મારા વાલાજી શું વાલપ દીસે રે; તેનો સંગ શીદ તજીએ ૧/૧

મારા વાલાજી શું વાલપ દીસે રે;
	તેનો સંગ શીદ તજીએ, તે વિના કેને ભજીએ		-ટેક.
સન્મુખ જાતાં શંકા ન કીજે, મર ભાલાતણા મેહ વરસે રે;
	હંસ જઈ હરિજનને રે મળશે, કાચી તે કાયા પડશે રે	-તેનો૦ ૧
શૂળી ઉપર શયન કરાવે, તોયે સાધુને સંગે રહીએ રે;
	દુરિજન લોક દુર્ભાષણ બોલે, તેનું સુખ દુ:ખ સર્વે સહીએ રે	-તેનો૦ ૨
અમૃતપે અતિ મીઠા મુખથી, હરિનાં ચરિત્ર સુણાવે રે;
	બ્રહ્મા ભવ સનકાદિક જેવા, જેનાં દર્શન કરવાને આવે રે	-તેનો૦ ૩
નરકકુંડથી નરસું લાગે, દુરિજનનું મુખ મનમાં રે;
	મુક્તાનંદ મગન થઈ માગે, વાલા વાસ દેજો હરિજનમાં રે	-તેનો૦ ૪

 

