત્યે શત્રુભાવ ન હોય. અજ્ઞાનીઓ અને ઈર્ષાળુઓ મહાપુરુષોનો ગમે તેટલો દ્રોહ અથવા અનાદર કરે પણ મહાપુરુષોના અંતરમાં એમના પ્રત્યે શત્રુભાવ જાગતો નથી. જેમ જોરદાર પૂરમાં તણખલા ક્યાંય તણાય જાય તેમ અનુભવીઓના આનંદના પૂરમાં આપદાનાં તણખલાં તો ક્યાંય તણાઈ જાય છે! બહારની ઉપાધિઓ કરતાં અંત:કરણની ઉપાધિઓ મોટી છે. કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, અહંકાર આ બધી અંતરની ઉપાધિઓ છે. શરીરની ઉપાધિઓની તો દવા મળે પણ મનની ઉપાધિઓની દવા મળવી મુશ્કેલ છે. માણસનું શકુનિ જેવું મન કોઈનો ઉત્કર્ષ જોઈ શકતું નથી. જંગલનાં હિંસક પ્રાણીઓ હરણાંઓને પકડે એમ અંતરના દોષો જીવને પકડે છે. જ્યારે રામના વિચાર કરવા હોય ત્યારે કામના વિચારો જાગે છે. રામનું ધ્યાન કરવા બેસે ત્યારે કામનું ધ્યાન થવા લાગે છે. જાળમાં માછલાં ફસાય તેમ લોભ-લાલચના ફંદામાં જીવ ફસાય છે. કાંટાની ઝાડીમાં માણસ ફસાય તેમ અહંકારના કાંટાળા જંગલમાં જીવ અથડાય છે. અગ્નિમાં સૂકાં ઈંધણા સળગે તેમ જીવ ઈર્ષાની આગમાં સળગે છે. ભાલાથી શિકાર વિંધાય એમ રાગદ્વેષના ભાલાથી જીવ વિંધાય છે. ચકડોળમાં બાળક ચકરાવે ચઢે એમ સુખદુ:ખના ચકડોળમાં જીવ ચકરાવે ચઢે છે. આ બધી અંતરની આપદાઓ છે. મહાપુરુષોએ ચિંતા કરી હોય તો અંતરની આપદાઓ કરી છે. બહારની ઉપાધિઓને એમણે ક્યારેય ગણકારી નથી. નરસિંહ ભગવાને જ્યારે હિરણ્યકશિપુને મારી પ્રહ્‍લાદની રક્ષા કરી વરદાન માંદવાનું કહ્યું ત્યારે પ્રહ્‍લાદજીએ પ્રભુને કહ્યું, ‘હે ભગવાન! તમે મારા પિતાને મારીને મારી રક્ષા કરી છે એમ માનતા હો તો તમારી ભૂલ છે. મારો પિતા મારો શત્રુ નહોતો. મારા સાચા શત્રુઓ તો મારી ઇન્દ્રિઓ-અંત:કરણનો સમુદાય છે. આ બધાથી મારી રક્ષા કરશો ત્યારે જ સાચી રક્ષા માનીશ!’ લીલાં લાકડાં સળગે ત્યારે ધુમાડો થાય પણ જેમ જેમ આગ વધતી જાય તેમ તેમ ધુમાડો ઓછો થતો જાય. એક સમય એવો આવે જ્યારે ધુમાડો સાવ શમી જાય અને વિશુદ્ધ અંગારા બચે. પરબ્રહ્મના અનુભવની આગ જેમજેમ જોર પકડે તેમ તેમ આપદાઓના ધુમાડા શાંત થવા લાગે છે. વેગથી વહેતો પવન આકાશનાં વાદળાંને વિખેરી નાખે તેમ બ્રહ્મ-પરબ્રહ્મનાં અનુભવનો પવન અંતરની આપદાઓનાં વાદળાંઓને વિખેરી નાંખે છે. સૂરજ ઊગે અને અંધારાં ભાગે એમ અનુભૂતિનો સૂરજ ઊગે એટલે અંતરમાંથી આપદાઓનાં અંધારા ભાગવા લાગે છે. અંતરજામીને ઓળખ્યા તહા લગની લાગી રે જીવ સાગરને કાંઠે છબછબીયા કરે છે. અનુભવી મહાપુરુષો મહાસાગરમાં મોજ માણે છે. કાંઠે છબછબીયાં કરે તેને કોડીયું મળે, મધદરિયે ડૂબકી મારે એને નવલખાં મોતી મળે. ઉપરછલ્લાં છબછબીયા કરનારને ઈશ્વર મળતો નથી. એ તો મરજીવા થઈને ડૂબકી લગાવે તેને જ મળે છે. આપણે બધા મોટે ભાગે શરીર, ઇન્દ્રિયો અને મનની સપાટીએ ફરીએ છીએ. જ્યારે મહાપુરુષો ચૈતન્યના મહાસાગરમાં ઊંડે ડૂબકી મારે છે. ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે: ईश्वरः सर्वभूतानां हृद्रशेङर्जुन भारता I ‘હે અર્જુન! સર્વ ભૂત-પ્રાણીનાં અંતરમાં બેઠેલો અંતર્યામી ઈશ્વર યંત્રમાં પરોવાયેલા પદાર્થોની જેમ સર્વને ભમાવે છે.’ तमेव शरणं गच्छ सर्वभावेन भारत I ‘હે પાર્થ! તું સર્વ પ્રકારે તારા અંતર્યામીને શરણે જા. એ જ તને સાચો માર્ગ બતાવશે.’ આ સમસ્ત વિશ્વને કોઈ અજબગજબનાં યંત્રો ઉપર ચઢાવનારા, ફેરવનારા અને નિયમન કરનારા અંતર્યામી નારાયણ છે. મહર્ષિ યાજ્ઞવલ્કય અમરત્વની ઝંખનાવાળાં પોતાનાં પત્ની મૈત્રેયીને કહે છે. જે પૃથ્વીની અંદર રહી પૃથ્વીનું નિયમન કરે છે પણ પૃથ્વી તેને જાણતી નથી. જે પાણી ની અંદર રહી પાણીનું નિયમન કરે છે પણ પાણી એને જાણતું નથી. જે આગની અંદર રહી આગનું નિયમન કરે છે પણ અગ્નિ એને ઓળખતો નથી. જે પવનની અંદર રહી પવનનું નિયમન કરે છે પણ પવન એને પામતો નથી. જે આકાશની અંદર રહી આકાશનું નિયમન કરે છે પણ આકાશ એને આંબતો નથી,’ જે આત્માની અંદર રહી આત્માનું નિયમન કરે છે પણ આત્મા એને જાણતો નથી. આટલી વાત કર્યા પછી યાજ્ઞવલ્ક્ય મહત્વની વાત કરતાં કહે છે, ‘હે મૈત્રેયી! અમૃત સ્વરૂપ એ અંતર્યામી તારામાં પણ વિરાજમાન છે. એને ઓળખે એ જ અમર થાય છે.’ અંતર્યામીને અજવાળે જે જીવે છે તે ક્યારેય પાપ આચરી શકતો નથી. આપણે યંત્રને ઓળખીએ છીએ પરંતુ યંત્ર ચલાવનારને ઓળખતા નથી. અનુભવી મહાત્માઓ યંત્રના ચલાવનારને ઓળખે છે. આપણે દેહને પ્રેમ કરીએ છીએ, અનુભવી સંતો દેહના અણુએ અણુને પ્રકાશિત કરનાર દેવને પ્રેમ કરે છે. આપણને ઉપરની સપાટી સાથે લગની લાગી છે. અનુભવી સંતોને અંતર્યામી સાથે લગની લાગી છે. લગની લાગે એટલે માણસ ધુની થઇ જાય. સ્થળ અને સમયનું ભાન ન રહે ત્યારે લગની લાગી કહેવાય. સીઝન ઉપર વેપારની લગની લાગે ત્યારે વેપારી જમવા બેઠો હોય તોય ધ્યાન તો ધંધામાં જ હોય. ખારા, મોળા, ખાટા, મીઠાની એને કાંઈ ખબર ન હોય. વૈજ્ઞાનિક પોતાની ધૂનમાં પ્રયોગશાળામાં ખોવાઈ જાય છે ત્યારે એને રાતદિવસનું ભાન રહેતું નથી. અનુભવી સંતોને અંતર્યામી સાથે લગની લાગે પછી દેહના દુ:ખ સુખ કાંઈ ગણતરીમાં આવતાં નથી. અનુભવી સંતોને શરીરની આપદાઓ શરીર સુધી જ સીમિત હોય છે. ઇન્દ્રિયોની આપદાઓ ઈન્દ્રિય સુધી જ સીમિત હોય છે. અંત:કરણની આપદાઓ અંત:કરણ સુધી જ સીમિત હોય છે. અનુભવીઓનાં અંતરમાં ઝળહળતો પ્રકાશ છે, ત્યાં આપદાઓનો અંધકાર પહોંચી શકતો નથી. અનુભવીઓને આપદાઓ ઉપર ઉપરથી ભાસે છે, ભીતરમાં નહીં. જૂનાગઢમાં એક સંત હતા. અક્ષરપ્રિયદાસ સ્વામી નામ હતું. આ સંત ગુણાતીત સ્વામીના કૃપાપાત્ર હતા. અતિ ઉચ્ચ કક્ષાના સંત હતા. અંખડ ભજન કરતા. રાત્રે પગ લાંબો કરીને સૂતા નહીં. રાત્રે આંખો મીંચીને બેઠા હોય. જોનારાને લાગે કે સ્વામી સૂતા છે પણ સ્વામીનો કંઠ મોરના કંઠની પેઠે ચાલતો હોય. તેમાંથી અંખડ ‘સ્વામિનારાયણ’, ‘સ્વામિનારાયણ’ નાદ નીકળતો હોય. વૃધ્ધાવસ્થામાં સ્વામી રાજકોટ રહેતા. એક સમયની વાત છે. ફાગણ મહિનાના દિવસો હતા. જૂનાગઢના મહાન સંત સ્વામી કૃષ્ણચરણદાસ સંતનો સંઘ સાથે લઈ નરનારાયણદેવના પાટોત્સવ પ્રસંગે ફૂલદોલના સમૈયે જઈ રહ્યા હતા. સ્વામી રાજકોટ પધાર્યા. બન્ને સંતો પરસ્પર મળ્યા. અક્ષરપ્રિયદાસ સ્વામીનાં હાથે મુંઢું ગૂમડું થયેલું. ગૂમડું ભારે પીડા કરતું હતું. ગૂમડાને લીધે સ્વામીને તાવ આવેલો. કૃષ્ણચરણદાસ સ્વામીએ ખબરઅંતર પૂછ્યા અને પોતે ફૂલદોલના સમૈયે જઈ રહ્યા છે તે વાત કરી. અક્ષરપ્રિયદાસજી સ્વામીએ કહ્યું, ‘બે દિવસ રોકાઈ જાવ. પછી જજો.’ અનુભવી સંત વાણી અનુભવી પામી જાય. કૃંષ્ણચરણદાસ સ્વામીએ સંઘને રોક્યો. ઘણાને આમ અધવચ્ચે રોકાવું ન ગમ્યું પણ કોઇ બોલી શક્યું નહીં. આ બાજુ સ્વામીના શરીરે પીડા વધતી ચાલી, તાવ વધ્યો. ક્યારેક ક્યારેક મૂર્છા આવવા માંડી. સ્વામીને મૂર્છા વળી એટલે કૃષ્ણચરણ સ્વામીએ પૂછ્યું, ‘સ્વામી! બહુ પીડા થાય છે?’ આ સાંભળી અક્ષરપ્રિયદાસ સ્વામી હસ્યા અને જવાબ દીધો. એ જવાબ અનુભવી સંતોનો જવાબ હતો. સ્વામી બોલ્યા, ‘પીડા તો ઘોડાને છે, અસવાર આનંદમાં છે.’ ઘઉં અને કાંકરા નોખા થઈ જાય તેમ સ્વામીએ આટલી પીડા વચ્ચે પણ દેહભાવ અને આત્મભાવને જુદા કરી દીધા. આમ ને આમ સમય પસાર થવા લાગ્યો. કૃષ્ણચણદાસ સ્વામી પાસે બેસી અખંડ હરિસ્મરણ કરતા. બે દિવસ બાદ સ્વામીએ પથારીમાં સૂતાં સૂતાં આકાશ સામે મીટ માંડી હાથ જોડ્યા. કૃષ્ણચરણદાસ સ્વામીએ અક્ષરપ્રિયદાસ સ્વામીને પૂછ્યું, ‘કેમ સ્વામી?’ અક્ષરપ્રિયદાસ સ્વામી કહે, ‘મારો સમય પૂરો થવા આવ્યો છે. ગુણાતીતાનંદ સ્વામી વગેરે સંતોને લઈને શ્રીજી મહારાજ તેડવા પધાર્યા છે.’ કૃષ્ણચરણ સ્વામીએ કહ્યું, ‘તો આપનો શું વિચાર છે?’ અક્ષરપ્રિયદાસ સ્વામી કહે, ‘જ્યારે બાપ સ્વયં બોલાવા આવે ત્યારે વિચાર શો કરવાનો હોય? હવે આ ભાંગેલા ખોખામાં કોણ રહે? લ્યો ત્યારે જય સ્વામિનારાયણ.’ આટલું કહી સ્વામીએ શરીર છોડી દીધું. અનુભવીને આપદા અંતરથી ભાગી રે. આપદાઓના સમુદાય વચ્ચે અનુભવીઓનો અસવાર આનંદમાં હોય છે. ઘોડા અને અસવારનાં ભેદ અનુભવીઓને હોય, આપણને નહીં. આપણી સ્થિતિ તો દયાજનક છે. આપણે તો ઘોડો અસવાર થઈ ગયો છે અને અસવાર ઘોડો થઈ ગયો છે. આપણા આત્મભાવ ઉપર દેહભાવે પલાણ માંડ્યા છે. ખેલનારો ખેંચે છે અને ખેંચનારો ખેલે છે. આના જેવો તાલ છે. પામરથી માંડીને પંડિતો સુધી આવો જ તાલ ચાલે છે. પંડિત થોથી પોથી વાંચે ભીંતર કામ જરે, ઘટ અનઘટકા ભેદ ન જાને બેઠા પેટ ભરે... મનવા સબ ઘટ રામ જરે... મૂરત પૂજે મરમ ન સમજે કૈસે કામ સરે, જડ ચેતન કા ભેદ ન બુઝે, પરગટ વૈર કરે... મનવા સબ ઘટ રામ જરે... આગળ સ્વામી કહે છે – ઊરમિને ત્રણ ઈષણા અહંતાને ત્યાગી રે જગત જીવન જોઈને