હો પિયા પાયા તો ફિર ક્યા સોના, પિયા પાયા જબ સાર સબન કો ૫/૬

હો પિયા પાયા તો ફિર ક્યા સોના...હો પિયા૦ ટેક.
પિયા પાયા જબ સાર સબન કો, હાડ ચામ ક્યા જોના...હો પિયા૦ ૧
મગન ભયે મનમોહન સંગે, મગન હોય ક્યા રોના...હો પિયા૦ ૨
બખ્તર પહેનકે રણમેં નીકસે, નરમ ગરમ ક્યા હોના...હો પિયા૦ ૩
મુક્તાનંદ મોહ સબ તજીકે, શ્યામચરન મન પ્રોના...હો પિયા૦ ૪
 

મૂળ પદ

હો ગિરધારી મુગટ પર વારી, હો ગિરધારી

મળતા રાગ

જંગલો

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ઉત્પત્તિ

સં. ૧૮૮૫ના આસો સુદ બારસનાં દિવસે ગઢડામાં શ્રી ગોપીનાથજી દેવની પ્રતિષ્ઠા કર્યા બાદ શ્રીજીમહારાજ ઘણું ખરું ગઢડામાં જ રહેતા હતા. તેથી મહારાજના દર્શન –સમાગમ માટે દરરોજ મોટી સંખ્યામાં સંતહરિભક્તો ગઢડા આવતા હતા. દૂર દૂરથી આવતા હરિભક્તો ગઢડા આવી સંતોને રોજ જુદી જુદી રસોઈ આપતા. શ્રીહરિ તેમજ સંતો જમે એ જોઇને એ ભક્તો કૃતાર્થ થતા, પણ વિશેષ સંતોષ તો એમને ત્યારે જ થતો જયારે શ્રીજી સ્વયં સંતોને પીરસીને આગ્રહપૂર્વક જમાડતા. આમ આવું દરરોજ ચાલતું અને એ અરસામાં મહારાજની તબિયતે પણ કસર જણાતી હતી., સંતોની પંક્તિમાં પીરસતા પીરસતા મહારાજ ક્યારેક થાકીને વચમાં બેસી પડતા.તેથી એકવાર અક્ષર ઓરડીએ મહારાજના પગ દબાવતા દબાવતા મૂળજી બ્રહ્મચારી ખીજાઈને બોલ્યા : “ રોજ રોજ શું પીરસવા જવાનું ? અંદર અંદર બધાં પીરસી લેશે.” મહારાજ તેમનો રોષ જોઈ સૂતા સૂતા હસ્યા. બ્રહ્મચારી સમજી ગયા . તેમણે કહ્યું : “ તો પછી બધી વાનગી અહીં મંગાવીએ . હાથ અડાડી દો એટલે નિર્ગુણ પ્રસાદી થઈ જાય.” એટલે મહારાજ કહે : “ પણ દર્શન ન થાય ને ?” હવે બ્રહ્મચારી ભાવમાં આવી ગયા. તેમણે કહ્યું: “ દર્શન તો રોજ સૌ કરે છે, વિશેષ દર્શન કરવાં હોય તો રાત્રે આપ પોઢ્યા હો ત્યારે બેસી જાય સામે અને દર્શનનો લાભ બરાબર લઈ લ્યે.” બ્રહ્મચારીને લડાવતા કહ્યું: “ બ્રહ્મચારી! તમારે છે, એવો ખપ હોય તો પછી નીંદર આવે જ શેની?” સ.ગુ. મુક્તાનંદ સ્વામી ક્યારના અક્ષરઓરડીના અધખૂલાં દરવાજા આડે ઊભા ઉભા મહારાજ અને બ્રહ્મચારીનો આ સંવાદ સાંભળતા હતા.મહારાજના અંતિમ શબ્દોએ સ્વામીને વિચારતા કરી દીધા, ‘એવો ખપ હોય તો પછી નીંદર આવે જ શેની?” .... સ્વામીના અંતરમાં ઉત્પાત મચી ગયો , પ્રસવની વેદના જેવી પીડા એમનાં અંતરમાં ઊપડી અને સ્વામી સીધા ઉતારે પહોંચ્યા. કાગળ અને કલમ લઈને મહારાજના મહામૂલા સંદેશને સાકાર કરવા સ્વામી મથવા લાગ્યા. મહારાજના જે શબ્દોએ સ્વામીના અંતરમાં કાવ્યતત્વનો ગર્ભ ધારણ કર્યો હતો એ નવજાત કાવ્ય-શિશુ થોડી વારે પ્રસવ પામ્યું. સંતનું હૈયું હવે હળવું થયું ! રાત જામી ગઈ હતી, મુક્તમુનીએ સારંગી લઈ મૃદુ સ્વરમાં ગાવા માંડયું: પિયા પાયા તો ફિર ક્યા સોના .... હો પિયા પાયા તો ફિર ક્યા સોના ... પિયા પાયા જબ સાર સબન કો , હાડ ચામ ક્યા જોના રે રે..........’