મૂળ પદ

મારા વાલાજી શું વાલપ દીસે રે; તેનો સંગ શીદ તજીએ

મળતા રાગ

મલાર

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ઉત્પત્તિ

સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામીની જ્ઞાનવિશારદતા, વાણીમાધુર્ય અને અત્યંત મૃદુ સંવેદનશીલ સ્વભાવ સંપ્રદાયની તવારીખમાં અજોડ છે. શ્રીજીમહારાજ હંમેશા તેમને ગુરુતુલ્ય આદર આપતા હતા. વડોદરાની વિદ્વત્સભામા એમનો જ્વલંત વિજય એ એમના સંતજીવનનું ઉજવળ પાસુ છે. આવા પ્રેમાળ સંતવર્યના જીવનની સેક વિરલ ઘટના મુમુક્ષુને અનોખો સંદેશ આપી જાય છે. એકવાર એવું બન્યું કે મુક્તાનંદ સ્વામીના મંડળમાં શ્રીજીમહારાજે કેટલાક પૂર્વ હિન્દુસ્તાની સંતોનો સમાવેશ કરાવ્યો. આ સંતોની કેટલીક વિચિત્ર ટેવો મૃદુહ્યદયી મુક્તમુનિને કઠવા લાગી. સ્વામીએ આ સાધુઓને સુધારવા માટે ઘણાં પ્રયત્નો કર્યા, પરતું કાંઈ ફરક ન પડ્યો. ગીતામાં શ્રીકૃષ્ણે પણ કહ્યું છે કે જ્ઞાની પુરુષ પણ પોતાની પ્રકૃતિ વિરુદ્ધ આચરણ નથી કરી શકતો. એ પૂર્વે હિન્દુસ્તાની સાધુઓ સાચા મુમુક્ષુ અને શ્રીજીમહારાજના અનન્ય ઉપાસક હતા, પરંતુ પ્રાંત અને ભાષા ભેદને કારણે એમનું સાહજિક વર્તન પણ અન્ય સંતોને વિચિત્ર લાગતું હતું. મુક્ત મુનિએ એકવાર ફરિયાદના સૂરમાં શ્રીજીમહારાજને કહ્યું: 'મહારાજ, આમ તો બધું બરાબર છે, પરતું મારા મંડળમાં આ જે પૂર્વ હિન્દુસ્તાની સાધુઓ છે એમને બીજાના મંડળમાં મૂકી એના બદલે મને બીજા સાધુઓ આપો તો બહુ સારું.' મહારાજે આ સાંભળી સાવ અજાણ્યા થઈને પૂછ્યું: 'અરે સ્વામી, એમ શા વાસ્તે?' ‘મહારાજ, એ સધુઓની અમુક ટેવો મને રૂચતી નથી.' ‘સ્વામી, શું એ સંતો પંચ વર્તમાનના આચરણમાં કાચા છે?’ 'ના.. મહારાજ, એવું તો નથી. આમ તો એ બધાય સાધુતાના સર્વેગુણે સંપન્ન છે. એમની ચાલ ઢાલ, એમની બોલચાલ, એમની રીતભાત મને ગોઠતી નથી.' અંતે મહારાજે એક ત્વરિત નિર્ણય લઈને કહ્યું: 'સ્વામી, એ વાત હમણાં રહેવા દો. અમારી તમને એક આજ્ઞા છે તેનું તમે તત્કાળ પાલન કરો. ધ્રાંગધ્રા રાજ્યના રામ મહોલમાં સદાવ્રત અપાય છે, ત્યાં ભારતભરમાંથી દરેક સંપ્રદાયના સાધુસંતો આવીને રહે છે. તમે એકલા ત્યાં જઈને રહો. અમે બોલાવીએ ત્યારે જ પાછા આવજો.' મહારાજની આજ્ઞા થતાં જ સ્વામી તત્કાળ ધ્રાંગધ્રા ગયા. રામ મહોલમાં ભારતભરના ભેખધારી બાવાઓ ભેળા સ્વામી રહેવા લાગ્યા. એ બાવાઓના એક પણ લક્ષણ એમને સાધુ સંત કહેવડાવે તેવા નહોતાં. કોઈ ગાંજો ફૂંકે તો કોઈ છીકણી સૂંઘે, કોઈ રોજ રાતે સોનાના સિક્કા ગણ્યા કરે તો કોઈક ગંદી બિભત્સ ગાળો બોલ્યા કરે. અલગ અલગ અખાડાની વેરાગી જમાતો એકબીજા સાથે સતત બાખડ્યા કરતી. પંચ વર્તમાન સાથે તો એ ભેખધારીઓને સ્નાન સૂતકનો પણ સંબંધ નહોતો. મુકતાનંદ સ્વામી ચાર દિવસમાં જ એવા અકળાઈ ગયા કે એમણે તત્કાળ એક કીર્તન રચીને શ્રીજીમહારાજને ગઢપુર મોકલ્યું અને એની સાથે પોતાને તાત્કાલિક પાછા બોલાવી લેવાની નમ્ર પ્રાર્થના કરી. એ કીર્તનના મહામૂલા શબ્દો હતા. ' મારા વ્હાલાજી શું વ્હાલ દીસે રે, તેનો સંગ શિદ તજીએ, તે વિના કેને ભજીએ...' આ કીર્તનના શબ્દેશબ્દમાં મુક્ત મુનિના અંતરનો સાચો પ્રશ્ચાતાપ પ્રગટ થતો હતો. સ્વામીને હવે સાચું સમજાઈ ગયું કે સત્સંગમાં જે છે તે જગતમાં બીજે ક્યાંય નથી. આ કીર્તન વાંચીને તરત જ શ્રીજીમહારાજે મુક્તમુનીને તેડી લાવવા પત્ર લખાવીને કાસદને રવાના કર્યો. ગઢપુર પરત આવીને અક્ષરઓરડીમાં શ્રીજીમહારાજ પાસે જઈને મુક્તાનંદ સ્વામીએ ચોધાર આસુંઓ સાથે આર્ત વચને કહ્યું: 'મહારાજ, આપે મને ધ્રાંગધ્રા રામ મહોલમાં ન મોકલ્યો હોત તો મને આપણાં સંતોનો અવગુણ દિનપ્રતિદિન વધતો જાત. આપે મારા ઉપર અત્યંત અનુગ્રહ કરીને મને મારી ભૂલ સમજાવી છે. જેવા તેવા હોય તો પણ તમારા સાધુની તોલે મહારાજ! આ જગતના કોય ભેખધારી ન આવી શકે. હવે પછી મને સત્સંગમાં ક્યારેય કોઈનો અભાવ નહી આવે. સત્સંગમાં દિવ્યભાવ હવે મારા અંતરમાં અહોનિશ રહેશે. 'આટલું કહીને મુક્તાનંદ મહામુનિ શ્રીજીમહારાજના ચરણોમાં બેસીને શીધ્ર એક કીર્તન રચીને ગાવા લાગ્યા: 'સહજાનંદ સ્વામી રે, ન પ્રગટત આ સમે રે, પ્રાણી કોઈ પામત નહિ, ભવપાર રે....' સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામીના આ બંને કીર્તન સંપ્રદાયના સાહિત્યમાં સીમાચિહ્નન સમાન છે. શ્રીજીમહારાજને આ કીર્તન અત્યંત પ્રિય હતા. ઉત્પત્તિ ૨ ઉત્પત્તિઃ- સંપ્રદાયના શાસ્ત્રો અને સદ્ગુરુ પરંપરાગત એવું જોવા-સાંભળવા મળે છે કે રામાનંદી સાધુ જ્ઞાતિમાં જન્મેલા મૂકુંદદાસમાંથી મુક્તાનંદ સ્વામી બન્યા અને સમય જતા “સત્સંગની મા” તરીકે અને ગુરુપદને યોગ્ય તેમ જ દાસત્વ ભક્તિના દરિયા તરીકેની પ્રખ્યાતિને પામ્યા. સૌના પ્રત્યે નિર્દોષ ભાવનાવાળા, ક્ષમાશીલ મહાનસંત શ્રીમુક્તાનંદસ્વામીને હંમેશા સર્વમાં ગુણદ્રષ્ટિ જ રહેતી. છતાંય એક દિવસ પોતાના મંડળના એક પૂર્વ હિન્દુસ્તાની સાધુનું અમર્યાદ વર્તન જોઈ પોતાના મનમાં એ સાધુ પ્રત્યે થોડું લાગી આવ્યુ. અંતરમાં તેનો અભાવ આવ્યો. એને કાઢી મૂકવાનો નિર્ણય મનમાં દ્રઢ કરી લીધો. અંતર્યામી પરમાત્માથી આ વાત થોડી અજાણી રહે? મારા સંબંધવાળાનો મહિમા મારા મહાનમાં મહાન સંતના હૃદયમાં પણ હોવો જરૂરી છે. ગમે તેવો તો ય મારા સંબંધવાળો છે ને? હા! એના સ્વભાવને કાઢવાનો પ્રયત્ન હોય, પરંતુ એને કાઢી મૂકવાનો સંકલ્પ શા માટે? અવારનવાર સમજાવ્યા પછી પણ સ્વભૂલનો ત્યાગ ન કરે એવાને સત્સંગથી દૂર જરૂર કરવો. આમ, વિચારી વિવેક વારિધિ સહજાનંદ સ્વામીને એક ચતુર સંતને સૂઝપૂર્વક સ્વભૂલનું દર્શન કરાવવા ધ્રાંગધ્રામાં ચાલતા માર્ગી પંથમાં ‘રામમહોલ’ ના અખાડામાં રહી સંસ્કૃતનો અભ્યાસ કરવાની આજ્ઞા કરી. આજ્ઞા થતાં સદ્ગુરુ મુક્તાનંદસ્વામી ધ્રાંગધ્રા આવ્યા. એજ રામમહોલમાં સાધુ થયા પહેલાં બ્રહ્મચર્ય સિદ્ધ કરાવે તેવા ગુરુની શોધ માટે પોતે આવેલા એટલે ત્યાંની પરિસ્થિતિનો સંપૂર્ણ ખ્યાલ હતો જ. છતા હેતસ્વી શ્રીહરિની આજ્ઞામાં કંઈક તથ્ય છે. એમ માની સ્વામી ત્યાં રહ્યા. પરંતુ ભાંગ, દારૂના કેફમાં ચકચૂર રહેનારા, રામકીના રંગે રાચનારા અને વર્તન વિહોણા એવા કાંચળિયા પંથના કામી સાધુની સાથે જેને અંતરમાંથી જ વિષયનો અભાવ થઈ ગયો છે એવા સ્વામીનારાયણ સંપ્રદાયના શ્રેષ્ઠ સંતશ્રી મુક્તાનંદસ્વામી કેમ રહી શકે? સાત આઠ દિવસમાં તો સ્વામી અકળાઈ ગયા. કેમેય કરીને ઘડી પણ જતી નથી. મહારાજના સાધુ પળે પળે યાદ આવે છે. પ્રગટ પ્રભુના સંબંધવાળા સત્સંગીનો સંગ ન મળતા સ્વામી દિલગીર થઈ ગયા છે. સુજાણ સંત મુક્તમુનિને સ્વભૂલનું દર્શન થઈ ચૂક્યું સંબંધવાળાનો મહિમા હતો તેથી વિશેષ સમજાયો. સ્વામીના અંતરમાંથી પ્રગટ ઉપાસી ભક્તોના મહિમાનું પ્રસ્તુત પદ સરી પડ્યું. એ પદને કાગળ ઉપર લખી એક હરિભક્તને તે પદ લઈ ગઢપુર મોકલ્યા. કહેવાય છે કે આ પદ વાંચી ભગવાન ભાવભીના બની ગયા હતા. મહારાજે તુરત જ એક પાર્ષદને મોકલી સ્વામીને ગઢપુર તેડાવી લીધા. તો ભક્તો! ધ્રાંગધા ગયેલા મુક્તાનંદસ્વામીના સ્વાનુભવોની સરવાણીમાંથી સરી પડેલું આ પદ મનનીય, ચિંતનીય અને સ્મરણીય છે.

