નયન ભરી કબ દેખું કિરતાર, શામરી સુરત માધુરી મૂરત ૧/૫

નયન ભરી કબ દેખું કિરતાર...ટેક.
શામરી સુરત માધુરી મૂરત, અધમ જનન કે ઉદ્ધાર...નયન૦ ૧
દર્શ વિના અતિ દુ:સહ વિરહ તન, દુ:ખ કો વાર ન પાર...નયન૦ ૨
સહજાનંદ ચરન બિન મોકું, જગ સબ જરત અંગાર...નયન૦ ૩
મન કર્મ વચને મુકુંદ ચરન પર, વાર્યો મેં વારંવાર...નયન૦ ૪
 

મૂળ પદ

નયન ભરી કબ દેખું કિરતાર

મળતા રાગ

યમન કલ્યાણ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ઉત્પત્તિ

સંવત ૧૮૬૦ની સાલમાં શ્રીજીમહારાજ પોતાના સમસ્‍ત સંતમંડળ સાથે સૌરાષ્‍ટ્રની ધીંગી ધરા ઉપર રમણ કરી રહ્યા હતાં તે દરમયાન રાજા હઠીસિંહ જાડેજાના ઉષ્‍માભર્યા આમંત્રણને માન આપીને ગોંડલ પધાર્યા હતા. રાજાએ શ્રીહરિનું ભવ્‍યાતિભવ્‍ય સ્‍વાગત કર્યું. ગોંડળી નદીના તીરે આવેલા ઉપવનમાં બાંધેલા બેનમૂન બંગલામાં સ્‍વામીશ્રી સહજાનંદજીમહારાજને ઉતારો આપવામાં આવ્‍યો. રાજાએ શ્રીજીમહારાજને સોનેમઢી અંબાડી હાથી ઉપર બેસાડી ગોંડલ ગામમાં ભવ્‍ય શોભાયાત્રા કાઢી. આ ચિરસ્‍મરણિય શોભાયાત્રામાં ક્ષત્રિય ડોસાભાઈ, વિપ્ર જેઠાભાઈ, મીઠાભાઈ, શેઠ રૂડો અને રાધવજી‍, સુથાર જીવરામ અને પ્રાગજી, મુસ્‍લિમ ભકત શેખજી અને જીવન ઇત્‍યાદિ ગોંડલના અગ્રગણ્‍ય હરિભકતોએ અતિ ઉત્‍સાહભેર ભાગ લીધો. મહારાજની સવારી રંગેચંગે રાજમહેલ પહોંચી. રાજદરબારમાં રાજાએ પ્રભુને પ્રેમપૂર્વક સુવર્ણના સિંહાસન પર બેસાડી તેમની ષોડશોપચારે ભાવપૂર્વક પૂજા કરી. મઘ્‍યાહ્ન થયો હોવાથી મહારાજ મૂળજી અને જેરામ બ્રહ્મચારીએ તૈયાર કરેલ દૂધપાક-પૂરીનો સ્‍વાદુ થાળ જમ્‍યા, પછી સંતોને જમાડી રાજપરિવારને પોતાની પ્રસાદીનો થાળ મોકલવ્‍યો. વામકુક્ષિ બાદ મહારાજ ફરી સિંહાસન પર આરૂઢ થયા. રાજા હઠીસિંહ પોતાના સમસ્‍ત પરિવાર સાથે શ્રીહરિની સમીપે બેઠા. શ્રીજીમહારાજે રાજાને પૂછયું: 'રાજન, બોલો આપની શી ઇચ્છા છે ? સંતો કીર્તન-ભકિત આદરે કે જ્ઞાનવાર્તા કરે?' રાજાએ કાંઈ જવાબ ન આપ્‍યો. હઠીસિંહ બાપુ હજી અસમંજસમાં હતા. પ્રભુજી પ્રત્‍યે પારાવાર પ્રેમ હોવા છતાં એમના અંતરમાં સંશયનો કીડો સતત સળવળ્‍યા કરતો કે આ કળિકાળમાં