વિવેચન

આસ્વાદ : સંત કવિ મુક્તાનંદ સ્વામીનું આ હિન્દી પદ ભક્તિરસથી ભારોભાર ભરેલું છે . આ ભક્તિ પ્રેમની છે, નવધા ભક્તિના અંતે પર્યવસાન પામતી એ પ્રેમલક્ષણા ભક્તિ છે! પીયુની પ્રાપ્તિ એ સાચા અર્થમાં તો જયારે ભક્તના અંતરમાં આ પ્રેમ-ભક્તિ આવિષ્કાર પામે છે ત્યારે જ થાય છે. પ્રેમનો પ્રાદુર્ભાવ એ જ પીયુની પ્રાપ્તિ છે. એને પામ્યા પછી પ્રમાદ કેમ પોસાય? પછી જાગૃત સ્વપ્ન અને સુસુપ્તી એ ત્રણે અવસ્થા ઓળંગીને પ્રેમી ભક્ત નિરંતર પિયુની પ્રેમમુર્તીનો પ્રેમ રસ ચાખ્યા કરે છે. ‘પિયા’ એ સમષ્ટિનો સાર છે. એ નિષ્કર્ષ આપતા ‘ હાડ-ચામ ક્યા જોના ‘ પંક્તિમાં કવિનો પ્રેમ, શારીરિક આકર્ષણથી મુક્ત થઇ આધ્યાત્મિક ધરાતલ પર પદાર્પણ કરે છે. અહી ‘જોના’ એ ગુજરાતી શબ્દ ‘જોવું’ નાં અર્થમાં છે. હિન્દીમાં’ ‘જોના‘ શબ્દ નથી , પરંતુ અહી જે અર્થમાં એ પ્રયુક્ત થયો છે એ જગ્યાએ એનો પર્યાય ‘ જોના ‘ જેવો અર્થ આપી શકે એમ લાગે છે. આમ કવિ શબ્દપારખું પણ છે. પરમાત્મા તો રસરૂપ છે, આનંદરૂપ છે. એ મળ્યા પછી વળી રોવાપણું શેનું? પછી તો બસ આઠે પહોર આનંદ જ આનંદ વર્તવો જોઈએ. ‘બખ્તર પહેનકે રણમે નીક્સે, નરમ ગરમ ક્યા હોના ‘ અહીં સંત કવિ બ્રહ્માનંદ સ્વામીનું ‘રે શિર સાટે હરિવરને વરીએ’ એ પદ યાદ આવે છે. એમાં એક પંક્તિ છે- ‘રે રણમધ્યે જઈને નવ ડરીએ.’ કંઈક એવો જ ભાવ કવિ અહીં ધરે છે. ભક્તિનો માર્ગ એ યોદ્ધાનો માર્ગ છે. હરીપ્રેમનું બખ્તર પહેરી જીવનના સમરાંગણમાં રણે ચડ્યા પછી તો જે કંઈ થાય તેનો અણનમ રીતે મુકાબલો જ કરવાનો રહે છે . પછી મનમાં જરાય ઉચાટ કે અધૈર્ય રાખવાનો શો અર્થ છે? પછી તો પૂરી શ્રદ્ધાથી જ જંગ જીતી જવાનો દ્રઢ સકલ્પ રહેવો જોઈએ. અંતે મુકતાનંદ સ્વામી સર્વ મોહ-મમતા તજીને શ્રીચરણમાં જ ચિત્ત પરોવવાનું કહે છે. એક વાર પ્રભુમાં મન જોડાય છે . પછી અખંડ આનંદમસ્તીની અનુભૂતિ રહ્યા કરે છે. પંક્તિ પંક્તિએ ‘ફિર ક્યા સોના?’ ‘ક્યા જોના?’ ‘ક્યા રોના?’ વગેરે પ્રશ્નાર્થ ઉક્તિઓ મૂકીને કવિએ કાવ્યના ભાવાત્મક મર્મને વધુ ચોટદાર બનાવ્યો છે.’હિન્દી- વ્રજભાષામાં સાકાર શ્રીહરિનું ગુણ- સંકીર્તન કરી મુક્તાનંદ સ્વામીએ ભાષાને ધન્ય બનાવી છે.’ એમ એક વિવેચકે નોંધ્યું છે તે યથાર્થ જ છે!

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી

કીર્તન આરાધના
Live
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
મંગલ મૂર્તિ
Studio
Audio & Video
0
0