પ્રગટ બિન કર્યો સુખ પાવે, બહુ વિધિ બાત બનાવે; ૪/૪

પદ ૪/૪ ૧૦૫૫
પ્રગટ બિન કર્યો સુખ પાવે, બહુ વિધિ બાત બનાવે;
રવિ રવિ કહે રેંન નહિ જાવે, જળ કહી તૃષા ન બુઝાવે.ટેક
અમૃત કહે અમર નહિ હોવે, ધન કહી ધનહી ન પાવે;
ધનકે કહેરી ધનિક જો હોઇ, નિર્ધન કોઇ ન રહાવે. પ્રગટ ૧
રાજા કહે રાજ જો પાવે, રંક નજર નહિ આવે;
ભોજન કહે ભુખ જો ભાગે, વૃથા કષ્ટ કેહી ભાવે. પ્રગટ ૨
સાચે સદ્‌ગુરુ બિન સબ દુનિયા, કથી કથી કર્મ ઉપાવે;
મુક્તાનંદ મિથ્યા સબ કહેની, રહેનીમેં રંગ જમાવે. પ્રગટ ૩

મૂળ પદ

પ્રગટ કે ગુન હમ ગાવે, પ્રગટ દરશ કું પાવે

મળતા રાગ

ઢાળ : દ્વાર પડયો ગુન ગાઉં

રચયિતા

મુક્તાનંદ સ્વામી

વિવેચન

ભાવાર્થઃ- મુક્તાનંદસ્વામી ગોંડલ દરબાર શ્રી હઠીભાઈને વર્તમાનકાળે પ્રુથ્વી પર વિચરી રહેલ પ્રગટ સ્વરૂપની ઉપાસનાનું મહત્વ આત્યંતિક મોક્ષની બાબતમાં કેટલું આવશ્યક છે? તે સમજાવતા થકા આગળ કહે છે કે, “હે રાજન ! પ્રગટ ભગવાન વિના કોઈ પણ પકારનું સુખ પામી શકાતું જ નથી. ભલેને કોઈ અનેક પ્રકારે નિગમ ગાવે કે કોઈ અનેકવિધ વાતો કરે તોય શું?’ પ્રગટ જળ વિના તરસ છીપે ખરી? અમાસની રાત્રીએ કાગળમાં ચિતરેલા કરોડો સૂર્યો આકાશમાં લટકાડવાથી રાત્રિનો અંધકાર નાશ પામે ખરો? અર્થાત રાતભર રવિની ધૂન લગાડવાથી પ્રકાશનું પાથેય પમાય ખરું? બસ તેમ પ્રગટ પ્રભુ વિના બધી વાત એવી જ છે. મીઠા વિનાનાં ભોજન જેવી છે. અર્થાત ચૈતન્ય વિનાનાં ક્લેવર સમાન છે. જેમ સ્વપનાનાં પંચામૃત ભોજનની ભૂખ ભાંગતી નથી, અમૃત – અમૃત કહેવાથી અમર બનાતું નથી અને ધનની ધૂન લગાવવાથી ધનિક થવાતું નથી ને કદાચ જો ધનનું રટણ કરવાથી ધનિક થઈ જવાતું હોય તો પછી નિર્ધન કોણ રહે? તેમ રાજા – રાજા કરવાથી રાજ મળી જતું હોય તો રંક નજરે જ પડે નહીં, વળી, લાડુ લાડુ કરવાથી ભૂખ ભાંગી જતી હોય તો સૌ કોઈ શા માટે આઠોપહોર કષ્ટ ઉઠાવે? માટે જ કહું છું, કે “હે રાજન! શુદ્ધ મુમુક્ષુને માટે પ્રગટ પ્રભુ વિના એક પણ ઉપાય સુખદાય નથી.” પરોક્ષ ભગવાનની ભક્તિ કરનારો ભક્ત અમાસના ચંદ્રમા જેવો છે અને મનુષ્ય સ્વરૂપ પ્રત્યક્ષ ભગવાનના પ્રસંગવાળો ભક્ત પૂનમનાં ચંદ્ર જેવો છે. માટે પ્રત્યક્ષ પ્રગટ પ્રમાણ પ્રભુને પામવાથી જ પરમ પ્રાપ્તિ પમાય છે. જ્યારે પ્રગટ મળે ભગવાન રે, ત્યારે જનનું કલ્યાણ નિદાન રે, માટે પ્રગટ ચરિત્ર સાંભળવું રે, હોય પ્રકટ ત્યાં આવી મળવું રે, પ્રગટ ભગવાન અને તેના ભક્તનાં દર્શન, સેવા, સમાગમમાં ઉત્સાહભેર વાસ કરનારા ભક્તને ચાલુ સાક્ષાત્કારના ફળરૂપે દિવ્ય, પારલૌકિક આનંદનો સાક્ષાત્કાર થાય છે. મુક્તાનંદસ્વામી કહે છે કે; “હે રાજા! મુને આંખ મીંચીને અંતરમાં જોતા નથી આવડતું મારે ચિત્તે પ્રગટ વિના બીજું નથી ચડતું.” માટે પ્રગટ પ્રભુના જ્ઞાન વિના કદી મોક્ષ થતો નથી. એમ શ્રુતિમાં પણ કહ્યું છે. “ ऋते ज्ञानान्न मुक्तिः “ “ तमेव विदित्वातिमृत्युमेतिनान्यः पन्था विद्यतेडयनाथ्. I” ભગવાનનું સાક્ષાત્ જ્ઞાન થાય ત્યારે જ જીવનું કલ્યાણ થાય છે. જ્યારે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપને વિષે ઈન્દ્રિયો. અંતઃકરણ અને અનુભવ એ ત્રણેયે કરી યથાર્થ જ્ઞાન થાય એટેલે આપણો મોક્ષ થઈ ચૂક્યો. એમાં જરા પણ શંકાને સ્થાન નથી. એ ભક્ત પૂર્ણકામ થઈ ગયો. બ્રહ્મરૂપ થઈ ગયો. આવો પ્રત્યક્ષ ભગવાનના જ્ઞાનનો પ્રતાપ છે. પ્રત્યક્ષ ભગવાનમાં તમામ અવતારો, દેવો, ઈશ્વરો, તથા સર્વગુણ ઐશ્વર્ય અને સકળકળાનો સમાવેશ થાય છે, એવો દ્રઢ નિશ્ચય કરનાર ભક્તને ઉત્તમ નિર્ગુણપણું પ્રાપ્ત થાય છે. સર્વ શક્તિ સંપન્ન પ્રત્યક્ષ સ્વરૂપી મળ્યા પછી ગોલોક, વૈકુંઠ અને બ્રહ્મપુર આદિ ધામ અને તે ધામમાં બિરાજેલ તેજો સ્વરૂપને જોવાની ઈચ્છા રાખી અપૂર્ણપણું માનનાર મહા અજ્ઞાની છે. એ નિશ્ચય રહિત છે. માટે એવાના મુખથી કથા વાર્તા પણ ન સાંભળવી. એના સંગથી નિશ્ચયરૂપી ગર્ભનો પાત થઇ જાય છે. આવું ઝીણવટ ભરેલું જ્ઞાન હે રાજા! સદ્ગુરુનાં પ્રસંગ વિના થતું નથી. એવા ગુરુરૂપ હરિને વિશે પરાપ્રીતિવાળા ભક્તને સર્વ અર્થ પ્રકાશે છે. હે રાજા ! જેને દેહ મુકીને પામવા છે. તે આ છતે દેહે જ મળ્યા છે. આની અનુવૃત્તિ એ જ ભક્તિ, એ જ પરમપદ, એ જ મોક્ષ છે. પ્રગટ ભગવાન અને તેના સંબંધવાળા અનન્ય ભક્તો જે વડે રાજી થાય એનું નામ જ જપ, તપ, વ્રત, દાન, વૈરાગ્ય. એ બધું એની પ્રસન્નતાના સાધનમાં જ આવી ગયું. માટે