પ્રગટ પરમાત્‍માનું પ્રાગટય હોય ખરું? ખરેખર આ સહજાનંદ સ્‍વામી ભગવાન હશે ખરા? હૈયે જે વાત હતી તે હોઠે આવતી નહોતી. મહારાજ એમની મનોવ્‍યથા પામી ગયા. તેમણે તરત જ સંતોને કીર્તન આરાધના આરંભવાની આજ્ઞા આપી. દુકડ, સરોદ અને સિતાર જેવા અનેકવિધ વાદ્યો લાવીને સંતોએ સંગીતની સૂરાવલિ છેડી. મુકાતાનંદ અને મોટા દેવાનંદ સ્‍વામીએ સરોદના તાર ખેંચ્‍યા. પ્રેમસખી પ્રેમાનંદ સ્‍વામીએ દુકડને ટકોરી તૈયાર કર્યા. જ્ઞાનાનંદ સ્‍વામીએ સિતારના તાર ઝણઝણાવ્‍યા. સુખાનંદ સ્‍વામીએ ફૂંક મારી બંસરીમાં પ્રાણ પૂર્યા. વાજિંત્રોના વાદ્ય સંગીતથી વાતાવરણ જામતાં જ મુકતાનંદ સ્‍વામી રાગ યમન કલ્‍યાણનો આલાપ લઈ પોતાનું સ્‍વરચિત પદ ' નયનભર કબ દેખું કિરતાર ' નું મુખડું ગાવા લાગ્‍યા. કીર્તનના શબ્‍દે શબ્‍દે સાંભળનારના અંતરમાં ભકિતભાવમાંથી નૈસર્ગિક રીતે નિષ્‍પન્ન થતો પ્રભુપ્રેમ પ્રગટવા લાગ્‍યો. સ્‍વામીની આંખોમાંથી એમનો શ્રીહરિ પ્રત્‍યેનો અદમ્‍ય અનુરાગ અનરાધાર આંસુરૂપે વહી રહ્યો હતો. અંતરાની કડી - 'સહજાનંદ ચરણ બિન મોકું, જગ સબ જરત અંગાર' ગાતા સ્‍વામીની વિરહવ્‍યથાએ માઝા મૂકી. સુખાનંદે સ્‍વામીના ખભે હાથ મૂકી એમને ભાવનાની રસસમાધિમાંથી જાગૃત કર્યા‍. સ્‍વામિએ અંતિમ ચરણ ગાઈ કીર્તનની સમાપ્‍તિ કરી. શ્રીજીમહારાજે અત્‍યંત પ્રસન્ન થઈને સ્‍વામીને કહ્યું: સ્વામી, તમારા આવા ભકિતરસથી ભરપૂર પદો અમને અત્‍યંત ગમે છે. ભકતના અંતરનો આવો પ્રેમભાવ જ તેને ભગવાનના સ્‍વરૂપમાં રસબસ કરે છે. તમે મેઘપુરમાં જે કાફી રાગના પદો રચેલા તે હવે રાજા હઠીસિંહને સંભળાવો.' મહારાજનો ઈશારો સ્‍વામી સમજી ગયા. તેમણે તરત જ કાફી રાગ છેડી 'પ્રગટકે ગુન હમ ગાવે...’પદ ઉપાડયું. આખોય રાજદરબાર મુકતમુનિના મનમોહક સંગીતની સુરમય સૂરાવલિઓમાં ખોવાઈ ગયો. સ્‍વામી આજે મન મૂકીને ગાઈ રહ્યા હતાઃ 'પ્રગટ ભકિત અરૂ પ્રગટ પ્રાપ્‍તિ, પ્રગટ વિના મન નાવે' રાજાના અંતરમાં આ સાંભળી સહેજ સહેજ અજવાળું થવા લાગ્‍યું. તેને થયું: આ તો બહુ મુદ્દાની વાત થઈ રહી છે. એને ઉંડાણથી સમજવી પડશે. કીર્તન સમાપ્‍તિ થતાં રાજાએ મહારાજને પ્રાર્થના કરતા કહ્યું મહારાજ, આ કીર્તનમાં કવિ શું કહેવા માંગે છે એની જો સુચારુ સ્‍પષ્‍ટતા થાય તો અત્રે બેઠેલાં સહુને બહુ સમાસ થાય. આ સાંભળી મહારાજે મુકતમુનિને સાન કરીને કીર્તનનું રસદર્શન કરાવવાની આજ્ઞા આપી. મુકાતાનંદ સ્‍વામી શ્રીજીમહારાજની ચરણવંદના કરી બોલ્‍યા: 'રાજન, પ્રગટની ઉપાસનાની વાત જ નોખી છે. સાંભળો.... પ્રગટ કે ગુન હમ ગાવે, પ્રગટ દર્શકું પાવે, પ્રગટ બીના જે ભૂત ભવિષ્‍ય હૈ, સો સુપને મેં ન ભાવે.' અમે તો પ્રગટ પરમાત્‍મા ભગવાન શ્રી સ્‍વામિનારાયણના જ ગુણ ગાઈએ છીએ અને તેમનાં જ દર્શન કરીએ છીએ. ભગવાનના જે અવતારો ભૂતકાળમાં થઈ ગયા અને ભવિષ્‍યમાં જે થવાના છે એનો અમને સ્‍વપ્‍નમાં પણ સંકલ્‍પ થતો નથી. આ લોકમાં કેટલાય યોગીઓ અને તપસ્‍વીઓ પરોક્ષ ભગવાનના ગુણગાન ગાય છે, પરંતુ પ્રગટ પરમાત્‍માની ઓળખાણ વિના એ બધું કુશકા ખાંડવા બરાબર વ્‍યર્થ છે . જેમ પ્રગટ જળ વિના તરસ છિપાતી નથી, પ્રગટ સૂર્ય વિના સુર્યના હજારો ચિત્રની મદદથી અંધકાર ટળતો નથી, સ્‍વપ્‍નમાં પંચામૃત ભોજન જમીને તૃપ્તિ નો ઓડકાર આવતો નથી તેમ પ્રગટ પરમાત્‍માની ઉપાસના વિના મુમુક્ષુનું મન કયારેય પરોક્ષની ભકિતથી શાંતિ પામતું નથી. 'પ્રગટ મોક્ષ કા પથ બતાવે, પ્રગટ ભાવ ઊર આવે, પ્રગટ નવલ પ્રભુ પ્રગટ પ્રેમરસ, પ્રગટ સો ભરભર પાવે. સાચા સદ્‍ગુરુ જ રાજન; મોક્ષની રાહ બતાવે છે. પ્રગટની ઉપાસના જ કલ્‍યાણનો પરમ હેતુ છે.' મૂકત મુનિના મુખેથી પ્રગટની આવી અદભુત જ્ઞાનવાર્તા સાભંળીને રાજા હઠીસિંહના અંતરના સર્વે સંશય ટળી ગયા. સદ્‍ગુરુ ગુણાતીતાનંદ સ્‍વામી ઘણીવાર એમ કહેતાઃ 'મુકતાનંદસ્‍વામી જેવા સંત વાતો કરતા હોય તો બે હજાર માણસોની સભા બેઠી હોય તો પણ એ સર્વના અંતરના સમાધાન થતા જાય.' સ્‍વામીના કીર્તનમાં, એમની વાતોમાં અને એમની વાણીમાં એવો પ્રભાવ હતો.* કાવ્‍યકૃતિ: નયનભર કબ દેખું કિરતાર. ટેક. શામરી સુરત માધુરી મૂરત, અધમ જનકે ઉદ્ધાર. નયન. ૧ દરશ બિના અતિ દુઃસહ વિરહ તન, દુઃખ કો વાર ન પાર. નયન. ર સહજાનંદ ચરન બિન મોકું, જગ સબ જરત અંગાર. નયન. ૩ મન કર્મ વચને મુકુંદ વચન પર, વાર્યો મૈં વારંવાર. નયન. ૪