તહાં બુદ્ધિ જાગી રે અનુભવી સંતો ઊર્મિઓ, એષણાઓ અને અહંકારથી પર વર્તે છે. ભૂખ, તરસ, હરખ, શોક, જરા, મૃત્યુ – જીવનપ્રાણીમાત્રના દેહમાં આ છ ઊર્મિઓ રહેલી છે. આ ઊર્મિઓ પ્રાણીઓને અકળાવે છે; મહાત્માઓને અકળાવતી નથી. પ્રાણીઓ ઊર્મિઓના પ્રવાહમાં તણાય છે. પરમહંસો ઊર્મિઓના પ્રવાહને તટસ્થભાવે નીરખે છે. પરમહંસોને ભૂખ, તરસ પીડતા નથી. હરખ-શોકના હિંડોળા તેઓને ડોલાવતા નથી. જરા અને મૃત્યુથી ડરતા નથી. મહાત્માઓ શરીરના ધર્મોને શરીરથી પર રહી નીરખ્યા કરે છે. જે સમયે જે સારાંનરસાં ભાવ આવે એને હસતે મુખે સ્વીકારે છે. જે સમયે જે મળે તે સમયે તેનાથી નિર્વાહ કરે છે. એષણા એટલે લાલસા-તૃષ્ણા. એષણાઓ ત્રણ છે: પુત્રેષણા, વિત્તેષણા અને લોકેષણા. આ ત્રણ એષણાના પાશથી જીવનપ્રાણીમાત્ર બંધાયેલા છે. પુત્રેષણાનો અર્થ છે સંતાન પેદા કરવાની કામના. ન માત્ર મનુષ્ય પરંતુ પશુ, પક્ષી, વૃક્ષ, વેલી જ્યાં જ્યાં ચેતના છે ત્યાં ત્યાં પુત્રેષણા રહેલી છે. એક બીજાને બીજા હજાર બીજ પેદા કરવાની કામના છે. આ કામના સહજ છે. આ કુદરતનો નિયમ છે. આ સર્જનહારની લીલા છે. ભગવાન સ્વામિનારાયણ આને સૃષ્ટિની ‘કળ’ કહે છે. પુરુષને સહેજે સ્ત્રીમાં હેત થાય છે. સ્ત્રીને સહેજે પુરુષમાં હેત થાય છે. બેઉથી ઉજરેલી પ્રજામાં બેઉને હેત થાય છે. આ જ હેતરૂપી કળથી સંસારનું ચક્ર સતત ગતિશીલ રહે છે. સંસારીઓ પુત્રેષણાથી જીવે છે. અનુભવી મહાપુરુષોએ એ જ પુત્રેષણાનું બ્રહ્મેષણામાં ઊર્ધ્વીકરણ કર્યુ છે. સંસારીઓનો પ્રવાહ અધોગામી છે. સંન્યાસીઓનો પ્રવાહ ઊર્ધ્વીગામી છે. એક પ્રવાહ બંધન તરફ વહે છે, બીજો મુક્તિ તરફ વહે છે. આનો બીજો અર્થ એ થાય કે જેનો પ્રવાહ ઊર્ધ્વીગામી છે તે સંસારમાં હોવા છતાં સન્યાસી છે અને જેનો પ્રવાહ અધોગામી છે તે સાધુ હોવા છતાં સંસારી છે. પુત્રેષણા પ્રાણીમાત્રમાં છે પરંતુ બાકીની બે એષણાઓ વિત્તેષણા અને લોકેષણા તો માત્ર માનવયોનિમાં જ જણાય છે. વિત્તેષણા એટલે ધન-સંપત્તિ-વૈભવની લાલસા. મૃગજળ પાછળ મૃગલાં દોડે તેમ માણસ ધનસંપત્તિ માટે દોડે છે. બાળક નાનો હોય, ભણતો હોય ત્યારથી એના મનમાં બીજ પડ્યાં હોય કે મોટા થઈને મારે પૈસા કમાવવા છે. વેપારી પેઢીએ બેઠો હોય, ગ્રાહકો સાથે જાતજાતની વાતો કરતો હોય પણ મન તો નફાનુકસાનની ગણતરીમાં જ રમતું હોય. ભગત મંદિરમાં ઊભો રહીને રામ રામ જપતો હોય પણ મન તો દામ દામ ઝંખતું હોય. વેગે ચઢાવેલા યંત્રની પેઠે માણસ ધન-લાલસાથી દોડી રહ્યો છે. વિત્તેષણાએ સમસ્ત વિશ્વને ચકરાવે ચઢાવ્યું છે, ગમે તેટલું મળે પણ માણસને સંતોષ નથી, ‘એક મિલે દસ વીસકુ ઇચ્છત’ જેવી સ્થિતિ છે. જોકે જીવનવ્યવહાર માટે ‘ધન’ આવશ્યક છે. ડાહ્યા માણસોએ ‘અર્થ’ અને ‘ભોગ’ બન્નેને ચાર પુરુષાર્થમાં સ્થાન આપ્યું છે. પરંતુ માત્ર અને માત્ર ધન, વૈભવ અને ભોગ પાછળની આંધળી દોટમાં જો માણસ ‘ધર્મ’ અને ‘મોક્ષ’ ભૂલી જાય તો એનો સોદો ભારે મોંઘો પડે અને આવા ‘અર્થ’ અને ‘ભોગ’ અનેક અનર્થનું કારણ બને. આજના યુગમાં ધન એ જ મોટાઈનો માપદંડ બન્યું છે. સંસારીઓ જેટલાં જ ધન માટેની દોટ ધર્મસ્થાનોની છે. સંસારીઓ જેટલી જ ધન માટેની હરીફાઇઓ ધર્મસ્થાનોમાં છે. સંસારીઓ જેટલી જ ધન માટેની યુક્તિ-પ્રયુક્તિઓ ધર્મસ્થાનોમાં થઈ રહી છે. પરિણામે સંસારીઓ જેટલાં જ વરવાં રાજકારણ ધર્મસ્થાનોમાં ખેલાઈ રહ્યાં છે. જે ધર્મસ્થળો ધન માટેની હરિફાઇમાં નથી ફસાયાં તે વંદનીય છે. સંસારીઓ વિત્તેષણામાં ફસાઇ તે સમજાય તેવી વાત છે પણ સાધુ-મહાત્માઓ જ્યારે ધનવૈભવના ચકરાવામાં ચઢે ત્યારે વાત વણસી જતી હોય છે. સત્તા અને સંપત્તિ માટેના સંઘર્ષથી ધર્મસ્થાનોની શોભા નાશ પામે છે. અનુભવી મહાત્માઓ વિત્તેષણાના વમળમાં ફસાતા નથી. આત્મવૈભવ પાસે ચૌદભુવનની સંપત્તિ તણખલા જેવી છે. એમની વિત્તેષણાને એમણે આત્મવૈભવની એષણામાં ફેરવી નાખી છે. જેને આત્મવૈભવનો અખુટ ખજાનો હાથ લાગ્યો તે બહારના વૈભવ પાછળ દોટ દેતો નથી. અનુભવી મહાત્માઓ માટે તો ગિરધારી રે સખી ગિરધારી, મારે નિરભે અખુટ નાણું ગિરધારી, ખર્ચ્યું ન ખૂટે તેને ચોર ન લૂંટે, દામની પેઠે એ ગાંઠે બાંધ્યું નવ ખૂંટે ... ગિરધારી... ત્રીજી એષણા લોકેષણા છે. લોકેષણાનો અર્થ છે માન, કીર્તિ, યશ-પ્રતિષ્ઠાની લાલસા. આ એષણા આગળની બન્ને એષણાઓ કરતાં વધારે સૂક્ષ્મ અને બળવાન છે. સંસારીઓ તો લોકેષણાથી જકડાય તે સહજ વાત છે પરંતુ કહેવાતા મોટા મોટા મહાત્માઓ પણ લોકેષણાના પાશથી મુક્ત નથી. કદાચ પુત્રેષણા કે વિત્તેષણા છૂટી શકે છે પરંતુ લોકેષણા છોડવી ખૂબ જ કઠણ છે. લોકેષણામાંથી આડંબરો પેદા થાય છે. ધર્મજગતનું મોટામાં મોટું દૂષણ હોય તો લોકેષણા છે. ‘લોકો અમને માને, પૂજે’ આવી પ્રચ્છન્ના કામના જાતજાતનાં પાપ કરાવે છે. જે અધ્યાત્મના કેન્દ્રબિંદુથી દૂર ફેંકાયેલો હોય તે જ લોકેષણામાં રાચતો હોય છે. અનુભવી મહાત્માઓ ‘स्वमहिन्मि प्रतिष्ठिताः’ પોતાના મહિમાને વિષે પ્રતિષ્ઠિત હોય છે. એમને પ્રચારકોની આવશ્યકતા નથી કારણ કે એમને જગતનાં માન-સન્માનની ભૂખ નથી. સમર્થ સદ્‍ગુરુ બાલમુકુંદદાસજી સ્વામીએ શરીર છોડતા પહેલાં શિષ્યોને ભલામણ કરી કે ‘મારો અગ્નિસંસ્કાર એવી જગ્યાએ કરજો કે જ્યાં ભવિષ્યમાં પણ કોઈ સ્મારક ન રચી શકાય.’ ૠષિકેશના પરમ પવિત્ર સંત સ્વામી રામસુખદાસજી એષણામુક્ત પરમહંસ હતા. એમણે રચેલા ‘વીલ’ મુમુક્ષુઓએ વાંચવા જેવું છે. એષણામુક્ત મહાપુરુષોનાં જીવન કેટલાં ઉદાત્ત હોય છે એ એમના વીલ ઉપરથી જાણવા મળે છે. સદ્‍ગુરુ બાલમુકુંદદાસજી સ્વામી એમ કહેતા કે ‘સાધુ જ્યાં સુધી જીવતો છે ત્યાં સુધી એનાં વખાણ ન કરવાં. મર્યા પછી અગ્નિસંસ્કાર થઈ જાય, અસ્થિ-ભસ્મ પાણીમાં પધરાવી દેવાય પછી વખાણ કરવાં. નહિતર વખાણ તો માણસને રાખમાંથી બેઠા કરે તેવા છે. જગત જીવન જોઈને તહાં બુદ્ધિ જાગી રે પરમાત્માં જગજીવન છે. અનંત અસ્તિત્વની ધારાઓ એ પરમ અસ્તિત્વને આધારે વહે છે. એ મહા પ્રાણને લીધે સમસ્ત વિશ્વ પ્રાણવાન છે. જડ-ચેતન વિશ્વનાં પ્રત્યેક સ્પંદનો એ જગજીવનને લીધે છે. ઉપનિષદમાં કહે છે – ‘જેને લીધે વાણી બોલે છે. આંખ જુવે છે. પ્રાણ પ્રાણવાન છે. મન મનન કરે છે.’ મહાસાગરનાં જળ વાદળોનાં રૂપ ધરી વરસે, એ જ નીર નદીઓ રૂપે વહે, અંતે એ નીર મહાસાગરમાં જ સમાઈ જાય છે. એ જ રીતે અનંત અસ્તિત્વની ધારાઓનો આરંભ જગજીવન એવા પરમાત્મામાંથી છે અને વિરામ પણ ત્યાં જ છે. જીવો જગતને પ્રેમ કરે છે, અનુભવી મહાત્માઓ જગતના પરમ પ્રાણને પ્રેમ કરે છે. જીવોની બુદ્ધિ જગતનાં વૈભવ માટે જાગે છે, અનુભવી મહાત્માઓની બુદ્ધિ જગજીવન માટે જાગે છે. ભાગવતમાં શુકદેવજી કહે છે, सम्यक् व्यवसिता बुद्धिस्तवराजर्षिसत्तम I ‘હે રાજર્ષિ પરિક્ષિત ! તારી બુદ્ધિએ કૃષ્ણચરિત્રમાં પ્રેમ કર્યો એ માટે એને ધન્ય છે.’ દેહ-ગેહાદિ સ્થૂળ પદાર્થોમાં ભમે તે બુદ્ધિ ધન્ય નથી. દેવ-દાનવ-માનવના વૈભવો માટે જાગે તે બુદ્ધિ ધન્ય નથી. યુક્તિ-પ્રયુક્તિથી સ્વાર્થ સાધે તે બુદ્ધિ ધન્ય નથી. સર્વજીવોના જીવનાધાર શ્રીહરિને સમર્પિત થાય તે બુદ્ધિ ધન્ય છે. કુરુક્ષેત્રના રણમેદાનમાં મકરસંક્રાંતિના પર્વે શરીર છોડતા પહેલાં ભીષ્મે કૃષ્ણને કહ્યું. इतिमतिरुपकल्पिता पितृष्णा I ‘હે કૃષ્ણ ! મારું મૃત્યુ તો સમીપ છે પણ મારું એક કામ અધૂરું રહી જાય છે.’ કૃષ્ણે કહ્યું, ‘બોલો દાદા! તમારું ક્યું કામ અધૂરું છે? અમે એ પૂર્ણ કરીશું.’ ભીષ્મ કહે, ‘કૃષ્ણ! મારી દીકરી કુંવારી છે. તેને મારે મરતા પહેલાં પરણાવવી છે. બધા આશ્ચર્યમાં પડ્યા. ‘બાલ બ્રહ્મચારી દાદાને દીકરી કેવી?’ રહસ્યનું ઉદ્‍ઘાટન કરતાં ભીષ્મ બોલ્યા, ‘કૃષ્ણ! મારે બુદ્ધિરૂપી દીકરી છે જે હજુ સુધી મારી જેમ જ બાળકુંવારી છે. મરતા પહેલાં એ તમારી સાથે પરણે, તમે એનો સ્વીકાર કરો એવી મારી ઇચ્છા છે. જે રીતે વ્રજની ગોપીઓએ તમને પ્રેમ કર્યો એ જ રીતે કૃષ્ણ! મારી બુદ્ધિ તમને પ્રેમ કરે.’ કૃષ્ણે પૂછ્યું, ‘તો દાદા તમે તમારી દીકરીને અત્યાર સુધી કુંવારી કેમ રાખી?’ દાદાએ કહ્યું, ‘કૃષ્ણ, એ હજુ તમને પરણાવવા લાયક નહોતી. જાતજાતની તૃષ્ણાઓને લીધે એ કદરૂપી હતી. આજે એ બુદ્ધિ નિર્દોષ બની છે. હે પુરાણપુરુષ! વિષયોના રાગથી ગંદી-ગોબરી કન્યા તમને કેમ અપાય! આજે એના બધા રાગ ધોવાઈ ગયા છે. એ પરમ અનુરાગવાળી બની છે. આ મારી કુંવારી કન્યાનો તમે સ્વીકાર કરો એટલે મારુ જીવન અને મરણ બન્ને ધન્ય બની જાય.’ જગત જીવન જોઈને તહાં બુદ્ધિ જાગી રે... આગળ સ્વામી કહે છે, ચૌદ લોક વૈકુંઠ લગી માયાની પાગી રે, એથી અનુભવી અળગા રહે ત્રય તાપ આગી રે. પૃથ્વીથી નીચે સાત લોક છે: અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ અને પાતાળ. પૃથ્વીથી ઉપર છ લોક છે: ભુવર્લોક, સ્વર્ગલોક, મહર્લોક, જનલોક, તપલોક અને સત્યલોક. પૃથ્વીથી નીચેના લોકમાં નિશાચરો, નાગો, રાક્ષસો વસે છે. પૃથ્વી પર માનવો વસે છે. પૃથ્વીથી ઉપરના લોકમાં પિતૃઓ, દેવતાઓ, ઋષિઓ અને બ્રહ્માદિક ઈશ્વરો વસે છે. આ ચૌદ ચૌદ લોકમાં માયાની પાગી છે. પાગી એટલે પહોંચ. આ ચૌદ ચૌદ લોકને એક વખત કાળ કોળિયો કરી જાય છે. પૃથ્વીથી અધોલોકમાં રહેનારાઓની જીવનધારા જ અધોગામિની છે એવું નથી. ઊર્ધ્વલોકમાં રહેનારાઓની જીવનધારા પણ અધોગામિની જ છે. દેવતાઓનાં રાગ, દ્વેષ, ઈર્ષ્યા અને દુરાચારો બહુ વર્ણવવા જેવાં નથી. ઉપરથી ઊજળા જણાતા દેવતાઓની કાળી કથાઓ પુરાણોને પાને પાને લખાયેલી પડી છે. એમાં એક બીજાને ઉતારી પાડવાના કાવાદાવાઓ તો ઠીક, એકબીજાની પત્નીઓનાં અપહરણ કરવાની અવળચંડાઈ પણ એટલી જ માત્રામાં ભરી પડી છે. ત્રીગુણી માયાના પાશમાં દેવ, દાનવ, માનવ, મુનિ બધા બંધાયેલા છે. છેક વૈકુંઠની સરહદ સુધી ચૌદે ચૌદ લોક માયાના અંધકારથી ઘેરાયેલા છે. વાદળાંઓથી સૂરજ ઢંકાય તેમ દેહભાવથી આત્મભાવ ઢંકાયેલો છે. ત્રય તાપ આગી રે... માયામા માત્ર અંધકાર જ છે એવું નથી. અંધકારની સાથે આગ પણ છે. ત્રણ તાપનો દાવાનળ ચૌદેય લોકને સળગાવી રહ્યો છે. ત્રણ તાપનાં નામ છે – ‘આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક.’ આધિભૌતિક તાપ એ��લે શરીરની પીડા. દાનવો અને માનવો કરતાંય દેવતાઓના શરીરના સંતાપ જબરા છે. અશ્વિનીકુમારો જેવા વૈદ્યોની હાજરી જ એમની શારીરિક પીડાનો પરિચય કરાવે છે. આધ્યાત્મિક તાપ એટલે મનની પીડા. રાગ-દ્વેષાદિક મનની પીડાથી દેવતાઓ પણ મુક્ત નથી. આધિદૈવિક એટલે કુદરતી પીડા. મનુષ્યલોકમાં કુદરતી પીડા એટલે અતિવૃષ્ટિ થવી, અનાવૃષ્ટિ થવી વગેરે છે. મોટામાં મોટી કુદરતી આપત્તિ હોય તો કાળદેવતાનો કોપ છે. કાળદેવતાના સપાટાથી દેવ, દાનવ, માનવ કોઈ બચી શક્તા નથી. બ્રહ્માજીને પણ એમની આવરદા પૂરી થઈ જાય ત્યારે શરીર છોડવું પડે છે. એમના સત્ય લોકનો નાશ થઈ જાય છે. બ્રહ્મ અને પરબ્રહ્મ સિવાય કાળ સર્વનો કોળિયો કરી જાય છે. ત્રણેય તાપથી ચૌદ ભુવન સળગે છે. પણ જીવની સ્થિતિ દયાજનક છે. અનુભવી સંતોને જે સળગતું લાગે છે, અજ્ઞાની જીવને એ શીતળ અને સુખદ લાગે છે. બ્રહ્માનંદ સ્વામી કહે છે: દુનિયાદાર દુ:ખી સબ દેખે, જરત હૈ મોહ ઝંઝીરી સે, દિલ લાગ્યા હમારા ફકીરી સે. દુનિયાદાર ત્રણે તાપથી સળગે છે, હેરાન થાય છે છતાં પણ એમને વૈરાગ્ય થવાની વાત નથી. વનમાં ખળીએ હરણાં વસે. માણસને રહેવાની જગ્યાને ઘર કહેવાય તેમ હરણાને રહેવા માટેની જગ્યાને ‘ખળી’ કહેવાય. વનમાં દવ લાગે એટલે હરણાં ભાગીને ખળીએ પહોંચે. અને મનમાં એમ કે ‘ખળી અમને ઉગારશે.’ પણ ખળી દવથી ઘેરાઈ ચૂકી હોય, હરણાં આગમાં ભડથું થઈ જાય. ખળીની આસક્તિ હરણાંઓને આગમાં હોમે છે. સિંહને કોઈ ખળી ન હોવાથી જ્યાં દવ ન હોય તે દિશાએથી જંગલમાંથી બહાર નીકળી બચી જાય છે. દુનીયાદારો હરણાં જેવા છે. તે દેહ, ગેહ, ધન દારારૂપી ખળીમાં મોહની સાંકળથી બંધાયેલાં છે તેથી સળગે છે છતાં છૂટી શકતા નથી. અનુભવી સંતો સિંહ જેવા છે, એ મોહની સાંકળથી મુક્ત છે. માટે દાઝતા નથી. કોઈ સ્થાનવિશેષ કે ધામવિશેષની ધારણાથી ઉપર ઊઠી. અહીં વૈકુંઠ શબ્દ વિચારવા જેવો છે. विगता कुंठा यस्मात् सः विकुंठः तस्य भावः वैकुंठम् I દ્રષ્ટિ અને ગતિને કુંઠિત કરે, અવરોધે એને કુંઠા કહેવાય. વૈકુંઠ એક એવી દિવ્ય બ્રાહ્મી અવસ્થા છે જ્યાં ગતિ કે દ્રષ્ટિને કોઈ અવરોધ કે આવરણ નથી. વૈકુંઠ એટલે નિરાવરણ અને નિર્વિરોધ ભૂમિકા. જેને બ્રહ્મલોક કે ચિદાકાશ પણ કહી શકાય. સાધકની ગતિ અને દ્રષ્ટિનું લક્ષ્ય ભગવાન પરાત્પર નારાયણ છે. પ્રકૃતિનાં અષ્ટ આવરણો સાધકની ગતિ અને દ્રષ્ટિને અવરોધી નારાયણ સુધી પહોંચવા દેતા નથી. શાસ્ત્રોએ પૃથ્વી, પાણી, આગ, પવન, આકાશ, અહંકાર, મહત્વ અને પ્રકૃતિ આ આઠે આઠ તત્વોને આવરણ કહ્યાં છે. સાધકને અવરોધવાની એમની સૂક્ષ્મ રીત સમજી લઈએ. પૃથ્વી વગેરે પાંચ ભૂતોનાં પરિણામ પાંચ વિષયો છે. આકાશનું પરિણામ શબ્દ છે. વાયુનું પરિણામ સ્પર્શ છે. અગ્નિનું પરિણામ રૂપ છે. પાણીનું પરિણામ રસ છે. પૃથ્વીનું પરિણામ ગંધ છે. આ પંચ વિષયોની આપાત રમણીયતા આસક્તિના પાશથી જીવને વિષય સાથે બાંધી રાખે છે. મહત્તત્વ એટલે મનુષ્યનું ચિત્ત. વડલાના બીજમાં જેમ વડલો સમાયો છે તેમ મનુષ્યના ચિત્તમાં સમસ્ત સંસાર સમાયો છે. મનુષ્યનું ચિત્ત એટલે વિષય-વાસનાનાં બીજોનો ભંડાર. અહંકાર એટલે દેહમાં આત્મબુદ્ધિ. પ્રકૃતિ એટલે દેહબુદ્ધિનો જન્મ દેનારી માયા. ભરવાડ જેમ લીલી ચાર્યની લાલચે પશુને ખીલે બાંધે છે એમ માયા પંચવિષયોની લાલચે જીવને-દેહબુદ્ધિને ખીલે બાંધે છે. વૈકુંઠ એક એવી ભૂમિકા છે જ્યાં દેહબુદ્ધિનો ખીલો નથી. ખીલે બાંધવાની દોરડી નથી. ખીલે બાંધનારી માયા નથી. બંધાવાની લાલચ જાગે એવી વિષયોની લીલી ચાર્ય નથી. આવી નિરાવરણ અને નિર્વિરોધ ભૂમિકા એટલે વૈકુંઠ. વૈકુંઠની બીજી લોકપ્રસિદ્ધ વિશિષ્ટતા છે. વૈકુંઠમાં ભગવાન શેષશય્યા પર શયન કરે છે. શેષ એટલે મહાકાળ. વૈકુંઠમયી બ્રહ્મભૂમિકાએ સતત સરકતા કાળની ગતિ થંભી ગયેલી છે. વૈકુંઠની ત્રીજી વિશિષ્ટતા એ છે કે અહીં ચંચલ લક્ષ્મીજી ચાંચલ્ય છોડી નારાયણના ચરણોની સેવા કરે છે. એનો અર્થ એ છે કે વૈકુંઠલોક એવી દિવ્ય ભૂમિકા છે જ્યાં સર્વ ઐશ્વર્યોની સ્વામિની લક્ષ્મીદેવી ભગવાનની દાસી થઈને રહે છે. બીજા મોટા મોટા દેવતાઓના લોકમાં માયા સ્વામિની થઇને બેઠી છે. મોટા મોટા બ્રહ્માદિ દેવતાઓ પણ માયાના ગુલામ થઈને રહ્યા છે. સર્વત્ર માયાનું શાસન છે અને સર્વત્ર ત્રણ તાપની આગ પ્રસરે છે. અનુભવી મહાત્માઓ માયાગ્રસ્ત અને તાપગ્રસ્ત લોકથી ઉપર ઉઠી વૈકુંઠમાં વાસ કરનારા છે. માયાના પાશ એમને બાંધતા નથી. ત્રણ તાપની આગ એમને દઝાડતી નથી. એટલું જ નહીં, જે જીવને આવા મહાત્માઓનો જોગ થાય તે જીવ પણ માયાના સંતાપથી મુક્ત થઈ જાય છે. અષ્ટ સિદ્ધિ નવ નિધિ નિર્માલ્ય ત્યાગી રે, મુક્તાનંદ કહે ગુરુમુખી રહે રામ રાગી રે. યોગશાસ્ત્રમાં આઠ પ્રકારની સિદ્ધિઓનું વર્ણન છે. અષ્ટ સિદ્ધિઓનાં નામ છે: અણિમા, મહિમા, ગરિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઇશિત્વ, વશિત્વ. અણિમા સિદ્ધિના પ્રભાવથી યોગી અણુથી અણુ જેવું સૂક્ષ્મ રૂપ ધરી શકે છે. મહિમા સિદ્ધિના પ્રભાવથી યોગી મોટામાં મોટું રૂપ ધરી શકે છે. ગરિમા સિદ્ધિના પ્રભાવથી યોગી નાના સરસવના દાણા જેવું રૂપ ધરે છતાં બ્રહ્માંડ જેટલો ભારે બની શકે છે. પ્રાપ્તિ સિદ્ધિના પ્રભાવથી યોગી એક સ્થળે બેઠો હોય છતાં દૂર દૂરના પદાર્થોને પ્રાપ્ત કરી શકે છે. પ્રાકામ્ય સિદ્ધિના પ્રભાવથી યોગીના સર્વ સંકલ્પો સિદ્ધ થાય છે. ઇશિત્વ સિદ્ધિના પ્રભાવથી યોગી જડ-ચેતન વિશ્વનું નિયમન કરી શકે છે. વશિત્વ સિદ્ધિના પ્રભાવથી યોગી સમસ્ત વિશ્વને પોતાને આધીન કરી શકે છે. નવ નિધિ એટલે કુબેરના નવ ખજાના. આપણા ગણિતમાં પ્રસિદ્ધ સંખ્યા અબજની છે. અબજ પછી ઓછી પ્રસિદ્ધ સંખ્યા ખર્વ અને નિખર્વ છે. અબજને એક મીંડું ચઢે એટલે ખર્વ અને ખર્વને એક મીંડું ચઢે એટલે નિખર્વ. નિખર્વને નવ મીંડાં ચઢે એટલે નવ નિધિ. એ ઉત્તરોત્તર વધતી સંખ્યાનાં નામ છે. ‘પદ્મ મહાપદ્મ મકર કચ્છપ મુકુંદ નંદક નીલ શંખ અને લક્ષ્મી.’ આમ શૂન્યથી આરંભ થયેલ ધન, વૈભવના ખજાનાનો વિરામ સાક્ષાત્‌ લક્ષ્મીજીના શ્રીચરણોમાં થાય છે. અધ્યાત્મ પંથના પ્રવાસીઓ માટે આ અષ્ટ સિદ્ધિ અને નવ નિધિઓ કાદવભર્યા કળણ જેવી છે. ભલભલા જોગીઓ, જતિઓ, સાધકો આ કળણમાં ખૂંતી જાય છે. ભગવાન શ્રીકૃષ્ણે ભાગવતજીના એકાદશ સ્કંધમાં આ યોગસિદ્ધિઓ અને ધનઐશ્વર્યને અધ્યાત્મ-માર્ગના પ્રબળ અવરોધક ગણ્યા છે. અનુભવી સંત-મહાત્માઓ આ અષ્ટ સિદ્ધિ અને નવનિધિઓમાં મોહ પામતા નથી. નિર્માલ્યની જેમ આ સર્વનો ત્યાગ કરે છે. ‘અષ્ટ સિદ્ધિ નવ નિધિ નિર્માલ્ય ત્યાગી રે’ અહીં ‘નિર્માલ્ય’ શબ્દ મહત્વનો છે. જેમાં કાંઈ માલ ન હોય, જે તણખલાં જેવું તુચ્છ હોય તેને નિર્માલ્ય કહેવાય. ખાસ કરીને પૂજામાં ‘નિર્માલ્ય’ શબ્દ વપરાય છે. ઠાકોરજીને સ્નાનાદિ કરાવ્યા પછી પૂજા કરાવનાર કહે છે उत्तरे निर्माल्यं विस्रुजेत I ‘ઠાકોરજીને સ્નાનાદિ વખતે અર્પણ કરેલા ફૂલને લઈ સૂંઘી નીચે મૂકી દ્યો.’ આ નિર્માલ્ય વિસર્જનનો ભાવ સમજવા જેવો છે. એક દ્રષ્ટિએ જોઈએ તો સ્નાનાદિ વખતે ઠાકોરજીએ જે વસ્ત્રો. ફૂલમાળાઓ ધારણ કરી હતી તે ભીનાં વસ્ત્રો અને જૂની ફૂલમાળાઓ વાસી થઈ ચૂક્યાં છે તેને દૂર કરવાનાં છે. ભીનાં વસ્ત્રો અને વાસી ફૂલો ‘નિર્માલ્ય’ ગણાય છે. નિર્માલ્ય છે છતાં પ્રભુપ્રસાદભૂત હોવાથી સૂંઘીને વિસર્જન કરવાનું છે. કોરાં, નવાં વસ્ત્રો અને તાજાં નવાં ફૂલોની માળા પહેરાવતા પહેલાં વાસી નિર્માલ્યનું વિસર્જન કરવું અનિવાર્ય છે. કોઈ ખાનદાન કુળમાં વાસી કે ઊતરેલું ભોજન વપરાતું નથી. નિત્ય તાજા બ્રહ્મરસનું પાન કરનારા અનુભવી મહાત્માઓને માયાનો ઊતરેલો વાસી રસ કેમ પસંદ આવે? હમણાં હમણાં રોડ પર એક જાહેરાત જોવા મળે છે. ‘ઊંચે લોગ ઊંચી પસંદ,’ જાહેરખબર આપનારાઓનો આશય ઊંચો હોય કે અધમ એ તો એ જાણે. પણ વાત સો ટકા સાચી છે. ‘ઊંચે લોગ ઊંચી પસંદ!’ ઊંચા ભવનોમાં વસે એને ગંદી-ગોબરી ઝૂંપડપટ્ટીમાં રહેવાનું મન ન થાય. ઉત્તમ મેવા-મીઠાઈ જમતો હોય તેને ખોરું. વાસી, ઊતરેલું કેમ ભાવે? જે રામરાગ થયો તે વિષયાનુરાગી કેમ થઈ શકે? ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે: विषया विनिवर्तन्ते निराहारस्य देहिनं I रसवर्ज रसोप्यस्य परं द्रष्टवा निवर्तते II ‘નિરાહાર રહેવાથી વિષયોની નિવૃત્તિ થાય છે પરંતુ વિષયો પ્રત્યેના રાગની નિવૃત્તિ થતી નથી. ઉત્તમ સુખમાં દ્રષ્ટિ પહોંચે તો કનિષ્ઠ વિષય પ્રત્યેનો રાગ નિવૃત થઈ જાય છે.’ ગામડાંના નાનાં નાનાં છોકરાંઓ અનોખી છાસ કરે. કુંભારને ત્યાંથી કુલડી લાવે. કુલડીમાં પાણી ભરે. પાણીમાં બોરડીનાં પાન અને સાબુનો ભૂકો નાખે. મલોખડાંનો રવૈયો કરે. રવૈયો ફેરવે એટલે ફીણ વળે. છોકરાઓ રાજી રાજી થાય. ‘છાસ સરસ થઇ!’ છોકરાંઓ છાસ બાપાને બતાવે. બાપા પણ છોકરાંને રાજી કરવા છાસનાં વખાણ કરે. પણ મનમાં તો સમજે કે ‘આ વખાણ તો છોકરાંને રાજી કરવા માટે છે. સાબુની છાસનાં વખાણ થાય પણ પીવાના કામમાં ન આવે!’ એ જ છોકરાંઓ મોટાં થાય પછી એને સાબુની છાસ કરવાનાં મન થતાં નથી. એ જ રીતે બ્રહ્મરસના ભોગી થયા તેને નિર્માલ્ય જેવી અષ્ટ સિદ્ધિ અને નવ નિધિઓમાં મોહ થતો અથી. પરાપૂજામાં નિર્માલ્યનો સુંદર અર્થ કહ્યો છે: त्यजेत् अज्ञाननिर्माल्यम् I અજ્ઞાન એ જ નિર્માલ્ય છે. અજ્ઞાનરૂપી નિર્માલ્યનો ત્યાગ કરવો. અજ્ઞાન એટલે અવિદ્યા. દર્શનશાસ્ત્રની દ્રષ્ટિએ સમસ્ત સર્જન અવિદ્યામાંથી થયું છે. અવિદ્યાનું સર્જનમાત્ર નિર્માલ્ય છે. પછી એ અષ્ટ સિદ્ધિ હોય કે નવ નિધિ હોય. પૂજામાં નિર્માલ્યને સૂંધીને છોડવાની વિધિ છે. આનો અર્થ એ છે કે અવિદ્યાના સર્જનમાંથી સાર સાર ગ્રહી લેવો, બાકીનું બધું છોડી દેવું. સર્જન ભલે અવિદ્યાનું હોય છતાં અમુક અંશે પરબ્રહ્મની પ્રાપ્તિમાં સહાયક છે. શરીર, ઇન્દ્રિયો, અંત:કરણ વગેરે ભલે અવિદ્યામાંથી સર્જાયા છે છતાં જ્ઞાનપ્રાપ્તિનાં સાધનો બની શકે છે. વિષયોના સર્જન અવિદ્યામાંથી થયાં છે છતાં ઠાકોરજીની સેવામાં ઉપયોગી થઈ શકે છે. આવડે તો અવિદ્યા પણ મોક્ષનું સાધન થઈ શકે છે. ઉપનિષદ કહે છે अविद्या मृत्युं तीर्त्वा - ‘અવિદ્યાથી મૃત્યુ તરી જવાય છે.’ જ્ઞાની પુરુષો જગતનો વિવેકથી ઉપયોગ કરે છે. સર્જનને સર્જનહાર સુધી પહોંચવાની સીડી બનાવે છે. પછી એ સાધનનો નિર્માલ્યની પેઠે ત્યાગ કરે છે. વૈરાગીઓની પરંપરામાં બે પ્રકારના ત્યાગની વાત આવે છે. એકમાં વિષયોનો મળની પેઠે ત્યાગ કરવાની વાત છે. બીજામાં ‘निर्माल्यवत् विसृजेत’ નિર્માલ્ય પેઠે તજી દેવાની વાત છે. આ બન્ને ત્યાગમાં પ્રથમ ત્યાગ કરતાં બીજો ત્યાગ ઉત્તમ જણાય છે. પ્રથમ ત્યાગ તિરસ્કાર-બુદ્ધિ સાથેનો ત્યાગ છે. આ ત્યાગમાં વિષયો પ્રત્યે જુગુપ્સા ભરી છે, ઘૃણા ભરી છે. જ્યારે બ્રહ્મરસના ભોગીને વિષય રસનો ત્યાગ અવશ્ય હોય છે પણ ત્યાં જુગુપ્સા હોતી નથી. ઈશ ઉપનિષદ કહે છે ततो न् विजुगुप्सते I આત્મા-પરમાત્માના જ્ઞાતાઓને કોઈ પ્રત્યે ઘૃણા હોતી નથી. એમનો ત્યાગ તો કમળના પત્રોને પાણી પ્રત્યે જેવો સહજ અનાસક્ત ભાવ છે તેવો હોય છે. વેદ કહે છે –अश्व इव रोमाणि विधूय I ઘોડો શરીરને ધ્રુજાવી ખોટાં રુંવાડાં ખેરી નાખે તેમ જ્ઞાની પુરુષો અહંતા, મમતા અને વિષયોમાં આસક્તિરૂપ સંસારને ખેરી નાખે છે. ઘૃણાથી કરેલો ત્યાગ આખરે ત્યાગ રહેતો નથી. એ તો ઊલમાંથી ચૂલમાં પડવા જેવી વાત છે. અનુભવી મહાત્માઓને સંસાર તજવો પડતો નથી. બ્રહ્માનંદની ઉત્તમ અવસ્થાએ એમનો સંસાર સહજતાથી શિવનિર્માલ્યની પેઠે ખરી પડે છે. નાનાં નાનાં બાળકો ગામના પાદરમાં રમે, નદીના