વિવેચન

આસ્વાદ: પ્રસ્તુત ઐતિહાસિક પૂર્વભૂમિકા ધરાવતું પદ સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામીની અનેક શ્રેષ્ઠ રચનાઓ પૈકીનું એક છે. કાવ્યનો ઉપાડ અત્યંત ચિત્તાકર્ષક છે, કારણ કે આખા કાવ્યનો નિચોડ એ એક જ પંક્તિમાં કવિએ આપી દીધો છે. કવિને સ્વાનુભવથી હવે એ સમજાઈ ગયું છે કે જે પણ સંત હરિભક્તોને મારા પ્રિયતમ પાતળિયા સ્વેષ્ટ સ્વામી સહજાનંદજીમાં હેત છે તેમનો સંગ શા માટે છોડવો ? પ્રગટ પુરુષોતમ વિના અન્યને શા માટે ભજવા ? મહારાજ અને એમના મુક્તો એ જ હવે તો આપણો પરિવાર છે! હરિનો મારગ તો શૂરાનો મારગ છે, એના ઉપર ચાલતા ભલેને ભાલાનો વરસાદ વરસે! છતાં સહેજ પણ સંશય કર્યા વિના નિધડકપણે એ માર્ગે આગળ વધવું એમાં જ જીવનનું શ્રેય છે. આ કાયા તો ક્ષણભંગુર છે. પરંતુ આત્મા અમર છે. માટે મહારાજે શિક્ષાપત્રીમાં निजात्मानम् ब्रह्मरुपम् देहत्रय विलक्षणम् I એ શ્લોકમાં પોતાના આત્મામાં બ્રહ્મરૂપની ભાવના કરીને ભગવાનની ભક્તિ કરવાની આજ્ઞા આપી છે. માટે સત્સંગમાં બ્રહ્મરૂપની ભાવનાથી જ જો સર્વે સંત હરિભકતોનો સંગ કરવામાં આવે તો સમસ્ત સત્સંગ દિવ્ય જણાય. કવિએ હવે ઉત્કુષ્ટ ભાવે સંત સમાગમનો મહિમા ગાયો છે. અહીં બ્રહ્માનંદ સ્વામીની અમર કાવ્યપંક્તિ યાદ આવે છે: સંત પરમ હિતકારી જગત માંહી સંત પરમ હિતકારી.' તેથી જ મુક્તાનંદ સ્વામી કહે છે કે-શુળી ઉપર શયન કરાવે, તોય સાધુની સંગે રહીયે રે.... અને આમ કરતાં જો દુષ્ટ મનુષ્યોની ટીકા કે ટોળટપ્પા સહન કરવા પડે તો પણ તે ધ્યાનમાં નહિ લેતાં. સુખદુઃખને નિર્મળભાવે સ્વીકારીને ભગવાનના અમૃતરસભર્યા ગુણકીર્તન સાંભળવામાં જ રસ લેવો જોઈએ. પ્રગટ પુરૂષોત્તમનારાયણનાં જે મુકતો છે તેમના દર્શન તો બ્રહ્મા, શંકર અને સનકાદિક જેવા પણ ઝંખે છે. જયારે જે દુષ્ટજનો ભગવાનના અનન્ય ભક્તોના દ્રોહી છે તેના મુખને કવિ નરકકુંડ સાથે સરખાવે છે. એવા દુર્જનોના મુખની જે દૂષિત વાણી સાંભળે છે તેનું મન પણ ભગવાન અને ભક્તના દ્રોહને લીધે પતિત થવાથી નર્કનું અધિકારી બને છે. તેથી જ મુક્તમુનિ મહારાજ પાસે વારંવાર માગે છે કે હે પ્રભુ! મને હંમેશા આપના અનન્ય ભક્તોનો જ સહવાસ દેજો. મુક્તાનંદ સ્વામીની પ્રસ્તુત રચના પ્રાસાદિક અને ગેય છે. વિવેચન ૨ ભાવાર્થઃ- મારા ભગવાન સાથે જેને હેત છે. એનો સંગ શા માટે તજીએ? “ભજ તેને જે હરિ પ્રગટ ભજે” સંબંધવાળાનો મહિમા લખતાં સ્વામી કેવડી મોટી વાત લખે છે કે જે પ્રગટનું ભજન કરે છે તેનું ભજન કરવામાં જ સ્વોપાસના સાકાર થાય છે. ઉદ્ધવજીને જ્યારે ગોપીઓનો મહિમા સમજાયો ત્યારે જ કૃષ્ણ પરમાત્માના કૃપાપાત્ર બન્યા. તેમ અહીં સ્વામી પદારંભમા જ પ્રગટના સંબંધવાળાનું ભજન કરવાનું, તેના સંગે જ રાચવાનું અને તેની સાથે જ હેત કરવાનું કહે છે. IIટેકII સાકારનિષ્ઠાવાળા ભક્તની સન્મુખ કે’તા પાસે જવામાં અને રહેવામાં ભાલા જેવા વાક્બાણનો વરસાદ વરસે તો પણ શંકા ન કરવી. ધર્મ અને ઉપાસનાના યુદ્ધમાં કામ આવી જતાં કાચા પડી જાય તો પણ આપણો જીવાત્મા હરિજન અને હરિને મળશે. II૧II શૂળી ઉપર સુવડાવે તો પણ સહજાનંદજીના શુદ્ધ સાધુને સંગે રહીએ. દુરિજનિયાને ભલેને જેમ બોલવું હોય તેમ બોલે, એના વેણ-કવેણ અને સુખ-દુઃખ સહન કરીને પણ સાચા સાધુના સંગમાં રહેવું. II૨II અમૃતથી અધિક મીઠા વેણથી ભગવાન શ્રીહરિનાં દિવ્ય અને પ્રાકૃત ચરિત્ર જે સુણાવે છે. વળી, ભવબ્રહ્માદિક,સનકાદિકો જેના દર્શન કરવા આવે છે, એવા સાચા સંતનો સંગ કેમ તજીએ? II૩II હે પ્રભુ! હે પ્રાણનાથ! નરકકુંડથી અનેક ગણું નરસું મુખ આ દુર્જનિયાનું લાગે છે. માટે હે દયાસિંધુ! હું આપની પાસે મુક્ત મને માંગુ છું કે હંમેશને માટે તમારા ભક્ત સમુદાયમાં વાસ આપજો. હવે જલ્દી આ માર્ગીના માતેલા આખલાઓના અખાડામાંથી છોડાવો. આમ, આ પદમાં ખૂબ જ સુંદર રીતે પ્રગટ પ્રભુના સંબંધવાળાના સહવાસનો મહિમા સમજાવ્યો છે. II૪II રહસ્યઃ- પૂર્વે સન્નિષ્ઠ સંગીતકારોના સબીજ સંગીતથી ગવાયેલા મલ્હાર રાગથી વરસાદ થતો. એ ન્યાયે પ્રસ્તુત પદમાં પ્રગટ સંબંધવાળાની મહત્તા ઝીલતાં પ્રગટ પ્રભુની કૃપારૂપ વર્ષાની અમીઝડી મુક્તાનંદસ્વામી ઉપર વરસી પડી. જુઓ વનનામૃત વડતાલના-૧૧ માં સ્વયં શ્રીહરિએ સ્વાશ્રિતોને આ પદ કંઠસ્થ કરી નિત્ય ગાવાની આજ્ઞા કરી છે. એ જ કૃપારૂપી અમૃતની વર્ષા છે. પ્રગટ ઉપાસી ભક્તોને આ પદ અતિ ઉપયોગી છે. પદ ઢાળમાં ભજન શૈલીની છાંટ વર્તાય છે. તાલ લય મધ્ય અને દ્રુત છે. સુગેયતાની દ્રષ્ટિએ પદ ઢાળ કઠિન છે. કારણ કે મલ્હાર રાગ શાસ્ત્રીય સંગીત પદ્ધતિનો એક કઠિન રાગ છે. પરંતુ પ્રવર્તમાન કાળના ગાયકોમાં સંગીતની ઊંડી સાધનાના અભાવે પ્રસ્તુત ઢાળને લોકભોગ્ય બનાવવા માટે પ્રાચીન ભજનશૈલી પ્રચારમાં આવી છે. અને તેમાં દ્રુતલયના કહેરવાતાલનો ઉપયોગ કરાય છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલ, તા.નડિયાદ, જી.ખેડા ફોન.+૯૧ ૨૬૮-૨૫૮૯૭૭૬/૭૨૮

પરંપરાગત (સ્વરકાર)
મારે સ્વામિનારાયણ ભજવા
Studio
Audio
0
1
 
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૨
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
અક્ષરવલ્લભદાસ સ્વામી

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
નારદ મેરે સંતસે અધિક ન કોઈ
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
1
1
 
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
પરંપરાગત
શ્રીહરિની સ્વભાવિક ચેષ્ટા
Studio
Audio & Video
1
0
 
આખું
ડાઉનલોડ
વિડિયો
સંકિર્તનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
પરંપરાગત
વચનામૃતનાં પ્રસાદીભૂત કીર્તનો - ૦૨
Studio
Audio & Video
0
0