વિવેચન

આસ્‍વાદઃ સદ્‍ગુરુ મુકતાનંદ સ્‍વામી જ્ઞાની કવિ છે. એમની વાણીને કવિશ્વર દલપતરામે 'ગંગાના પ્રવાહ' સાથે સરખાવી છે. પરંતુ પ્રસ્‍તુત પદ મુકતમુનિને નરસિંહ અને મીરાની કક્ષાથી પણ મુઠી ઉંચેરા પ્રેમીભકત તરીકે પ્રસ્‍થાપિત કરે છે. અહીં પ્રેમમગ્ન ભકતહ્યદય મીઠી વિરહવેદનાને કવિએ કમનીય શબ્‍દોમાં કંડારી છે. કાવ્‍યમાં લય તો સ્‍વાભાવિકપણે હોય છે, પરંતુ લય સ્‍વર સાથે ભળીને વિયોગ વ્‍યંજનામાંથી વ્‍યકત થાય ત્‍યારે એમાંથી નીપજતું સંગીત અત્‍યંત મર્મસ્પર્શી અને કયારેક તો હદયવિદારક નીવડે છે. એક સનાતન આઘ્‍યાત્‍મિક રહસ્‍ય છે કે જયાં સુધી પરમાત્‍માના પ્રેમમાં પાગલ પ્રેમીભકતના અંતરમાં પરમાત્‍માના દિવ્‍ય સ્‍વરૂપનો સાક્ષાત્‍કાર થતો નથી, ત્‍યાં સુધી એનું અંતર સતત વિરહની આગમાં સળગતું જ રહે છે. પછી ભલેને એ ભકત અહોનિશ ભગવાનની સમિપે જ રહેતો હોય. સ્‍થૂળ જુદાઈ એ વિરહવ્‍યથાનું કોઈ કારણ નથી અને સ્‍થૂળ ભૂમિકા પર થતું મિલન એ વિરહવેદનાનું શમન નથી. પરંતુ સાધનદશાનું એક સત્‍ય એ પણ છે કે પ્રિયતમના સંયોગે પાંગરતો પ્રેમ એના વિયોગે વૃદ્ધિ પામે છે. વિરહમાં મનની એક ભાવનાત્‍મક સ્‍થિતિ બને છે. એ સ્‍થિતિમાં મન પ્રિયતમ પ્રભુના અંતરસ્‍થ સ્‍વરૂપમાં વધુ ને વધુ રસલીન બને છે. પરિણામે વિરહના વિષાદને સ્‍થાને અંતરમાં પરમાત્‍મા પ્રત્યેના પ્રગાઢ પ્રેમનો આનંદાત્‍મક અનુભવ થાય છે. આ આનંદની તન્‍મય અવસ્‍થામાં ભકત અને ભગવાન વચ્‍ચે અદમ્‍ય અનુસંધાન થાય છે. કવિનો આર્તનાદ છે- 'નયનભર કબ દેખું કિરતાર....' નજરો ભરી ભરીને નિરખ્‍યા પછી પણ એમની આંખો સાંવરિયાની શામરી સુરત અને માધુરી મૂરતને જોવા માટે સતત તડપયા કરે છે. પ્રિયતમ પતિતપાવન છે, અધમ ઉઘ્‍ધારક છે, એવી કવિને પ્રતીતિ છે. પ્રેમ અને વિરહ એ એક જ સિક્કાની બે બાજુ જેવા છે. પ્રેમ કરવો એ તો પોતાના પેટમાં જ કટારી મારવા બરાબર છે. વિયોગની વ્‍યથા અસહ્ય છે. એમાં માત્ર મન જ નહીં, તન પણ તપ્‍યા કરે છે. અંતે કવિ કબૂલ કરે છે કે સહજાનંદ પિયુ વિના આ સમગ્ર સંસાર મને હોળીના હુતાશન જેવો ભાસે છે, કારણ કે મન, કર્મ અને વચનથી કવિ એ કામણગારા કિરતાર પર કુરબાન છે! મુકતાનંદ સ્‍વામીએ રાગ યમન કલ્‍યાણની બંદિશમાં ગાયેલી આ વિરહવિભાવનામાં વિપ્રલંભ વિયોગશૃંગાર‍ની વ્‍યાપકતા અનુભવાય છે. મુકતાનંદ સ્‍વામી શ્રી સ્‍વામિનારાયણ સંપ્રદાયના આદિ કવિ છે. તેમનું પૂર્વા‍શ્રમનું નામ મુકુંદદાસ હતું તેથી તેમણે ઘણી રચનાઓ દાસ મુકુંદના નામે કરેલી જોવા મળે છે. .................................................................. *પ્રસંગ સંદર્ભ : શ્રી હરિચરિત્રામૃતસાગર (પૂર ત્રીજું, તરંગ-૪૬, ૪૭) a

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
પ્રેમ આરાધના
Studio
Audio
0
0