રાજા! હવે જ્ઞાનરૂપી જૂનો ડગલો ઉતારી આ નવલપ્રભુના નવલ જ્ઞાનરૂપી નવો ડગલો પહેરી લો એટલે પૂર્ણકામ થઈ જશો. આમ, મુક્તાનંદ સ્વામીએ પ્રગટાનંદનાં પ્રેમસ્પંદનોથી રાજા હઠીસિંહની હૈયાવરાળને શાંત કરી, અને અંતમાં કહ્યું કે “પ્રગટની ઉપાસના કેવળ કથન માત્ર નથી. પ્રગટાનંદનો રંગ તો જ્યારે વર્તનમાં વણાય ત્યારે જ તેના અલૌકિક આનંદની અનુભૂતિ થાય છે.” વર્તન વિહોણી કહેણી ફણ વિનાના બાણ જેવી છે. પ્રગટ સ્વરૂપનું જ્ઞાન સદ્ગુરુની દ્રષ્ટિ વિના જીવનમાં કદી સાકાર થતું જ નથી અને આ પ્રત્યક્ષ શ્રીહરિના જ્ઞાન વિના સારીયે દુનિયા સ્વકર્મનો બોજો ઉપાડી રહી છે. કર્મનું ફળ અફર છે. પરંતુ ગુરુગમથી અને પ્રગટસ્વરૂપના જ્ઞાનથી અશક્ય શક્ય બને, અગોચર ગોચર બને અને અપ્રાપ્ય પ્રાપ્ય થાય છે. તો પછી કાળ, કર્મ અને માયાના બંધનથી મુક્ત થવું એ તો એ ભક્તને મન સહજ હોય છે. રહસ્યઃ- પ્રસ્તુત પદો પ્રગટાનંદના પ્રગાઢપણાથી સભર છે. કવિનો સર્વોત્કૃષ્ટ નિશ્ચય સુંદર રીતે રજૂ કરાયો છે. એમના ભક્ત હૃદયનો ભાવ સાહજિક રીતે વાણીમાં ઊંડી અભિજ્ઞતાનો સંકેત કરે છે. પ્રસ્તુત કીર્તનનાં ચારેય પદોમાં થયેલો અઢાર વખત ‘પ્રગટ’ શબ્દનો પ્રયોગ પ્રગટાનંદનાં સ્પંદનોની ઝાંખી કરાવે છે. પ્રેમભક્તિની ખુમારી પદની હિન્દી વાક્છટામાં ‘તેય’ ‘હમ’ જેવા સર્વનામમાં બરોબર વર્તાય છે. પ્રગટ પ્રેમરસની મસ્તી વિના ‘પ્રગટ કે ગુન હમ ગાવે’ જેવો ઉપાડ ‘પ્રગટ સો ભર ભર પાવે’ જેવી ઉક્તિઓ સ્ફુરે નહીં. કાવ્યમાં ક્રિયા નિર્દેશક એક જ પ્રકારનું પ્રાસ વિધાન દેખાય છે. શબ્દાનુપ્રાસ, વર્ણાનુપ્રાસ, અંત્યાનુપ્રાસ કવિની કૃતિના કૌશલ્યને વધારે છે. પદનો રાગ કાફી છે. ઢંગ શાસ્ત્રીય છે. પદના ભાવાત્મક શબ્દોનું મૂલ્યાંકન કરતા પ્રસ્તુત પદ શાસ્ત્રીય સંગીતની દ્રષ્ટિએ રાગ દરબારી કાનડામાં ગાવામાં આવે તો ભાવ, શબ્દ અને સૂરના સંયોગથી ગોંડલના હઠીસિંહના દરબારમાં યોજેયેલ સહજાનંદની દરબારી સભાની વાસ્તવિક્તા સહજમાં અનુભવાય છે. કારણ કે રાગ દરબારી કાનડાનું ઉત્પત્તિ સ્થાન કાફી થાટમાં છે. અને તાલ ત્રિતાલ છે. લય મધ્યલય છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી