હેલી જોને આ નંદકુમાર, સલૂણો શોભતા ૧/૪

હેલી જોને આ નંદકુમાર, સલૂણો શોભતા;
		ચાલે મદઝર ગજની ચાલ, રસિક ચિત્ત લોભતા...૧
પ્યારી લાલ સુરંગી પાઘ, અલૌકિક બાંધણી;
		છૂટા પેચ ઝૂક્યા ચહુ કોર, અધિક શોભા બણી...૨
રૂડી રાજે છે નલવટ રેખ, મનોહર માવને;
		જોતાં કેસર તિલક અનુપ, વધારે ભાવને...૩
ઊભા અળવ કરે અલબેલ, સખાના સંગમાં;
		ખેલે બ્રહ્માનંદનો નાથ, રાજેશ્વર રંગમાં...૪
 

મૂળ પદ

હેલી જોને આ નંદકુમાર, સલૂણો શોભતા

મળતા રાગ

ધોળ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ઉત્પત્તિ

ઉત્પત્તિઃ- એક સમે શ્રીજીમહારાજ પાંચાળામાં ઠાકોર શ્રી ઝીણાભાઈના દરબારમાં બિરાજતા હતા. તે સમયમાં કચ્છના ધુવાબરાઈના હરિભક્ત કાશીરામ જમાદાર દર્શને આવ્યા. તેમણે શ્રીજીમહારાજની પૂજા કરી પોશાક પહેરાવી, ભેટમાં કટાર બંધાવી, હાથમાં કમાન (ધનુષ્ય) અને ખભે બાણનો ભાથો ભરાવ્યો. મસ્તક ઉપર લાલ સુરંગી પાઘ ધરાવી. અને તેમાં નંગજડિત કલંગી ખોસી. ને ફૂલના તોરા ધરાવ્યા. પછી મહારાજે ભાથામાંથી તીર કાઢી, વીરાસનવાળી કમાન ખેંચી તીર ચડાવ્યું. આવી શૂરાતન સભર અલૌકિક મૂર્તિને જોઈ સામે બેઠેલા રામપ્રતાપભાઈ બોલી ઊઠ્યા કે, ‘ભૈયા ઘનશ્યામ કી મૂર્તિ બહોત અચ્છી લગતી હૈ.‘ ભાઈને શ્રીહરિના રામચંદ્રજી સ્વરૂપે દર્શન થતાં ભાઈએ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરી સ્તુતિ કરી. એટલે શ્રીજી મહારાજે એ કમાન અને ભાથું મોટાભાઈને આપ્યાં. અને ભેઠે બાંધેલો મોતીનો ભરેલો કટાર ઝીણાભાઇના ભાઈ ગગાભાઈને આપ્યો. એ સમયની મૂર્તિની અલૌકિક શોભા નીરખી સ્વામીએ પ્રસ્તુત કીર્તનનાં ચાર પદો રચ્યાં છે. એ ચારેય પદમાં તે સમયની શ્રીજીની મૂર્તિના પોશાકનું સંપૂર્ણ વર્ણન છે. ભક્તોના ભીતરમાંથી આનંદ નીતરે છે. હે પ્રભુ ! આવાં અદ્ભુત દર્શન ક્યારેય આપ્યાં નથી. આજની આપની મૂર્તિની શોભાથી અને કરડીકબાણથી અમારા કામાદિક અંતઃશત્રુ વિંધાઈ ગયા છે. અર્થાત્ નષ્ટ થઈ ગયા છે. આમ, ભક્ત-હૃદયમાંથી નીકળતી ભક્તિભાવનાને સદ્ગુરુ બ્રહ્માનંદસ્વામીએ સખીભાવે ચાર પદના ચોગઠામાં ગોઠવી, એ પ્રસંગને ઈતિહાસના પાને નોંધી લીધો. તેની આ પ્રસ્તુત બંને પદો સાક્ષી પૂરે છે.

વિવેચન

ભાવાર્થઃ- હે સાહેલી જો તો ખરી ! આ ધર્મકુંવર સહજાનંદજી કેવા શોભે છે. વળી તને ખબર છે! તેની ચાલ મદને હરનાર ગજરાજ જેવી છે. ચિત્તને ચોરનાર છે. II૧II લાલ કલરની પાઘ કોઈ કુશળ કારીગરે કલાત્મક બુદ્ધિથી અવનવી અલૌકિક આંટીઓ પાડી બાંધી છે. ચારે બાજુ છુટા પેચ ઝૂલે છે. તેથી સહજાનંદની શોભા અદકેરી લાગે છે. II૨II મનોહર માવના મુખ પર નલવટ રેખ રૂડી રીતે શોભે છે. વળી કેસર મિશ્રિત અનુપમ તિલક ભક્તના ભાવમાં વધારો કરે છે. II૩II અલૌકિક ભાવવાળા ભક્તોની વચ્ચે ઊભા રહી ભગવાન એવી માનુષીલીલા કરે છે કે જે લૌલિક દ્રષ્ટિએ આળવીતરાઈ કે અટકચાળાવાળી લાગે છે. પરંતુ ભક્તને મન તો એ અલૌલિક ખેલ છે. એટલે જ બ્રહ્મમુનિ કહે છે કે મારો નાથ રાજેશ્વરના રંગમાં અલૌલિક ખેલ ખેલે છે II૪II

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

અજાણ સ્વરકાર
અજાણ
Studio
Audio
2
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
નિર્વેશ દવે

અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
4
0