પટમાં પગ મૂકી રેતીનાં ઘર કરે, ગારાના ગોધલા કરે, મલોખડાંનાં ગાડાં કરે, સરખે સરખા મિત્રો સાથે રમે, રમતા રમતા લડે પછી મોજથી છૂટા પડે. આ જ બાળકો મોટાં થાય, મોટાં મોટાં મકાનો બાંધે, મર્સિડીજ ગાડીઓમાં ફરે પછી રેતીનાં ઘર કરતા નથી ગારાના ગોધલા કરતા નથી, મલોખડાંનાં ગાડાં કરતા નથી, એટલું જ નહીં, આ બધું એમને સ્વપ્નેય સાંભરતું નથી. મોટા થતાં નાનપણની રમતો એમને મન સહજ રીતે શિવનિર્માલ્ય બની જાય છે. મહાપુરુષોનો સંસાર આ જ રીતે છૂટી જાય છે. સહજાનંદ સ્વરૂપ શ્રીહરિની મૂર્તિના આનંદની સામે મોટા મોટા દેવતાઓનાં ભોગ, ઐશ્વર્ય, સુખો, અષ્ટ સિદ્ધિઓ અને નવ નિધિઓ નિર્માલ્ય જેવાં તુચ્છ છે. વચનામૃતમાં ભગવાન સ્વામિનરાયણ કહે છે, ‘પરમાત્માની પાસે મોટા મોટા દેવતાઓ સડતાલાના રાંક જેવા છે.’ ચક્રવર્તી સમ્રાટના રાજવૈભવમાં મહાલતો હોય તેને રાંકના વાસી, ઊતરેલા રોટલાના ટાઢા ટુકડા કેમ ભાવે? ચૌદ ભુવનના પંચ વિષયો ગમે તેટલા શ્રેષ્ઠ મનાતા હોય પણ એક વખત તે વાસી અને વિકૃત બની જાય છે. શેરડીનો રસ સરસ છે પણ થોડી વાર એમ ને એમ બહાર પડ્યો રહે તો વિરસ બની જાય છે. લીલા નાળિયેરનું પાણી સ્વાદિષ્ટ અને પોષક છે પણ ખોલ્યા પછી થોડી વાર બહાર રહે તો દારૂ બની જાય છે. બ્રહ્મરસના ભોક્તાઓને આવા નિર્માલ્ય વાસી અને વિકૃતિથી ભરેલા વિષય રસો પસંદ નથી. જીરે પરનારે પીધેલાં પિયુ નો પીએ જીવણ તરસ્યા રે જાય.. એવા પિયુને સંદેશો કોઈ મોકલો રે... ભગવાનને અણબોટ્યાં અન્ન, નવાં વસ્ત્રો અને તાજાં ફૂલો પસંદ છે અર્થાત્‌ જે પ્રેમ નિત્ય નવો રહેતો હોય તેવો પ્રેમ પસંદ છે. વાતવાતમાં વાસી થઈ જાય અને ઊતરી જાય તેવો પ્રેમ પસંદ નથી. મુક્તાનંદ કહે ગુરુમુખી રહે રામ રાગી રે અનુભવી મહાત્માઓ અષ્ટ સિદ્ધિ અને નવ નિધિઓને પ્રેમ કરવાને બદલે આ બધું જેના ચરણમાં આળોટે છે એવા પ્રભુને પ્રેમ કરે છે. અમૃતનો મહાસાગર મળે પછી ખાબોચિયાને પ્રેમ કોણ કરે? જે રામનો અનુરાગી થયો એને કામમાં રાગ કેમ થાય? ગુરુમુખી થયા વગર રામમાં અનુરાગી થતો નથી. મુક્તાનંદ સ્વામી આ પદોમાં વારંવાર ‘ગુરુમુખી’ શબ્દ વાપરે છે. ગુરુ શું કામ કરે છે? એ સમજવા માટે કાનુડાની એક કથા જોઈએ. ભગવાન બાલકૃષ્ણ સાથે નાના નાના ગોવાળીયાઓ રમતા હતા. રમતનું નામ હતું ‘પરછાઈ પકડ દાવ’. કાનુડો નાનાં નાનાં છોકરાંઓને પડછાયો પકડવા દોડાવે. નાનાં નાનાં છોકરાં કાનુડાના વચને હોંશથી દોડે, પરસેવે રેબઝેબ થઈ જાય પણ પડછાયા હાથમાં ન આવે. મિત્રોને થાકી ગયેલા જોઈ કાનુડો કહે ‘ઊભા રહો. હું પડછાયો પકડીને પાછળ રાખી દેવાના મંત્રો જાણું છું. તમે બધા પંક્તિમાં ઊભા રહી જાવ, કાનુડાનાં વેણે બળકો હારબંધ ઊભાં રહે. કાનુડો કહે, ‘હવે આંખો મીંચી જાવ.’ બાળકો આંખો મીંચી જાય. કાનુડો કહે ‘હવે હું તમારા કાનમાં એક મંત્ર કહેવા આવું છું. તમારે એ મંત્ર મનોમન બોલવાનો છે.’ બાળકો કહે, ‘ભલે.’ કાનુડો એકાએક છોકરાને પકડે. કાનમાં કફલં કફલં બોલે અને સૂરજને પીઠ દઇને ઊભેલા છોકરાનું મોઢું સૂરજ બાજુ ફેરવી નાખે. કાનુડો કહે, ‘હવે આંખો ખોલો.’ બધાં આંખો ખોલે તો, પડછાયો પાછળ દેખાય! કાનુડો કહે, ‘જુઓ પડછાયો આપણી પાછળ રહી ગયો. આ મંત્ર ભારે કામણગારો છે. હવે એને ભૂલશો મા.’ બોળકો કફલં કરતા કરતાં આનંદમાં ખેલવા માડે. સૂરજ સામે દોડે. પડછાયો પાછળ ઢસડાતો આવે. સૂરજને પીઠ દઈને દોડનારને સૂરજની સન્મુખ કરવા એ કાનુડાનું કામ. એ જ રીતે પરમાત્માને પીઠ દઈને દોડનારને પરમાત્મા સન્મુખ કરવા એ ગુરુનું કામ. ગુરુમુખી થવાનો અર્થ છે હરિસન્મુખ થવું. ક્રિકેટમાં બોલર દ્વારા વેગથી ફેંકાયેલા, બાઉન્સ થયેલા બોલને કુશળ બેટ્સમેન સહેજ બેટ મારે એને ‘હુક’ મારી કહેવાય. હુક લાગતાં જ દડો પોતાના જ વેગથી પાછળના ભાગે બાઉન્ડ્રી બહાર નીકળી જાય. ગુરુ કુશળ બેટ્સમેન છે. જીવનાં ઇન્દ્રિયો-અંત:કરણની ઊછળતી-કૂદતી વેગવાન વૃત્તિઓને ગુરુ કુશળતાથી એવો વળાંક આપે છે કે તે માયાની સરહદ બહાર નીકળી જાય છે. મનમુખી જીવ કામરાગી છે. ગુરુ એને કુશળતાથી રામરાગી બનાવે છે. પડછાયા જેવી સિદ્ધિઓ, નિધિઓ, ઐશ્વર્યો એની પાછળ ઢસડાતાં આવે છે. પરંતુ જેને પ્રકાશ સાથે પ્રેમ થયો એ ક્યારેય પડછાયાને પ્રેમ કરતો નથી.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી